ગયા અઠવાડિયે ‘વિમેન્સ ડે’ નિમિત્તે મેં એક સ્ટોરી મૂકી અને એમાં લખ્યું કે, “આવતા વીકમાં ‘મધર્સ ડે’ પર એક સ્પેશિયલ પોસ્ટ આવશે.” બસ, તરત જ ગામાયણ એકદમ શાર્પ અને એલર્ટ રીડરબિરાદરોના મેસેજ આવવા લાગ્યા કે, “અરે ભાઈ, મધર્સ ડે અત્યારે ક્યાં? એ તો મે મહિનામાં આવે!”
વાત એકદમ સાચી. કેલેન્ડરની તારીખ પ્રમાણે મારી ભૂલ હતી, અને મારા રિયલ ફેન્સની નજર એકદમ પરફેક્ટ! પણ તમારા આ જ મેસેજ વાંચીને મારા મનમાં એક જબરજસ્ત ઝબકારો થયો. એક સવાલ ઊભો થયો કે, મારે માતૃત્વ કે સ્ત્રીત્વની વાસ્તવિકતા પર વાત કરવા માટે ખરેખર કોઈ અમેરિકન ગ્રીટિંગ કાર્ડ કંપનીએ નક્કી કરેલા ‘મે મહિનાના રવિવાર’ની રાહ જોવાની જરૂર છે ખરી?
આપણી ટ્રેજેડી જ આ છે મિત્રો. ૮મી માર્ચે ‘વિમેન્સ ડે’ પૂરો થાય એટલે આપણે સ્ત્રીના અસ્તિત્વને પાછું માળિયે ચડાવી દઈએ છીએ. પછી એપ્રિલમાં ‘ચૈત્ર નવરાત્રી’ આવશે એટલે આપણે પાછા નવ દિવસ માટે ‘દેવી, દેવી’ કરતા મંદિરોમાં ધૂણીશું, કન્યાપૂજનના ફોટા મૂકીશું… અને પછી ત્યાંથી સીધા મે મહિનામાં ઈ-કોમર્સ સાઇટ્સના ડિસ્કાઉન્ટ કોડ્સ સાથે ‘મધર્સ ડે’ પર જાગીશું!
ડિજિટલ યુગમાં આપણે માત્ર કામ જ નહિ, આપણી લાગણીઓનું અને ભક્તિનું પણ ‘આઉટસોર્સિંગ’ કરી દીધું છે. માર્કેટિંગના અલ્ગોરિધમ્સ અને કેલેન્ડરના પાના હવે નક્કી કરે છે કે આપણે કયા દિવસે કોને કેટલો પ્રેમ કે આદર કરવાનો છે. આ કોઈ સેલિબ્રેશન કે ભક્તિ નથી, આ આપણો સામાજિક પાખંડ છે, જેને આપણે બુકે, ચોકલેટ્સ અને ચુંદડીના રેપરમાં પેક કરીને વેચીએ છીએ. એટલે જ, તમારી વાત માથે ચડાવીને, પણ મે મહિનાની કે નવરાત્રીની રાહ જોયા વિના, આજે આ ઘોંઘાટને મ્યુટ કરીને આપણા પ્રાચીન દર્શન, આધુનિક વિજ્ઞાન, એક સ્ત્રીની અંગત સફર અને રસ્તાઓની વરવી વાસ્તવિકતા વચ્ચેનો એક હાર્ડ-હિટિંગ સંબંધ તપાસવો છે.
જરા હોલમાર્ક (Hallmark) ના ગ્રીટિંગ કાર્ડ્સની દુનિયામાંથી બહાર આવીને આપણા એકદમ પ્રાચીન મૂળિયાં તરફ નજર કરો. આપણી સિરિયલોએ અને પિતૃસત્તાક સમાજે સ્ત્રીનું જે રસોડામાં ગોંધાયેલી, સતત બલિદાન આપતી કે આંસુ સારતી લાચાર મૂરત જેવું કન્વીનિયન્ટ મોડલ ઉભું કર્યું છે, એવો કોઈ જ કન્સેપ્ટ આપણા અસલી પ્રાચીન દર્શનમાં નથી.
પુરાણો કે સ્મૃતિઓ તો ઘણા પછી આવ્યા, માનવજાતના સૌથી જૂના ગ્રંથ ‘ઋગ્વેદ’ ના દસમા મંડળના ‘દેવી સૂક્ત’ (વાગંભૃણી સૂક્ત) માં સ્ત્રીત્વ કે માતૃશક્તિનો આ હૂંકાર જુઓ:
“अहमेव स्वयमिदं वदामि जुष्टं देवेभिरुत मानुषेभिः ।यं कामये तंतमुग्रं कृणोमि तं ब्रह्माणं तमृषिं तं सुमेधाम् ॥”(ઋગ્વેદ, દસમું મંડળ, દેવી સૂક્ત – ૧૦.૧૨૫.૫)
શ્લોકનું બેકગ્રાઉન્ડ (કોણે, કોને અને શા માટે?): આ શ્લોક પાછળનો ઇતિહાસ રૂંવાડા ઊભા કરી દે એવો છે. આ કોઈ દેવતાએ આપેલો ઉપદેશ નથી, કે કોઈ પુરુષે લખેલી કવિતા નથી. આ છે મહર્ષિ અંભૃણની દીકરી, ‘ઋષિકા વાક્’ (Rishika Vag Ambhrini) ની સિંહગર્જના! જ્યારે આ સ્ત્રીને ધ્યાનમાં અલ્ટીમેટ એન્લાઈટનમેન્ટ (પરમ જ્ઞાન) પ્રાપ્ત થયું, ત્યારે એને રિયલાઈઝ થયું કે પોતે માત્ર એક હાડ-માંસનું શરીર કે કોઈની દીકરી/પત્ની નથી, પણ આખા બ્રહ્માંડને ચલાવતી ‘કોસ્મિક એનર્જી’ (Cosmic Energy) એ પોતે જ છે!
અર્થ: આદ્યશક્તિ બનેલી એ સ્ત્રી ડંકાની ચોટ પર કહે છે કે, “હું સ્વયં એ જ્ઞાન આપું છું જે દેવો અને મનુષ્યો દ્વારા પૂજિત છે. હું જેને ચાહું છું, તેને શક્તિશાળી બનાવું છું, તેને પરમ જ્ઞાની, ઋષિ કે ખુદ સર્જનહાર ‘બ્રહ્મા’ બનાવું છું!”
વિચાર કરો રીડરબિરાદર! હજારો વર્ષો પહેલાં એક સ્ત્રી છાતી ઠોકીને આખી દુનિયા સામે ડિક્લેર કરે છે કે દેવતાઓ કે ખુદ દુનિયા બનાવનાર ‘બ્રહ્મા’ ને પણ તાકાત આપનારી શક્તિ હું જ છું! ઋગ્વેદના આ જ કોસ્મિક લોજિક (Cosmic logic) ને પછીથી મનુસ્મૃતિએ સામાજિક અને માનવીય ભાષામાં બહુ સચોટ રીતે ડીકોડ કર્યો. મનુસ્મૃતિના બીજા અધ્યાયમાં એક અદભૂત શ્લોક છે:
“उपाध्यायान् दशाचार्य आचार्याणां शतं पिता ।सहस्रं तु पितॄन् माता गौरवेणातिरिच्यते ॥”(મનુસ્મૃતિ – અધ્યાય ૨, શ્લોક ૧૪૫)
અર્થ અને સંદર્ભ: આ શ્લોક કહે છે કે, એક ‘માતા’ ગૌરવ અને પૂજનીયતામાં હજાર પિતાઓ કરતાં પણ ચઢિયાતી છે. અહીં ‘ગૌરવ’ શબ્દ બહુ વજનદાર છે. સંસ્કૃત ભાષામાં ‘ગૌરવ’ નો મૂળ અર્થ માત્ર આદર નથી થતો, પણ એનો અર્થ થાય છે – વજન, ભાર, કે નક્કરતા (Gravity). હવે આ જ ‘વજન’ અને ઋગ્વેદની ‘શક્તિ’ ની વાતને આઘ્યાત્મિક ગ્રંથોની દુનિયામાંથી બહાર કાઢીને મોડર્ન સાયન્સની લેબોરેટરીમાં મૂકો. હજારો વર્ષો પહેલાં ઋષિઓએ કોઈ માઈક્રોસ્કોપ વિના જ કહી દીધું હતું કે સર્જનમાં પિતા કરતાં માતાનું ‘વજન’ અનેકગણું વિશાળ છે. આજે મોલિક્યુલર બાયોલોજી એ જ વાતને ‘લિટરલ’ (શબ્દશઃ) સાબિત કરી રહ્યું છે!
બાયોલોજીકલી, સ્ત્રીનો ‘X’ ક્રોમોઝોમ અને પુરુષનો ‘Y’ ક્રોમોઝોમ સાઈઝ અને વજનમાં જમીન-આસમાનનો ફરક ધરાવે છે. મશીનોની ભાષા છોડીને સાવ પ્રકૃતિની ભાષામાં કહું તો, સ્ત્રી તરફથી મળતો વિશાળ ‘X’ ક્રોમોઝોમ એ જીવનના ‘વટવૃક્ષના મૂળિયાં અને થડ’ છે!
જન્મથી લઈને મૃત્યુ સુધી માણસને જીવતો રાખતી આખી ‘લાઇફ સર્વાઇવલ કિટ’ માતાના આ X-ક્રોમોઝોમમાંથી જ મળે છે. સાવ સાદી ભાષામાં કહું તો: તમારું મગજ કેટલી બુદ્ધિ દોડાવશે, તમારું શરીર બીમારીઓ સામે કેટલી તાકાતથી લડશે, વાગેલા ઘા કેવી રીતે રૂઝાશે અને તમારા શ્વાસ ચલાવતી ‘મેઈન સ્વીચ’ કેવી રીતે કામ કરશે… આ આખેઆખું અસ્તિત્વ ટકાવી રાખતું ‘વૃક્ષ’ માત્ર ને માત્ર માતાના X-ક્રોમોઝોમમાંથી જ આકાર લે છે!
આ ઘટાદાર વૃક્ષની સરખામણીમાં પિતા તરફથી આવતો Y ક્રોમોઝોમ માત્ર એક ‘ફૂલના રંગ’ જેવો છે! એ સાઈઝમાં ભલે નાનો હોય, પણ એનું કામ એકદમ સ્પેસિફિક છે: એ ‘પુરુષત્વ’ (Masculinity) નો પાયો નાખે છે. એટલે કે, એ માત્ર એટલું જ નક્કી કરે છે કે આ વૃક્ષ પર કયા રંગનું ફૂલ ખીલશે (Gender). પણ એ ફૂલને આખી જિંદગી ખીલેલું રાખવા માટે પાણી, પોષણ અને તાકાત ખેંચી લાવતા અસલી મૂળિયાં તો સ્ત્રી જ આપે છે!
અને પેલા ‘ફૂલના રંગ’ નક્કી કરતા ‘Y’ ક્રોમોઝોમની હાલત શું છે ખબર છે? ઓસ્ટ્રેલિયન ઇવોલ્યુશનરી જીનેટિસિસ્ટ પ્રોફેસર જેની ગ્રેવ્સ (Prof. Jenny Graves) ના ડેટા મુજબ, લાખો વર્ષોના ઇવોલ્યુશનમાં માનવ ‘Y’ ક્રોમોઝોમ સતત સંકોચાઈ રહ્યો છે. એણે પોતાના ૯૦% થી વધુ જીન્સ ગુમાવી દીધા છે અને માંડ ૭૦ જેટલા જીન્સ બચ્યા છે!
પ્રાચીન ઋષિઓનું ‘કાવ્ય’ અને આધુનિક વૈજ્ઞાનિકોનો ‘ડેટા’ બંને એક જ દિશામાં આંગળી ચીંધી રહ્યા છે – કે માતાના ‘મૂળિયાં’ વિના હ્યુમન રેસના વૃક્ષનું અસ્તિત્વ જ શૂન્ય છે!
વેદ-સ્મૃતિ અને વિજ્ઞાન તો ઠીક, જરા તમારા પોતાના ઘરમાં જુઓ. હાઉ યોર મોમ ઇઝ મેડ? કેવી રીતે ઘડાય છે એક મમ્મી?
તમારા નાના-નાનીના આંગણે એક દીકરીનો જન્મ થાય છે. એમની મરજી અને શિસ્તથી એ મોટી થાય છે. ભણતાં-ભણતાં પોતાની જાત માટે કંઈક બનવાના રંગીન સપના જુએ. પણ એ સપના મનમાંથી ઉતરીને રિયલ લાઈફમાં આકાર લે, એ પહેલાં જ ઢોલ-નગારા સાથે એના લગ્ન થઇ જાય!
હવે એ દીકરીનો એક સાવ નવી જ દુનિયામાં પ્રવેશ થાય છે – પિયર છોડીને સાસરીમાં. કદાચ શરૂઆતમાં નવા માહોલ કે સાસુ-સસરા સાથે મતભેદના લીધે તણાવ રહેતો હોય. પિયરમાં પણ બધા લોકો સાસુ-સસરા કે પતિના નિર્ણયને જ પ્રાધાન્ય આપતા હોય. એ દીકરીનો પોતાનો અવાજ, એની પોતાની પસંદગીઓ, ઘરકામ કે નોકરી-ધંધાની અવિરત દોડધામ વચ્ચે ક્યાંક દબાઈ જાય છે.
અને પછી… એક દિવસ તમે આવ્યા! તમારો જન્મ થયો.
તમે એના માટે માત્ર એક બાળક નહોતા, પણ એક સાવ નવી જ દુનિયા હતા. મોટા થતા થતા, તમારી દુનિયાના સેન્ટરમાં એ જ હતી. તમને દુનિયા વિશે જે પણ ઉત્સુકતા-ભર્યા સવાલો હોય, રમકડાંથી માંડીને તમારા કપડાં લેવાની પસંદગી હોય… તમારું બધું જ એના પર નિર્ભર હતું. તમારા આવ્યા પછી જ પેલી દબાયેલી દીકરીને અસલ જિંદગીનો અહેસાસ થયો! એને પહેલીવાર એવું ફીલ થયું કે હા, એ બોલે છે અને એને કોઈ સાંભળનારું છે. એના નિર્ણયોને વિના શરતે અમલમાં લાવનારું કોઈક છે. આખી જિંદગી બીજાના નિર્ણયો પર જીવનારી એ સ્ત્રીને પોતાના જ સંતાન થકી એની ખરી “ક્વીન-લાઇક” (Queen-like) મોમેન્ટ મળી.
એ સપનાઓ સાથે તમારા નાના-નાનીના ઘરે જન્મેલી દીકરી, એ તમારી મમ્મી છે. એના માટે તમે સર્વસ્વ છો, કારણ કે તમે જ એની દુનિયાના એ સૌથી મહત્વના વ્યક્તિ છો જેણે એને ‘ક્વીન’ હોવાનો અહેસાસ કરાવ્યો છે!
પણ… જરા બ્રેક મારો. ધર્મના મંદિરો અને પોતાના સંતાન માટેની એની અંગત ક્વીન-લાઇક દુનિયામાંથી બહાર આવીને આધુનિક સમાજના ડામરવાળા રસ્તા પર ઉતરો.
જે સ્ત્રી પોતાના ઘર માટે સર્વસ્વ છે, જેને ફિલોસોફિકલી આપણે હજાર પિતા બરાબર માનીએ છીએ, જે દુનિયામાં બાયોલોજિકલી આપણે X ક્રોમોઝોમ વિના એક શ્વાસ પણ નથી લઇ શકતા… એ જ દુનિયામાં, એ જ સોસાયટીમાં સ્ત્રીઓની અસલી હાલત શું છે?
એક તરફ વર્ષમાં અમુક દિવસો નવરાત્રીમાં ‘દેવી-દેવી’ ના નારા લાગે છે, ગર્ભ અને મમતાની પૂજાના નાટકો ભજવાય છે, અને બીજી તરફ બાકીના દિવસોમાં રસ્તા પર નીકળતી છોકરીઓએ રોમિયોની બિભત્સ કોમેન્ટ્સ અને સ્ટ્રીટ હેરેસમેન્ટનો સામનો કરવો પડે છે. ડિજિટલ કોમેન્ટ સેક્શનમાં જરા આંટો મારી આવો; કોઈ પણ સ્વતંત્ર વિચાર ધરાવતી, કે પોતાની મરજીના કપડા પહેરતી સ્ત્રી પર ગાળો અને ટ્રોલિંગનો જે કીચડ ઉછાળવામાં આવે છે, તે આપણી માનસિક બીમારીનો જીવતો જાગતો પુરાવો છે.
આપણને સ્ત્રીને યા તો ‘દેવી’ બનાવીને મંદિરમાં પૂરી દેવી છે, યા તો ‘ઓબ્જેક્ટ’ બનાવીને એને પીંખી નાખવી છે. એને એક સામાન્ય ‘માણસ’ તરીકે સ્વીકારવાની, એના પોતાના શોખ અને ભૂલો સાથે સ્વીકારવાની આપણી ઓકાત જ નથી! આપણે એવા ઢોંગી સમાજમાં જીવીએ છીએ જે નવરાત્રીમાં સ્ત્રીને વંદન કરે છે, પણ રસ્તા પર ચાલતી સ્ત્રીના કપડાં માપે છે.
તો મિત્રો, મે મહિનાની કોઈ ફિક્સ તારીખે વોલ પર હાર્ટ ઈમોજી મૂકીને બ્યુટીપાર્લરનું વાઉચર ગિફ્ટ કરી દેવાથી આપણી ફરજ પૂરી નથી થતી. સાચું સેલિબ્રેશન એ છે કે આપણે આપણી બાયોલોજિકલ રિયાલિટી અને એન્શિયન્ટ ફિલોસોફી સાથે આપણા આજના સામાજિક વર્તનને અલાઈન કરીએ. ‘મા’ કે ‘સ્ત્રી’નું ખરું સન્માન એના ગ્લેમરાઈઝ્ડ બલિદાનોની કવિતાઓ લખવામાં નહિ, પણ એની સ્પેસ, એની ચોઈસ અને એના મૂળભૂત માનવીય અધિકારોની રિસ્પેક્ટ કરવામાં છે.
શબ્દોત્સવ
“દીકરીને, સ્ત્રીને લક્ષ્મી કહીને, પગે લાગીને… ‘દેવી’ બનાવી દેવી એ બહુ સહેલો અને સસ્તો શોર્ટકટ છે. અઘરું એ છે કે એને તમારી બરાબરીની ‘માણસ’ ગણીને, એના નિર્ણયો અને એની સ્વતંત્રતાનો સ્વીકાર કરવો. માર્કેટિંગના ગુલાબ કરમાઈ જશે, પણ તમારી આપેલી ઇજ્જત આજીવન મહેકશે.”
Scientific Research References :
- Ross, M. T., et al. (2005). ‘The DNA sequence of the human X chromosome’. Nature, 434(7031), 325-337.
- Aitken, R. J., & Marshall Graves, J. A. (2002). ‘The future of sex’. Nature, 415(6875), 963-963.
- Disteche, C. M. (2012). ‘Dosage compensation of the sex chromosomes’. Annual Review of Genetics, 46, 537-560.
- Libert, C., Dejager, L., & Pinheiro, I. (2010). ‘The X chromosome in immune functions: when a chromosome makes the difference’. Nature Reviews Immunology, 10(8), 594-604.