આપણા દરેકમાં એક પવિત્ર આગ હોય છે. આપણા પ્રયત્નો આ આગને પાંખ આપવાના હોવા જોઈએ,અને તેનાથી વિશ્વને પ્રકાશિત કરવું જોઈએ.
– શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
આજ થી બરાબર એક વર્ષ પેહલા દેશનો સૌથી દુઃખદ દિવસ હતો. 27 જુલાઈ,2015 ભારતનો કાળો દિવસ હતો. તેઓ તેમની જીવનગાથા કેહતા કેહતા હંમેશને માટે નિંદ્રામાં જતા રહ્યા. માત્ર ભારત જ નહીં દુનિયાએ તેનો શોક મનાવ્યો.
કલામ ! આ દેશનું સૌથી સન્માનિત નામ. તમે ચાહો તો પણ તમે આ નામને તમારી નજર સામે નીચે ના કરી શકો. હા, આજે અવુલ પકીર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ એટલે તે લોકલાડીલા,દેશભરનાં વિદ્યાર્થીઓના સૌથી પ્રિય અને લોકોના રાષ્ટ્રપતિ એવા શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જીવનગાથાની સફર કરીયે.
હું 8માં ધોરણમાં હતો ત્યારે મેં એક દિવસ મારી બહેન પાસે એક પુસ્તક જોયું,જે ઈંગ્લીશમાં હતું. મને તો કઈ ખબર પડે નહીં પણ ફોટો ને એ બધું જોઈ એટલું તો સમજાઈ ગયું હતું કે આમાં ‘સફેદ વાળ’ વાળા સાહેબની વાત કરવામાં આવી છે. પછી આગળ જતા ધોરણ 9 કે 10માં અબ્દુલ કલામના જીવનનો એક સંક્ષિપ્ત પાઠ આવ્યો જે હરેશ ધોળકિયા ‘અગનપંખ’ નામનું પુસ્તક લખ્યું હતું એમાંથી હતો.
આ અગનપંખ એટલે અબ્દુલ કલામની ‘Wings Of Fire’ નું ગુજરાતીમાં અનુવાદ.કલામ સાહેબના આ પ્રસંગો સાંભળીને જ હું તેમનો એક ચાહક બની ગયો હતો. પણ આ પુસ્તક માત્ર તેમની આત્મકથા નહીં, આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો ઇતિહાસ છે.
તેમની પુરી જીવનગાથા તમને બતાવું એટલી તો મારી તાકાત નથી પણ આજે તેમને યાદ કરતા કરતા મેં જેટલું ગૂગલ અને યુટ્યુબ પરથી જાણ્યું એ હવે તમને પીરસી રહ્યો છું. ગમે તો નીચે તમારો પ્રતિભાવ આપી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ.