વાત છે ૧૯૯૬ની…
દુનિયાના સૌથી નાના દેશમાંના એક, તુવાલુએ પોતાનું ડોમેઈન નામ રજીસ્ટર કરાવ્યું , .tv (ડોટ ટીવી)! જે રીતે ભારતનું .in(ડોટ ઈન), પાકિસ્તાનનું .pk(ડોટ પીકે) છે તે રીતે તુવાલુનું .tv !
તુવાલુ વિષે.
તુવાલુ દેશ, ઓસ્ટ્રેલિયા અને હવાઈના ટાપુઓ વચ્ચે આવેલો પોલિનેશિયન ટાપુ છે. તેનું ક્ષેત્રફળ માત્ર 26 સ્કેવર કિલોમીટર છે. ( તમારી જાણકારી માટે જણાવીએ તો, આપણા ગાંધીનગરનું ક્ષેત્રફળ 177 સ્કવેર કિલોમીટર છે. ) કુલવસ્તી, અંદાજિત 11500 ! (2019 પ્રમાણે)
સોદો !
1999માં, સગવડોના અભાવે તુવાલુની સરકારે ડોટ ટીવીના અધિકાર અમેરિકાની આઈડિયાલેબ કંપનીને 12 વર્ષ માટે આપ્યા. જેના બદલામાં કરારની કુલ 50મિલિયન ડોલરની રકમમાંથી તુવાલુને 1 મિલિયન ડોલર શરૂઆતમાં જ મળી ગયા.
આ રકમમાંથી એક લાખ ડોલરની જરૂરી રકમ સંયુક્ત રાષ્ટ્ર સંઘને (United Nations) ચૂકવીને માત્ર દસેક હજારની વસ્તી ધરાવતો નાનકડો દેશ સંઘનો સભ્ય દેશ બન્યો.
…ને અર્થતંત્ર પલટાઈ ગયું.
યુનાઇટેડ નેશન્સનો સભ્યદેશ બનતા જ, દેશનું અર્થતંત્ર પલટાઈ ગયું. સરકારે આવકમાંથી શિક્ષણ ક્ષેત્રે મોટા સુધારા કર્યા. ઉપરાંત, દેશમાં તથા તેની આજુબાજુ આવેલા નાના ટાપુઓ પર પણ વીજળી પુરી પાડી.
2001માં વેરિસાઇન નામની અમેરિકન કંપનીએ તુવાલુ સરકાર સમક્ષ ડોટ ટીવીના અધિકારો ખરીદવા અંગે પ્રસ્તાવ મુક્યો. પ્રસ્તાવમાં કરારની રકમ ઉપરાંત, ડોટ ટીવીથી જે આવક થાય તેમાં પણ ભાગ આપવાની પણ વાત કરી.
ઘરે આવેલી લક્ષ્મીને સ્વીકારતા, તુવાલુની સરકારે ડોટ ટીવીના તમામ અધિકારો વેરિસાઇનને આપ્યા. આજે પણ ડોટટીવીનું સંચાલન વેરિસાઇન જ કરે છે.
આજે લોકો ટીવી કરતા ઇન્ટરનેટ પર કાર્યક્રમ જોવાનું વધારે પસંદ કરે છે. જેના પરિણામે, ટેલિવિઝન ચેનલની કંપનીઓ, મીડિયાહાઉસ વગેરે હવે ઇન્ટરનેટ તરફ પણ પોતાના પગ જમાવી રહી છે. જે ડોટ ટીવી અને તુવાલુ દેશ માટે સારા સંકેત છે.