આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ—પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ. પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય કે ગુજરાતના કેટલા જાનકુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય તેવું જાણ્યું નથી. કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ જેવી પ્રવૃત્તિ કરતા નહિ. તેથી કાયદાને માનનારા અંગ્રેજો બહુ બહુ તો તેમને જેલમાં પૂરી દેતા, કાયદેસર કેસ ચાલતો અને સજા થતી. કેટલીક વાર તો સજા માફ પણ થતી. ખરાં બલિદાનો તો ક્રાન્તિકારી યોદ્ધાઓએ આપ્યાં હતાં. કારણ કે તે અહિંસાવાદી ન હતા. તેમ છતાં પણ જે લોકો અંગ્રેજી સત્તાનો વિરોધ કરવા સભા-સરઘસ કાઢતા અને પોલીસની ગોળીએ વીંધાઈ જતા તેમાંથી થોડાક નમૂના સંક્ષિપ્તમાં અહીં આપ્યા છે. આ બધા ગુજરાતી શહીદો છે. વંદનીય છે. તેમણે રાષ્ટ્રની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. આવો તેમને પણ યાદ કરીએ.
ગરબડદાસ પટેલ
હું જ્યારે આંદામાનની યાત્રાએ ગયો હતો ત્યારે બદનામ સેલ્યુલર જેલની પણ મુલાકાત લીધી હતી. જેલમાં એક મોટું અને લાંબું લિસ્ટ ત્યાં રાખેલા કેદીઓનું મૂકવામાં આવેલું છે. મેં વારંવાર અનેક વાર એ લિસ્ટ વાંચ્યું. મારી આંખો કોઈ ગુજરાતી કેદીને શોધતી હતી. અધધધધ… આટલા બધા પંજાબી-બંગાળી-મહારાષ્ટ્રિયન કેદીઓ છે. પણ ગુજરાતનો એક પણ નથી. ભારે દુ:ખ અને નિરાશા થવા લાગી હતી. ત્યાં સાથેના પ્રવાસીએ પૂછ્યું કે તમે વારંવાર લિસ્ટ કેમ વાંચો છો? મેં કહ્યું કે હું કોઈ ગુજરાતીને શોધું છું પણ એકે મળતો નથી. પેલા ભાઈએ તપાક દઈને કહ્યું કે “લ્યો આ રહ્યો ગુજરાતી.” મેં નામ વાંચ્યું—“ગરબડદાસ પટેલ”. મારો ચહેરો ગૌરવથી ખીલી ઊઠ્યો. કોણ હતો એ ગરબડદાસ?
ગુજરાતનું આણંદ નગર. તેનું નાનું અડધું ફળિયું. ગરબડ મુખી ત્યાંના વતની. ત્યારે બ્રિટિશ સેનાએ ખાનપુર પહોંચીને ચળવળ કરનારા લોકો ઉપર અત્યાચાર કરેલો અને જીવાભાઈ ઠાકોરને ગામવચ્ચે ફાંસીએ લટકાવી દીધેલા. ખાનપુરમાં સોપો પાડીને સેના લોટિયા ભાગોળે—આણંદ આવી. અહીં તેણે કાયમી છાવણી નાખી દીધી.
આઝાદીના દીવાનાઓએ આ છાવણી ઉપર ગરબડદાસની આગેવાની નીચે હુમલો કર્યો. સૈનિકો બધા મોજશોખમાં મશગૂલ હતા. ગરબડદાસની સાથે હતા મૂળજી જોશી, બાપુજી પટેલ અને કૃષ્ણારામ દવે. હુમલો કરીને બધું ખેદાનમેદાન કરીને ઘોડાની પૂંછડીઓ કાપીને બધા વિદ્રોહીઓ ભાગી ગયા. પોલીસ અંધારામાં ગોળીબાર કરતી રહી ગઈ.
ગરબડદાસને અણોજ ગામ જવાનું હતું. ત્યાં આજે તેનાં લગ્ન થવાનાં હતાં. માંડવામાં બધી તૈયારી થઈ ચૂકી હતી. ગરબડદાસ સમયસર પહોંચી ગયો અને લગ્ન થઈ ગયાં. પણ કોઈ ગદ્દાર સાથીદાર ફૂટી ગયો હતો. તેણે પોલીસને બાતમી આપી દીધી. પોલીસ પહોંચી ગઈ અને મીંઢળબંધા વરરાજા ગરબડદાસને પકડીને લઈ ગઈ. કન્યા બિચારી જોતી જ રહી ગઈ. બધા દિગ્મૂઢ થઈ ગયા. કેસ ચાલ્યો અને તેને કાળાપાણીની અર્થાત્ આંદામાનની જેલ થઈ. હાથેપગે બેડીઓ બાંધીને તેને સીધો આંદામાન મોકલી દેવાયો.
તેની પત્નીનું નામ લાલબા. ચોરીમાંથી જ મીંઢળબંધા પતિને ઉપાડી જનાર સરકાર સામે તે વીફરી, પણ કરે શું? પાછી તે અભણ. પણ તે હારી નહિ. તેણે મુંબઈની વાટ પકડી. અથડાતી-કૂટાતી તે જેમતેમ મુંબઈ પહોંચી અને મુંબઈમાં અંગ્રેજ ગવર્નરનો બંગલો શોધી કાઢ્યો. ત્યાં પહોંચી. કોઈ તેને અંદર ન જવા દે. પણ તે હારી નહિ, અંતે ગવર્નરની નજર તેના ઉપર પડી. તેણે તેને બોલાવી. દુભાષિયાના માધ્યમથી બધી વાત સાંભળી. ગવર્નરને નવાઈ લાગી, આ સ્ત્રી છેક આણંદથી અહીં આવી કેવી રીતે? પતિપ્રેમ શું નથી કરાવતો? હજારો અડચણો અને મુસીબતો તુચ્છ થઈ જાય છે. જો પૂરા પ્રેમનું જબરદસ્ત દબાણ હોય તો.
ગવર્નરે તેને આશ્વાસન આપ્યું અને બનતી મદદ કરવાનું વચન આપ્યું. લાલબા પાછી વળી. આણંદના લોકોએ તેના સાહસને વધાવી લીધું. ગવર્નરે પત્રવ્યવહાર કર્યો, પણ ગભરુ ગરબડદાસ આંદામાનની જેલની કઠોરતાને સહન ન કરી શક્યો. 1860માં 23 વર્ષની વયે તેણે જેલમાં જ પ્રાણ ત્યાગી દીધા. 1857ના બળવાને હજી ત્રણ જ વર્ષ થયાં હતાં. આ પહેલો અને કદાચ છેલ્લો ગુજરાતી હતો, જેણે આંદામાનની જેલમાં જ શહીદી વહોરી લીધી હતી. મને લાગે છે કે ગરબડ મુખીની સાથે લાલબાને પણ આપણે યાદ કરવાં જોઈએ.
શંકરભાઈ ધોબી
ગુજરાતના ખેડા નગરના ડાહ્યાભાઈ ધોબીનો પુત્ર હતો. 14 વર્ષની ઉંમરમાં હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં તે 1942ના આઝાદીના આંદોલનમાં કૂદી પડ્યો હતો. અંગ્રેજ સરકાર વિરોધી સરઘસમાં રાષ્ટ્રિય ઝંડો તેણે લીધો હતો. તે સૌની આગળ આગળ વંદે માતરમ્નો નારો લગાવતો ચાલતો હતો. પોલીસે ગોળીબાર કર્યો અને શંકર ઢળી પડ્યો. તેણે માતૃભૂમિ ઉપર પ્રાણ ન્યોછાવર કરી દીધા. ખબર નહિ ખેડાવાળા ભાઈઓને શંકર યાદ છે કે નહિ?
રસિકલાલ જાની
અમદાવાદમાં 1926માં જન્મેલો રસિકલાલ જાની હાઈસ્કૂલનું અધ્યયન પૂરું કરીને કૉલેજમાં દાખલ થયો. તે બહુ પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. આ તરવરિયો યુવાન સૌને ગમતો હતો.
1942માં જ્યારે રાષ્ટ્રિય આંદોલન છેડાઈ ગયું ત્યારે તેણે પોતાના વિદ્યાર્થીઓનું એક મોટું સરઘસ અંગ્રેજી સરકારના વિરોધમાં કાઢ્યું. સરઘસ વધતું જ ગયું. “વન્દેમાતરમ્”ના નારા ગુંજવતું જતું હતું ત્યાં પોલીસ સાથે રકઝક થઈ ગઈ. પોલીસે ગોળી ચલાવી દીધી અને સૌથી પહેલાં રસિકલાલ જાની શહીદ થઈ ગયો. તેના પિતાનું નામ ઠાકોરલાલ હતું.
ભવાનભાઈ પટેલ
ભવાનભાઈ ઉર્ફે છોટાભાઈના પિતાનું નામ હાથીભાઈ હતું. તેઓ નડિયાદના વતની હતા. 15-8-1942ના રોજ અંગ્રેજી સત્તા વિરોધી જે આંદોલન ચાલ્યું તેમાં ભવાનભાઈએ ભાગ લીધો. સરઘસ ધસમસતું નારા લગાવતું જઈ રહ્યું હતું. પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ ન અટક્યું. અંતે ગોળીબાર થયો. પોલીસની ગોળીથી ભવાનભાઈ શહીદ થઈ ગયા.
બચુભાઈ નાયક
બચુભાઈ નાયક અનાવિલ બ્રાહ્મણ હતા. “ભારત છોડો” આંદોલનમાં તેમણે પૂરેપૂરો ભાગ લીધો. તેઓને પકડીને જેલમાં પૂરી દેવાયા. જેલના અત્યાચારોથી અને ગંભીર બીમારીથી તા. 23-1-1942ના રોજ જેલમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું.
રમણલાલ મોદી
રમણલાલ મોદીએ સુરતના “ભારત છોડો” આંદોલનમાં ભાગ લીધો. તેમણે ઘણી તોડફોડ પણ કરી. તેમને ગિરફતાર કરી લેવામાં આવ્યા. જેલમાં જ તેઓ શહીદ થઈ ગયા.
ધીરજલાલ મણિશંકર
ધીરજલાલ ખેડાના બ્રાહ્મણ હતા. “ભારત છોડો” આંદોલનમાં તેમણે ખૂબ સક્રિય ભાગ લીધો હતો. સરઘસમાં જ્યારે તેઓ રાષ્ટ્રિય ધ્વજ લહેરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસની ગોળીથી શહીદ થઈ ગયા. ખબર નહિ ખેડાવાળાને ખબર છે કે નહિ?
નરહરિભાઈ રાવલ
નરહરિભાઈનો જન્મ 1914માં અમદાવાદમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 30-10-1942ના રોજ “ભારત છોડો” આંદોલનમાં આ યુવાન કૂદી પડ્યો હતો, પોલીસે તેમને ગિરફતાર કરીને જેલમાં બંધ કરી દીધા. અત્યાચારથી જેલમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. તેમના પાર્થિવ શરીરને લેવા માટે અમદાવાદના લોકો જેલના દરવાજે ઊમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં “વન્દેમાતરમ્”ના નારા સાથે તેમની સ્મશાનયાત્રા અમદાવાદની સડકો ઉપર ફરેલી. તેમના પિતાશ્રીનું નામ માણેકલાલ રાવલ હતું. શહીદને વંદન.
કુમારી જયવતી સંઘવી
કુ. જયવતી સંઘવીનો જન્મ 1924માં અમદાવાદમાં વણિક પરિવારમાં થયો હતો. ત્યારે દેશ રાષ્ટ્રની આઝાદીના ગરમાવામાં ગરમ થઈ ગયો હતો. તા. 5-4-1943ના રોજ “ભારત છોડો” આંદોલનમાં જયવતીએ મહત્ત્વનો ભાગ લીધો હતો. સૌથી આગળ ચાલનારી 19 વર્ષની આ યુવતીએ પોલીસનો ગેસનો શેલ પોતાની છાતી ઉપર ઝીલી લીધો અને તે સરઘસમાં જ શહીદ થઈ ગઈ. ધન્ય છે જયવતીને.
ગુણવંત શાહ
ગુણવંત શાહનો જન્મ અમદાવાદમાં સન 1924માં વણિક પરિવારમાં થયો હતો.
બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં જે એક ભારે સરઘસ તા. 9-12-1942ના રોજ નીકળ્યું હતું તે આખા શહેરમાં ફરીને કલેક્ટરની ઑફિસે જવાનું હતું. રસ્તામાં પોલીસના રોકવા છતાં સરઘસ ન અટક્યું, પોલીસે ગોળી ચલાવી અને ગુણવંત માણેકલાલ શાહ શહીદ થઈ ગયા.
ગોરધનદાસ રામી
ગોરધનદાસ છગનલાલ રામીનો જન્મ અમદાવાદ પાસેના બાવળા ગામમાં થયો હતો. તે પણ બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં ચાલતા સરઘસમાં જોડાયા હતા. અને પોલીસના ગોળીબારમાં શહીદ થયા હતા.
પુષ્પવદન મહેતા
આવી જ રીતે પુષ્પવદન ટીકારામ મહેતા પણ આ જ સરઘસમાં પોલીસના ગોળીબારથી શહીદ થઈ ગયા હતા.
વસંતલાલ રાવલ
વસંતલાલ મોહનલાલ રાવલ પણ આ જ સરઘસમાં પોલીસની ગોળીથી શહીદ થઈ ગયા હતા. તે કૉલેજના વિદ્યાર્થી હતા અને તેમના પિતાનું નામ મોહનલાલ હતું. અમદાવાદના વતની હતા.
છિબાભાઈ પટેલ
છિબાભાઈ સુરત જિલ્લાના પિંજારત ગામના વતની હતા. બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં ચાલતા આંદોલનમાં તે જેલમાં ગયા અને જેલમાં ઘણા અત્યાચારો થવાથી જેલમાં જ શહીદ થઈ ગયા.
છોટાભાઈ
ડાકોરના વતની છોટાભાઈ એક સરઘસનું નેતૃત્વ કરતા હતા. સરઘસ ક્રુદ્ધ થઈ ગયું. તે પોલીસ ઉપર તૂટી પડ્યું. પોલીસનાં હથિયાર છીનવી લીધાં. અને પોલીસને માર મારવા લાગ્યું. અફરાતફરી થઈ ગઈ. છોટાભાઈ વચ્ચે પડ્યા. જેમતેમ કરીને લોકોને સમજાવ્યા. પોલીસનાં હથિયારો પાછાં આપ્યાં. જેથી શાંતિ થઈ. એવામાં તો પોલીસની નવી કુમક પહોંચી ગઈ. પોલીસે સર્વપ્રથમ છોટાભાઈ ઉપર જ ગોળી છોડી અને છોટાભાઈ શહીદ થઈ ગયા.
નાનાલાલ શાહ
અમદાવાદ જિલ્લાના રામપુરનો આ નાનો વિદ્યાર્થી ધસમસતા સરઘસની મોખરે રાષ્ટ્રિય ધ્વજ લઈને પોલીસથાણા ઉપર લહેરાવવા જઈ રહ્યો હતો. પોલીસે ગોળી ચલાવી પણ નાનાલાલ ચૂપચાપ છુપાઈને પોલીસથાણા ઉપર પહોંચી ગયો. તે થાણા ઉપર ચઢીને ધ્વજ ફરકાવતો જ હતો ત્યાં પોલીસની ગોળીએ તેને વીંધી નાખ્યો. ફૂલ જેવો નાનાલાલ ઢળી પડ્યો. ત્યાં તો બીજા વિદ્યાર્થીઓ પહોંચી ગયા. ધ્વજ લઈને થાણા ઉપર ફરકાવી દીધો. નાનાલાલે આંખ ઉઘાડીને ફરકતો ધ્વજ જોયો તે હસ્યો અને આંખ મીંચી દીધી. હા, કાયમ માટે.
– શ્રી સ્વામી સ્વચ્ચિદાનંદની કલમે