માફ કરો ને માંડી વાળો : રુસ્તમ ફિલમની સત્ય ઘટના !

વ્હાલાં વાંચકમિત્રો, દિવાળી અને નવા વર્ષનાં મોડેથી શુભેચ્છાઓ અને અભિનંદન ! ઘણાં બધાં દિવસ પછી અમે હવે ફરીથી એક્ટિવ થયાં છીએ. જરૂરી કામનાં લીધે હું અટવાયો હતો. હવે ફરીથી ગુજ્જુગિકનાં ટ્રેક પર નવાં વિચારો સાથે ફરીથી ચઢી ગયો છું.  આજે વાત કરીયે, 12 ઓગષ્ટનાં રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘રુસ્તમ’ની સત્ય ઘટના, એટલે કે કે.એમ.નાણાવટીની ઘટના !

નવાઈ લાગે, પણ વાત સાચી છે ! ઇતિહાસમાં એવા કોઈને કોઈ કેસ કોર્ટરૂમમાં આવે જ છે જેનાં કારણે કાયદાનાં ચોપડાંમાંથી જૂનાં પાનાં ફાડી નાખવા પડે છે , અથવા તો કોરાં પાનાં પર નવા કાયદાનું મથાળું લખવું પડે છે. એવમાંનો જ એક કેસ, ‘કે.એમ.નાણાવટી બનામ મહારાષ્ટ્ર રાજ્ય’ . કાવસ માણેકશા નાણાવટી, તેમની પત્ની સિલ્વીયા નાણાવટી અને તેમનાં મિત્ર પ્રેમ ભગવાનદાસ આહુજાને કેન્દ્રમાં રાખી થેયેલી એક સત્ય ઘટના, અને તેનો ચુકાદો ! ચુકાદો તો ખરો જ , તેની સાથે સાથે ભારતનાં કાયદાનાં ચોપડાંમાંથી ‘જ્યુરી સિસ્ટમ’નાં પાનાં હંમેશા માટે ફાડીને ફેંકી દેવાયા.

વાત છે, 1950નાં દાયકાની…

આજનું મુંબઈ, એ વખતેનું બૉમ્બે ! કમાન્ડર કાવસ માણેકશા નાણાવટી નૌકાદળનો મોભાદાર અને પત્નીને વફાદાર ઓફિસર હતા.  નાણાવટીની સાથે પ્રેમ ભગવાનદાસ આહુજાને દોસ્તી હતી. નૌકાદળના ઓફિસર તરીકે સાહસિક પારસી યુવાનને યુરોપમાં ઘણા બંદરો કે નૌકાદળમાં જવાનું થતું. તેને અંગ્રેજી પત્ની સિલ્વીયા થકી બે પુત્રો અને એક પુત્રી થયા. નાણાવટીને નૌકાદળના કર્મચારી તરીકે લાંબા ગાળાની ડ્યૂટી વિવિધ બંદરે અને દેશમાં કરવી પડતી.

પ્રેમ આહુજાનો મોટરકારનો સ્ટોર હતો. આહુજા દેખાવડો સિંધી યુવાન હતો. તેના મોટરકારના બિઝનેસ સિવાય તેનો બીજો ‘બિઝનેસ’ સ્ત્રીઓને પ્રેમમાં પાડવાનો ગણાતો હતો. તે ‘બિઝનેસ’માં કમાન્ડર નાણાવટીની પત્ની સિલ્વિયા પણ એક દેખાવડી ‘ગ્રાહક’ બની, પોતાનો દેહ પ્રેમ આહુજાને અર્પણ કરીને પ્રેમના જથ્થાબંધ ‘દુકાનદાર’ને સામે ચાલીને સિલ્વિયા પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી. ધીમે ધીમે બંનેનાં સબંધોએ વેગ પકડ્યો. 

1 નવેમ્બર (લગભગ 1958)ના રોજ નાણાવટી જ્યારે મુંબઈમાં હતાં  અને તેના ફ્લેટમાં પાછા ફર્યા ત્યારે તેમની  પ્રેમિકા અને પત્ની સિલ્વીયા મૂડમાં નહોતી. જાણે ખોવાયેલી-ખોવાયેલી દેખાતી હતી. એટલે કમાન્ડર નાણાવટીએ પૂછ્યુ કે ‘શું બાબત છે? ત્યારે સિલ્વીયાએ એક અંગ્રેજ હોવા છતા ભારતીય નારીની ઢબે કબુલ્યું કે ‘મારે પ્રેમ આહુજા સાથે આડો સંબંધ છે. અને વાત મારા આત્માને ખોતરી ખાય છે તેથી કબુલ કરી લેવા માગું છું કે મારે પ્રેમ આહુજા સાથે આડો અને શરીર સંબંધ હતા.’ તે પછી આખું કુટુંબ મેટ્રો થિયેટરમાં ફિલ્મ જોવા ઉપડ્યું અને સિલ્વીયા તેમ ત્રણ સંતાનોને ઉતારીને કમાન્ડર નાણાવટી થિયેટર છોડીને નૌકાદળની વડી ઓફિસે ગયો. ઓફિસે જઈને તેણે સ્ટોરમાંથી પિસ્તોલ અને કારતુસ લીધા. તે સીધો પ્રેમ આહુજાના ફ્લેટ ભણી ઉપડ્યો. ત્યાં બન્ને મિત્રો સામસામા આવી ગયા. નાણાવટીએ તેના મિત્રને પૂછ્યું ‘તું સિલ્વીયાને પ્રેમ કરે છે? ભલે. પણ તું સિલ્વીયાને પરણવા માગે છે? અને અમારા ત્રણ સંતાનોને તું પાળવા ઈચ્છે છે?’ આહુજાએ સ્પષ્ટ ના પાડી અને ધૃષ્ટતા સાથે રીપીટ કરી કે- ‘હું જે જે સ્ત્રીની સાથે લફરુ કરું તેની સાથે પરણું તો કેટલીને પરણવી પડે કોઈ પાર આવે.’ આવા ઉદ્ધત જવાબથી ઉશ્કેરાઈને કમાન્ડર નાણાવટીએ તેની પિસ્તોલમાંથી ત્રણ ધડાકા ર્ક્યા અને પ્રેમ આહુજા ત્રણ ગોળીથી લોહીના ખાબોચીયામાં પડીને મરી ગયો. પછી નાણાવટીએ પોલીસ ઓફિસર સમક્ષ ઘટના કબુલ કરી.

કોર્ટરૂમમાં આ કેસની ફાઈલો પહોંચી. નાણાવટીએ કબૂલ કરતાં કહ્યું કે,”મેં મર્ડર તો કર્યું છે,પણ હું દોષી નથી.” પ્રેમ આહુજા તરફથી રામ જેઠમલાણી કેસ લડવા ઉભા રહ્યા, જયારે નાણાવટી તરફથી કાર્લ ખંડાવલા રહ્યા. કોર્ટમાં કેસ લાંબો ચાલ્યો અને મુંબઈ શહેરમાં અખબારોમાં પ્રખ્યાત થઈ ગયો. અખબારોમાં વારંવાર એક વાત છપાઈ કે કમાન્ડર નાણાવટી નૈતિકતાનો આગ્રહી ઓફિસર હતો. દેશદાઝ વાળો કમાન્ડર હતો કોર્ટમાં જ્યુરીએ નાણાવટીને ‘નિર્દોષ’ જાહેર કર્યો બચાવ થયો કે નાણાવટીએ તે અતિરોષવાળી ક્ષણમાં પત્ની સાથે જારકર્મ કરનાર મિત્રને માર્યા હતો. પણ પછી મુંબઈ હાઈકોર્ટ અને બીજી કોર્ટોમાં કે લાંબો ચાલ્યો અને ચર્ચાયો. કોર્ટમાં જ્યુરી દ્વારા નિર્ણય લેવાનો હતો. કોર્ટમાં આ કેસનાં બે પડખા હતાં ! એક, કે આ અગાઉથી વિચારીને કરાયેલી હત્યા છે અને બીજું પડખું, કે, “આ અચાનક થઇ ગયેલી હત્યા છે.” 

ટૂંકમાં, કાર્લ ખંડાવલાએ એમ સાબિત કરવાનું હતું કે, આ એક “અચાનક થયેલી હત્યા છે” અથવા જેઠમલાણીએ એમ સાબિત કરવાનું હતું કે આ “આગાઉથી વિચારીને કરેલી હત્યા છે.”

કોર્ટરૂમની અંદર અને બહારનું વાતાવરણ ! 

આ કેસ દરમિયાન, કોર્ટની બહારનું વાતાવરણ, મીડિયાનાં એકતરફી સ્ટેટમેન્ટ અને નાણાવટીને મળેલો પબ્લિક સપોર્ટ, આ ત્રણ બાબતોએ તો નાણાવટીને પહેલેથી જ નિર્દોષ જાહેર કરી દીધાં હતાં. મુંબઈની સેશન્સ કોર્ટ સામે મુંબઈ અને બીજાં શહેરોના વાચકોને નાણાવટીએ તેની પત્ની સિલ્વિયાને પ્રેમ કરનારા પ્રેમ આહુજાનું ખૂન ર્ક્યું તે પ્રસંગ જાણવો હતો, તે બહારગામથી મુંબઈ આવ્યા હતા. મુંબઈ સેશન્સ કોર્ટમાં કેસ સાંભળવા ઘણા મુંબઈના લોકોએ ઓફિસમાંથી રજા લીધી હતી. કમાન્ડર નાણાવટીને સૌ જોવા માગતા હતા. ઓફિસના પટાવાળા, વોચમેન, સારાં ઘરની સ્ત્રીઓ વગેરે કોર્ટ બહાર ભેગા થયા હતા. પોલીસની વાન આવી. તેમાથી ખૂનનો આરોપી કમાન્ડર નાણાવટી ઊતર્યો. ઘણી સ્ત્રીઓ જેને નાણાવટી પ્રત્યે સહાનુભૂતિ હતી તેઓ ‘નાણાવટી, નાણાવટી’ના પોકાર કરવા માંડી હતી. નાણાવટી તેના મેડલવાળા નૌકાદળના યુનિફોર્મ સાથે આવ્યો હતો. આખી કોર્ટ ભરાઈ ગઈ હતી.

કોર્ટમાં ખૂન કેસનો ચુકાદો આવવાનો હતો, તે દરમિયાન મુંબઈ અને ભારતનાં અખબારોમાં રોજેરોજ પહેલે પાને મથાળાં છપાતાં હતાં. ‘શું કમાન્ડર નાણાવટીની પત્ની સિલ્વિયાને પ્રેમ કરનારા પ્રેમ આહુજાના ખૂન બદલ નાણાવટીને સજા થશે કે નહીં?’ ‘કેવી સજા થશે?’
કોર્ટરૂમ આખો ખીચોખીચ ભર્યો હતો. અખબારો ગરમાગરમ ભજીયાની જેમ વેચાતાં હતાં. ‘બ્લિટ્ઝ’ નામનું અંગ્રેજી સાપ્તાહિક જે 25 પૈસામાં વેચાતું હતું, તેના કાળા બજાર થતા હતા. છાપાંના ફેરિયા ખૂબ કમાતા હતા. એટલી હદે કેસ ચગ્યો કે કમાન્ડર નાણાવટીએ આહુજાનું ખૂન કરવામાં જેવી પિસ્તોલ વાપરી હતી, તે પિસ્તોલની નકલો વેચાવા માંડી. કમાન્ડર નાણાવટીની પત્નીને પ્રેમ કરનારા પ્રેમ આહુજા જે ટુવાલ પહેરીને કમાન્ડર નાણાવટી સામે આવેલો તે ટુવાલની પ્રતિકૃતિઓ વેચાવા માંડી હતી!

કોર્ટની અંદર એક પછી એક દલીલો આવવા લાગી, ઘડીક સમય માટે શાંત અને ધબકારા વધીજાય એવા સ્ટેટમેન્ટ આવતાં, અને ઘડીક ઘડીકમાં તો બખારો થઇ જતો. વળી પેલું તો ખરું જ, “ઓર્ડર ઓર્ડર” ! એકદમ સ્કૂલનાં ક્લાસ જેવું વાતાવરણ, શિક્ષક કોઈને વઢતા હોય ત્યારનું, વિદ્યાર્થીઓ શિક્ષકની ઘેરહાજરીમાં બખારો કરે તે, અને ટીચર નું ચૂપ ! 

નિર્ણયની ઘડી…

મુંબઈ સેશન્સ કોર્ટે, જયુરીની મદદથી નાણાવટીને નિર્દોષ જાહેર કર્યા. આ જ્યુરીમાં એક રેજીનાલ્ડ પીયર્સ જ એક એવાં જજ હતાં જેમણે નાણાવટી વિરુદ્દ વોટ કર્યો હોય. નાણાવટીને રિહા કર્યા. પણ એ વખતનાં સેશન્સ જજ રતિલાલ ભાઈચંદ મહેતાએ મુંબઈની હાઈકોર્ટમાં આ કોર્ટમાં જૂરીનાં નિર્ણયને ખોટો છે એમ અપીલ સાથે કોર્ટને ફરીથી કોર્ટરૂમમાં લાવ્યાં. હવે કેસ મુંબઈની હાઇકોર્ટમાં પહોંચ્યો. કોર્ટનું વાતાવરણ પણ પહેલાંની જેમ સ્કૂલના વર્ગ જેવું ! બંને પક્ષ તરફથી દલીલો આવવાં લાગી . એવામાં જેઠમલાણી ખરાં ખેલાડી નીકળ્યાં. કાર્લ એમ સાબિત કરી રહયાં હતાં કે આ એક અચાનક થયેલી હત્યા છે, એવામાં જ જેઠમલાણી એ તેમની દલીલો પર પોતાની દલીલ મૂકી કે  …

  • જો ખરેખર બંને વચ્ચે લડાઈ થઇ હોય તો, પ્રેમ આહુજાએ જે ટુવાલ પેહેર્યો હતો તે કેમ ના નીકળ્યો ? ( જે એ ઘટનાસ્થળનાં ફોટોમાં દર્શાવ્યું હતું તેમ)
  • આહુજાનો મૃતદેહ બાથરૂમની નજીક મળ્યો હતો, એવું તો ના જ બની શકે કે નાણાવટી એ તેમને બાથરૂમની પાસે જઈને બંદૂક ચલાવી હોય.
  • બંદૂકની ગોળીની ઇન્ટેન્સિટી પરથી સ્પષ્ટ છે કે, ગોળી અમુક અંતરેથી ચલાવેલી છે. જેથી એમ તો ના જ બની શકે કે બંને વચ્ચે લડાઈ થઇ હોય. 

આ દલીલોને મહત્વ આપી, હાઇકોર્ટે નાણાવટીને IPC 302ની ધારાહેઠળ આજીવન કેદની સજા સાથે દોષી જાહેર કર્યા. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો અને ત્યાં પણ બોમ્બે હાઇકોર્ટનાં નિર્ણયને માન્ય ગણ્યો. ભારતનાં ઇતિહાસનાં શ્રેષ્ઠ વકીલ તરીકે નામ લખાવનાર રામ જેઠમલાણીનાં જીવનનો આ સૌથી પહેલો મહત્વનો કેસ હતો. જેનાથી તેમને નામના મળી. તેમણે તેમનાં સિનિયર વકીલકાર્લ ખંડાવલા હરાવ્યાં. 

કોર્ટનાં ચુકાદા બાદ…

સુપ્રીમ કોર્ટે નાણાવટીને દોષી જાહેર કર્યા. નાણાવટી જે, યુનાઇટેડ કિંગડમમાં ભારતીય નૌકાદળનાં હાઈકમિશનર હોવાને કારણે તેમનાં નહેરૂ પરિવાર સાથે ગાઢ સંબંધ હતાં. નાણાવટીનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે જવાહરલાલ નહેરુ આપણાં દેશનાં વડાપ્રધાન હતાં. અને તેમનાં બહેન વિજયલક્ષ્મી પંડિત મુંબઈનાં ગવર્નર હતાં. ભારતનાં બંધારણમાં ગવર્નર અને વડાપ્રધાનને એક સત્તા આપવામાં આવેલી છે કે તેઓ કોઈ પણ કોર્ટનાં સ્ટેટમેન્ટને માફ કરી શકે છે. નાણાવટીએ પણ માફી માટે અરજી કરી. પહેલાં સરકાર એમ માનતી હતી કે જો માફી આપીશું તો સિંધી કોમ્યુનિટીની વોટબેંક પાર અસર થશે. એવામાં સિંધી કોમ્યુનિટીનાં ભાઈપ્રતાપ હતાં, જેમની સ્વાતંત્રતાની લડાઈમાં અગત્યની ભૂમિકા હતી. તેમને પણ કોઈ  કેસમાં દોષી જાહેર કર્યા હતાં. તેમણે પણ માફી માટે અરજી કરી હતી. સરકારે આમ, બંને અરજીને સમજી વિચારીને,અને સિંધી અને પારસી કોમ્યુનિટીને જોડવાનાં ઉદ્દેશથી બંને અરજી સ્વીકારી બંનેને માફ કર્યા.

આમ, કાવસ નાણાવટી,ને આ કેસમાંથી રાહત મળી  ! ત્યારબાદ નાણાવટી,પત્ની અને બાળકો સાથે હંમેશા માટે કૅનેડા જતાં રહ્યાં. 

સિલ્વિયાએ પ્રેમ આહુજા સાથેના આડા સંબંધનો એકરાર કરતાં કમાન્ડર નાણાવટીએ સિલ્વિયાને માફ કરી દીધી. આખી સ્ટોરીમાં હીરો બનનાર કમાન્ડર નાણાવટી હતો. સ્ત્રીઓ માટેનો હીરો કે તેણે બેવફા પત્નીને માફ કરી હતી. 1950ના દાયકાના કેસને ફરી પાછો બોલિવૂડની ફિલ્મ ‘રુસ્તમે’ તાજો ર્ક્યો છે. તમે પોતે ફિલ્મ જોઈને કમન્ડર નાણાવટીની તરફેણમાં તેણે પ્રેમ આહુજાનું ખૂન ર્ક્યું, તે ઘટનાથી બનતા સુધી નાણાવટીને માફ કરશો જ. 1952-53માં બનેલી ઘટના આજે પણ સમાજમાં આડા સંબંધોની ‘બાંધી મુઠ્ઠી’ને ખુલ્લી કરે છે અને નીચેનાં સત્યો ધ્યાન રાખવા જેવા ગણે છે, પણ આડા સંબંધોની બાંધી મુઠ્ઠી કોઈક વાર ખૂલે છે પછી બંધ રહે છે.
મુંબઈ કે અમદાવાદ કે વડોદરા જેવું શહેર હોય તે 70 વર્ષ પહેલાંનું હોય કે 2016નું શહેર કે ગામડું હોય, ત્યાં તમારા પતિ કે પત્નીનો કોઈ સાથે એક ‘પ્રેમપ્રસંગ’ થાય, તેનાથી તમે પોતે ન્યાયાધીશ બનીને પતિ કે પત્નીને છોડી દેવાની ઉતાવળી ભૂલ કરશો. ક્ષમા’ શબ્દ સંસારના દરેક વ્યવહારમા ખૂબ ઉપયોગી છે. નાની-નાની વાતમાં તમારાં બાળકોની ભૂલો માટે માફ કરો, ત્યારે તમે મા-બાપ તરીકે સંતાનોને ખૂબ વહાલાં લાગો છો.
માતા પ્રત્યે બાળકોને શું કામ વધુ પ્રેમની લાગણી હોય છે? એટલા માટે કે બાળકોના નાના-મોટા દોષો કે ગુનાઓ માતા માફ કરે છે. આજે 2016માં જીવવા માટે ડગલે ને પગલે તમારે મિત્રોને, પત્નીને અને પતિને કે સંબંધીને માફ કરતાં શીખી જવું પડશે. એક વાક્ય અમે બહુ વારંવાર બોલતાં, તે સાદું વાક્ય સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવું છે- ‘માફ કરો ને માંડી વાળો.’

‘શ્રી કાંતિ ભટ્ટ’ની દિવ્યભાષ્કરમાંની કોલમ “આસપાસ”માંથી પ્રેરિત થઇને ! (તારીખ : 08 અને 15 સપ્ટે,2016)

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments