નવેમ્બર ના અંત સાથે સાથે આપણે ત્યાં શિયાળા નુ ધીમેધીમે આગમન થઈ ચુક્યુ છે , ફ્રીજરમાં મૂકેલા બરફની જેમ શિયાળો જામી રહ્યો છે , ટીવી ઉપર હવે “રફ સ્કીન” વાળી અને પેલી ગુગલી વુગલી વુશ વાળી જાહેરાતો એ મારો ચલાવ્યો છે , કપલ લોકો એ હવે બગીચા ના બદલે કોફી શોપ માં મળવાનું ચાલુ કરી નાખ્યુ છે જેને પરિણામે હવે મોટાભાગના યુવકો કફોડી સ્થિતિમાં આવી ગયા છે. એ સાથે સાથે હવે પગ ની જેમ હાથ ના મોજા પણ ખોવાવા લાગ્યા છે. અને શિયાળા ની સાબિતી આપતી મુખ્ય ઘટના એટલે સવાર સવાર માં બગીચાઓ ભરાઈ જવા લાગ્યા છે !
આપણને ગુજરાતીઓને ચ્હા પીતા હોય ત્યારે કટિંગ , લગનગાળામાં શોપિંગ અને શિયાળાની શરૂઆતમાં રનિંગ નો ખાસ્સો ચસ્કો લાગે છે.
ભારતવર્ષમાં શ્રાવણ માં ઉપવાસ અને શિયાળામાં દોડવાનો અનેરો મહિમા પ્રવર્તે છે. આપણા ત્યાંના “મોટા” ભાગના લોકો ને ઠંડી પડતાની સાથે જ એવુ બ્રહ્મજ્ઞાન થાય છે કે પોતે અમીબાની જેમ દિવસે ને દિવસે ચારે તરફથી ફેલાઈ રહ્યા છે. એટલે એ સવાર સવારમાં ગ્રીન ટી, હેલ્થી મેંદા વાળા બિસ્કીટ અને દોડવાનુ ચાલુ કરે છે ( એ વાત અલગ છે કે એમનો આ નિત્યક્રમ આજકાલ ના “રિલેશનશીપ” કરતા એક કે બે દિવસ જ વધારે ચાલે છે ) જોકે લોકો ફક્ત શરીર ઉતારવા જ દોડવા નથી જતા , એક બીજા પ્રકાર ના લોકો પણ હોય છે જે લોકો દ્રષ્ટિટયોગ કરવા જાય છે ( એ પણ શિયાળા ની કડકડતી ઠંડીમાં ઊઠી ને ! ) જેમનું આ ડેડિકેશન ખરેખર અભિનંદન ને પાત્ર છે અને એમની જીંદગી દયાને પાત્ર છે !
છતા “નવુ નવુ નવ દાડા” કરવામાં આપણી જાત તો ઉત્સાહી છે ! એટલે જેમ ભગવાન શ્રીરામ કૈકેયી માતાના મન ની શાંતિ માટે સિંહાસન મુકી ને વનવાસ માટે ગયા હતા એમજ આધુનિક રામો પોતપોતાની કૌશલ્યા ના મ્હેણા સાંભળી એમના મનની શાંતિ માટે નિંદ્રાસન મૂકીને બગીચા તરફ દોટ મૂકે છે.
આ દોડવા વાળા લોકો ના પાછા બે પ્રકાર પડે છે. એક છે ખરેખર હેલ્થ કોન્શિયસ હોય છે. એ લોકો સવાર સવાર માં ૪ કિલોમીટર ગાડી ચલાવીને , હાથમાં પેલો બેન્ડ પહેરી , એક નાનકડી ટ્રાન્સપરન્ટ બોટલ લઈને , માથે કપાળ ઉપર પટ્ટી બાંધીને બગીચા માં ૨ રાઉન્ડ મારવા માટે આવે છે અને ક્યારેક ક્યારેક હાથની આંગળીથી પગના ઢીંચણ પકડવાની નાકામ કોશિશ કરતા જોવા મળે છે. અને બીજા પ્રકારના લોકો જેમને ઘરેથી ધકેલી દેવામાં આવે છે છે ફક્ત અને એ લોકો ફક્ત બગીચા ની સુંદરતા નિખરવામાં ૧૦-૧૫ રાઉન્ડ મારી લ્યે છે.
ચલો જાડ્યા લોકો તો આવે દોડવા , એમને જરૂર છે પણ સંસ્થા નો પ્રશ્ન એ છે કે આ પતલી પતલી સુકન્યાઓ , જે હવાના ઝોકા માત્રથી ફફડી જતી હોય , એ લોકો સવાર સવાર માં સાડા પાંચ વાગે ટીપટોપ તૈયાર થઈને દોડવા શું લેવા આવતી હશે ? અને આવે તો આવે , ઝુંડ માં જ આવે જેમાં એક વધુ સુંદર દેખાતી હોય અને એક ઓછી. મોટા ભાગના કેસ માં ઓછી સુંદર છોકરી વધારે સુંદર છોકરીને તેડાવીને લાવતી હોય છે. એક તરફ જ્યાં નવયુવાનો મોઢે ફક્ત અને ફક્ત પાણી ના ૧૦-૧૨ ટીપાં ચોપડી ને આવ્યા હોય છે જેમના પરસેવાની ગંધથી આજુબાજુના ફુલો પણ કરમાઈ જતા હોય છે ત્યાં બીજી તરફ આ છોકરીઓ જે ફેઅર એન્ડ લવલી , સ્પ્રે , મેકઅપ વગેરે લગાવીને બાગને મઘમધાવતી દોડતી હોય છે !
આ સિવાય , સવાર સવાર માં દોડ્યા પછી નાસ્તો કરવાનો અનેરો મહિમા છે. હજુ તો ચોથો રાઉન્ડ પત્યો પણ ના હોય અને બગીચા ના ફુલો ની સુગંધ સાથે સાથે બહાર બનતા નાસ્તા ની સુગંધ પણ ભળી જાય છે. પરિણામે પુરુષ ૧૫૦ કેલેરી બાળી ને નવી ૨૦૦ કેલેરી લઈને ઘરે જાય છે.
દર્શવાણી : શિયાળાની શરદી એક એવો રોગ છે જેમાં તમે દવા લો તો ૪ દિવસ માં મટી જાય અને ના લો તો પણ ૪ દિવસ માં તો મટી જ જાય !
ગમે તેમ પણ દોડવું તો જોઈએ જ.