વાત છે પંદરમી સદીની. ત્યારે રાજા પેથાસિંહનું શેરથા અને આજુબાજુના વિસ્તારોમાં રાજ હતું. જયારે પેથાસિંહનું અવસાન થયું, ત્યારે પેથાસિંહના ભાણેજ હિમળોજી વાઘેલાએ પોતાના મામાની યાદમાં પેથાપુર વસાવ્યું.
રાજપૂત રાજાઓ અને સુલતાન અહમદશાહ વચ્ચે સતત સંઘર્ષના કારણે આ વિસ્તાર યુદ્ધભૂમિ બની ગયો હતો.
અગાઉ અહેમદશાહને થયું કે…યુદ્ધભૂમિ નજીક કોઈ નવું શહેર ઉભું કરી, તેને રાજધાની બનાવવી જોઈએ.
અહમદશાહે પોતાની રાજધાની પાટણથી બદલીને અહમદ-આબાદ(અમદાવાદ), જુના કર્ણાવતીનગર પાસે સાબરમતી નદીના કિનારે વિકસાવી.
ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં થયેલા મહાગુજરાત આંદોલનના પરિણામે, 1 મે 1960ના દિવસે, બૉમ્બે સ્ટેટમાંથી બે રાજ્યો કરાયા. ગુજરાત અને મહારાષ્ટ્ર. તે જ વખતે, વિકસિત અમદાવાદને નવા રાજ્યનું નવું કાર્યકારી પાટનગર બનાવાયું.
અમદાવાદને પહેલેથી લોકો, ગુજરાતનું નાણાકીય પાટનગર કહેતા.
સરકારના આયોજનના ભાગરૂપે ગાંધીનગરનું પ્લાનિંગ શરુ થયું. સીટી પ્લાનિંગનું કામ, એ સમયના પ્રખ્યાત આર્કિટેક એચ.કે. મેવાડા અને પ્રકાશ આપ્તેને અપાયું. ગાંધીનગરનો પહેલો પાયો, GEB પાવર સ્ટેશન કોલોનીનો 2 ઓગષ્ટ, 1965ના રોજ નંખાયો.
એચકે મેવાડા અને પ્રકાશ આપ્તેએ અગાઉ પણ, ચંદીગઢનું ફ્રેન્ચ આર્કિટેક લા કોર્બુઝીયરના માર્ગદર્શન હેઠળ સફળ પ્લાનિંગ કરેલું.
સરકારી ઓફિસો તો લોકોની વચ્ચે જ હોવા જોઇયે, પાવર સ્ટેશન શહેરના છેડે જ હોય; આવી નાની-મોટી બાબતોને ધ્યાનમાં રાખીને ગાંધીનગરનું પણ તેમણે અફલાતૂન પ્લાનિંગ કર્યું.
અને 30 જુલાઇ, 1970ના રોજ ગાંધીનગરને ગુજરાત રાજ્યનું પાટનગર જાહેર કરવામાં આવ્યું.
વિચારોત્સવ !
અમુક ગાંધીનગરથી ઓછા પરિચિત લોકો…એવી ફરિયાદ કરતા હોય છે કે, તેમને ગાંધીનગરના રસ્તા યાદ નથી રહેતા. તો શું તેમને, કક્કો નહી આવડતો હોય ? એકડો-બગડો નહી આવડતો હોય ?