મહત્વકાંક્ષી, કે જેણે હિંમત કરી : વાલચંદ હીરાચંદ દોશી

મુખ્ય આર્ટિકલ : પહેલના પ્રેરક ઉદ્યોગપતિઃ વાલચંદ દોશી ( Gujarat Samachar)

તાતા, બિરલા, રિલાયન્સ વગેરેને એમના અનુગામીઓ યાદ કરે છે. એવા જ એક ઉદ્યોગપતિ ભૂલાયા છે જેમણે ઘણાં ક્ષેત્રોમાં પહેલ કરી અને નવી કેડી કંડારી. આ ઉદ્યોગપતિ તે વાલચંદ દોશી. વાંકાનેરના દિગંબર જૈન હીરાચંદ નેમચંદ ધંધાર્થે સોલાપુર વસેલા, તેમના ૧૮૮૨માં જન્મેલા પુત્ર તે વાલચંદ. ૧૮૯૯માં તેઓ મેટ્રિક થયા. પિતાના ધીરધારના અને રૂના વેપારમાં તેમણે ઝંપલાવ્યું. થોડાં વર્ષમાં તેઓ કંટાળ્યા અને લક્ષ્મણરાવ પાઠકની ભાગીદારીમાં ‘પાઠક વાલચંદ પ્રાઇવેટ લિ.’ના નામે રેલવેમાં નાનાં-મોટાં બાંધકામના કોન્ટ્રેક્ટર બન્યા. આ પછી હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપની સ્થાપી. તાનસા સરોવરમાંથી મુંબઈ શહેરમાં પાણી પહોંચાડવાની પાઇપલાઇન તેમણે નાખી.

આ પછીનાં વર્ષોમાં તેમણે ભાતભાતના વ્યવસાય કર્યા. ભારતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અમલ પછી વહાણો બાંધવાનો ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. અંગ્રેજો વરાળથી ચાલતાં વહાણો વાપરતા, આ વહાણો જૂનાં વહાણો કરતાં સલામત અને ઝડપી હતાં. વધારે માલવહન કરી શકતાં. ૧૯૪૧માં વાલચંદ શેઠે વિશાખાપટ્ટનમમાં સૌપ્રથમ હિન્દુસ્તાન શિપયાર્ડની સ્થાપના કરી. ૧૯૬૧માં ભારતની સરકારે રાષ્ટ્રીયકરણથી એનો કબજો લીધો. હકીકતમાં આધુનિક જહાજો બાંધનાર તેઓ સૌ પ્રથમ ભારતીય ઉદ્યોગપતિ હતા.

વાલચંદ શેઠે ૧૯૧૯માં દેશ-પરદેશ માલ અને મુસાફરોના પરિવહન માટે સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની સ્થાપી હતી. આ કંપની અને બીજા આ ક્ષેત્રમાંના જહાજ માલિકોની જરૂરિયાત માટે તેમણે હિન્દુસ્તાન શિપયાર્ડની સ્થાપના કરી હતી.

સમગ્ર એશિયા ખંડ અને ભારતમાં વિમાન અને વિમાનના સ્પેરપાર્ટ્સ બનાવનાર પ્રથમ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સની સ્થાપના તેમણે ૧૯૪૦માં બેંગલોરમાં કરી હતી. ધરમશી મૂલરાજ ખટાઉ અને તુલસીદાસ કિલાચંદ એમાં ભાગીદાર હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સરકારે એના ત્રીજા ભાગના શેર ખરીદી લીધા. ૧૯૪૨માં સરકારે તેનું રાષ્ટ્રીયકરણ કરીને કબજો લીધો.

જળ અને હવાઈ પરિવહનની જેમ જમીન પરના પરિવહન માટે તુલસીદાસ કિલાચંદ અને ધરમશી ખટાઉની ભાગીદારીમાં મુંબઈ નજીક પ્રીમિયર ઓટોમોબાઈલ્સની સ્થાપના કરી. ૧૯૪૯માં પ્રથમ કાર બનાવી. ૧૯૫૫માં ફિયાટ કંપની સાથે જોડાણ કર્યું અને ૧૯૫૬માં પ્રીમિયર પદ્મિની એવી જાણીતા નામની કાર બહાર પાડી. આ પછી નવાં નવાં મોડેલનું ઉત્પાદન કરતા ગયા. જળ, જમીન અને હવાઈક્ષેત્રે પહેલ કરનાર એ પ્રથમ ગુજરાતી હતા.

ફિલ્મ ઉત્પાદન માટે મુંબઈમાં તેમણે વાલચંદ સ્ટુડિયો સ્થાપ્યો. વીમા ક્ષેત્રે ૧૯૩૭માં તેમણે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની સ્થાપી, જે આ ક્ષેત્રની સૌ પ્રથમ ભારતીય વીમા કંપની હતી. વખત જતાં ભારત સરકારે રાષ્ટ્રીયકરણ કરતાં તે જીવન વીમા નિગમમાં ભળી ગઈ.

મુંબઈ અને પૂના વચ્ચેના રેલવે માર્ગમાં આવતી ભોરઘાટની ટનલો તેમની હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપનીએ બાંધી હતી. સિંધુ નદી પર કલાબાગ પુલ અને મ્યાનમારમાં ઇરાવતી નદી પરના પુલ તેમણે બાંધ્યા હતા.

વાલચંદ શેઠ પાસે શેરડીનાં મોટા ફાર્મ હતાં. તેમણે ખાંડનાં મોટાં કારખાનાં નાખ્યાં. ખાંડની સાથે કન્ફેકશનરીનું ઉત્પાદન તેમણે શરૂ કર્યું. રાવલગાંવ નામે જાણીતી કેન્ડી એ એમનું સર્જન.

મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝના એ સ્થાપકોમાંના એક હતા. ૧૯૨૭થી ’૩૮ સુધી પ્રમુખ હતા. ઇન્ડિયન નેશનલ શીપઓનર્સ એસોસિએશનના સ્થાપક અને ૧૯૨૯થી ’૪૮ સુધી પ્રમુખ હતા. ૧૯૨૭-૨૮માં તેઓ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હતા.

તેમણે ખૂબ મોટાં દાન કર્યાં. ટ્રસ્ટો સ્થાપ્યાં. સોલાપુરની વાલચંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સાંગલીમાં કસ્તુરબા વાલચંદ કોલેજ, પુનામાં પિતાના નામે હીરાચંદ વાલચંદ દિગંબર જૈન છાત્રાલય, સોનપતમાં વાલચંદ સ્કૂલ વગેરે એમનાં સર્જન છે.

વાલચંદ શેઠ રાષ્ટ્રવાદી વિચારો અને પ્રવૃત્તિના સમર્થક હતા. ૧૯૩૦માં અંગ્રેજોના શાસન વખત મુંબઈ રાજ્યના ઉપલા ગૃહમાં ગાંધીજીની મુક્તિનો ઠરાવ એમણે પસાર કરાવેલો. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને રાજેન્દ્રબાબુના તેઓ ચાહક હતા. સમાજવાદી નીતિના સમર્થક નેહરુને એ ન ગમતા.

૧૯૫૩માં એમનું નિધન થયું. ૨૦૦૪માં એમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પડી. અનેક ક્ષેત્રોમાં પહેલ કરનાર તે અનન્ય ગુજરાતી હતા.

મુખ્ય આર્ટિકલ : પહેલના પ્રેરક ઉદ્યોગપતિઃ વાલચંદ દોશી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments