સ્ત્રીનાં કાયદા અને અધિકાર : ભાગ-1

Table of Contents

તમે જેટલું વિચારો છો તેનાં કરતાં તો તમે વધુ શક્તિશાળી છો ; તમે જેવા છો એમાં જ સૌથી સુંદર છો.

~ મૅલિસા ઍથૅરિજ  

આસો સુદ આઠમ, એટલે કે દુર્ગાષ્ટમી ! નારીશક્તિનું દૈવીત્ય રૂપ એટલે માઁ દુર્ગા . આજનાં આ પવિત્ર દિવસે અમે ગુજ્જુગિક દ્વારા નવી કોલમની શરૂઆત કરવા જઈ રહ્યાં છે . જેનો મુખ્ય ધ્યેય દુર્ગામાઁ સમી આજની નારીને અમે થોડાક અંશે તો તેમનાં અધિકાર અને તેમનાં માટેનાં મહત્વપૂર્ણ કાયદા વિષે અમારાથી શક્ય તેટલાં જાગૃત કરીશું . ચાલુ વર્ષની ઑલિમ્પિક્સમાં પણ આપણને નારીશક્તિનો પરચો તો જોવા મળ્યો જ. 

થોડા અઠવાડિયા પહેલા જ રિલીઝ થયેલી PINK ફિલ્મ પણ ઘણું બધું કહી ગઈ. આજનાં આ શરૂઆતનાં ભાગમાં એવા કાયદા અને અધિકારની માહિતીનો ઉલ્લેખ કર્યો છે જે તમને તમારી રોજિંદા જીવનમાં ગમે ત્યારે ઉપયોગમાં આવશે. સાથે સાથે કઈ પરિસ્થિતિમાં શું કરવું એ પણ ગુજ્જુગિક વિશેષમાં જણાવ્યું છે. તો ચાલો શરુ કરીયે… 

રોજિંદા જીવન અને કામ કરવાની જગ્યાએ લાગુ પડતાં કાયદા અને અધિકાર 

1. ઍસિડ હુમલો , કલમ 326-A અને 326-B 

આ ઘટના અંગેનું એક સીન તમે હમણાં રિલીઝ થયેલી ફિલમ અકીરામાં જોયું હશે. ઍસિડ હુમલા અંગે આપણા દેશની સ્થિતિ સૌથી ગંભીર છે. બે વર્ષ પહેલાં એટલે કે 2013 કરતાં 2014માં વર્ષના અંત સુધીમાં 150 વધુ કેસ નોંધાયા. જે એક શરમજનક સ્થિતિ કહી શકાય. આનું સૌથી મોટું એક કારણ, પ્રપોઝલ નહિ સ્વીકારવાનું !

આ માટે ભારતના બંધારણમાં કલમ 326-A અને 326-B માં  …

  • કોઈ કોઈના પર ઍસિડ ફેંકી હુમલો કરે તો તેને 326-A હેઠળ 3થી 10 વર્ષ, અથવા આજીવન કેદની સજાની જોગવાઈ થયેલી છે. આ ગુનેગારને ભોગ બનેલની સારવારનો તમામ સારવાર ખર્ચ પણ ચૂકવવાની જોગવાઈ પણ છે.
  • કોઈ ઍસિડ હુમલો કરવાનો પ્રયત્ન પણ કરે , તો પણ તેને 326-B 5થી 7 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
2010થી 2013નાં આંકડા
2010થી 2013નાં આંકડા

 

ઉપરનાં ચાર્ટમાંથી એક બાબત દેખીતી છે કે, આજે હજુય પણ સ્ત્રીઓ કોઈ કારણસર પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરવામાં સંકોચ કે ડર અનુભવે છે. 

2. સેક્સ્યૂઅલ હૅરસમન્ટ, કલમ 354-A 

1997માં જયારે ભંવરી દેવી નામનાં  સામાજિક મહિલા કાર્યકર પર બાળલગ્ન રોકવા બદલ સામુહિક બલાત્કાર થયો,ત્યારે રાજસ્થાનના ભંવરી દેવીએ કોર્ટમાં એક પિટિશન દાખલ કર્યું. તેનાં પરથી સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓ માટેનાં સેક્સ્યૂઅલ હૅરસમન્ટ અને અન્ય કાયદા ઘડ્યા. આ કેસને “વિશાખા અને અન્ય બનામ રાજસ્થાન રાજ્ય” તરીકે નામ આપ્યું હતું. ( આ કેસ અંગે વધુ જાણવા >> ક્લિક કરો )

કેવી ઘટના કે ગુનાને સેક્સ્યૂઅલ હૅરસમન્ટ કહી શકાય ? 

  • કોઈ પણ સ્ત્રીની ઈચ્છાવિરુદ્ધ, કે બિનઆવકાર્ય રીતે શારીરિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવે.
  • કોઈ તમારું કામ કરતુ હોય અને તેનાં બદલામાં આ પ્રકારનો પ્રયત્ન કે માંગ કરે. 
  • કોઈ તમારા તરફ અશ્લીલ ઈશારા કરતુ હોય
  • કોઈ તમને અશ્લીલ વિડીયો કે ફોટો બતાવતું હોય   

આ તમામ કૃત્યોને  354-A કલમ હેઠળ…

  • જો કોઈ, આ પ્રકારના ગુનાને અંજામ આપે તો તેને 3થી 10 વર્ષની કેદ અને દંડની  સજાની જોગવાઈ છે.

3. કોઈપણ સ્ત્રીનો ફોટો કે વિડીયો ઇન્ટરનેટ પર અપલોડ કરવો, કલમ 499 

આજે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક, જેવી વેબસાઈટ અને એપ્લિકેશન મારફતે તથા વ્હોટ્સએપ જેવા માધ્યમોને મારફતે મહિલાઓનાં ફોટો અને વિડીયો ફરતાં થઇ જાય છે. ગણતરીની મિનિટોમાં ક્યાંયને ક્યાંય પહોંચી જાય છે. આ અંગે બંધારણમાં 499ની કલમ હેઠળ થયેલી જોગવાઈ અંતર્ગત  …

  • જો કોઈ, કોઈપણ સ્ત્રીનો ફોટો કે વિડીયો ઇન્ટરનેટ પર અપલોડ કરે તો તેને 499ની કલમ હેઠળ ઓછામાં ઓછી 2 વર્ષની સજાની જોગવાઇ થયેલી છે. 

4. કોઈપણ સ્ત્રીને વસ્ત્રવિહીન કરવાં દબાણ કરવું, કલમ 354-B

દુઃશાસને જયારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું ત્યારે તો શ્રીકૃષ્ણ હતાં જેમણે દ્રૌપદીની લાજ રાખી હતી. સતયુગમાં કૃષ્ણ-અર્જુન અને ભીષ્મ પિતામહ જેવા મહાન પુરુષોની હયાતીમાં પણ આવું કૃત્ય થયેલું, તો આ કળિયુગમાં તો કાંઈ જ ના કહી શકાય. 

આ માટે ભારતનાં બંધારણમાં કલમ 354-B હેઠળ… 

  • કોઈપણ તમને વસ્ત્રવિહીન કરવાનો, અથવા તેવું વિચારીને કઈ પણ કૃત્ય કરે તો તેને ઓછામાં ઓછી 3 વર્ષની સજા અને દંડ,અને વધીને 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. 

આ કાયદો એવી સ્ત્રીઓ માટે તો ખાસ જરૂરી છે જેઓ મોડેલિંગ કરતી હોય.

5. કોઈપણ સ્ત્રીનો ફોટો પાડવો કે વિડીયો ઉતારવો, કલમ 354-C

આ પ્રકારની ઘટના કપડાં ખરીદતી વખતે ટ્રાયલ રૂમમાં, હોટેલમાં રોકાયા હોવ ત્યારે, અને અન્ય જાહેર સ્થળો એ શક્ય છે. આ પ્રકારનાં ગુનાને મોટાભાગે  હિડન કેમરા દ્વારા અંજામ આપવામાં આવે છે. આ પ્રકારની જો તમને જાણ થાય તો, આ પ્રકારનો ગુનો 354-Cની કલમ હેઠળ  …

  • જો કોઈ સ્ત્રીને તેની ખાનગી ક્રિયાઓ કરતી વખતે (જાહેરમાં શક્ય ન હોય તેવી) તેને રેકોર્ડ કરવી, ફોટો પાડવા, આ પ્રકારના ગુના માટે ભારતીય બંધારણમાં ઓછામાં ઓછી 3 વર્ષની સજાની જોગવાઈ છે. 

6. કોઈપણ સ્ત્રીની જાહેરમાં અપમાન કરવું, કલમ 294 

ઉપર વાત કરી તેમ, સતયુગમાં જો તે ઘટના પણ થઇ, તો આજનાં કળિયુગમાં સ્ત્રીની મર્યાદા પર જાહેરમાં કોઈ હાથ ઉઠાવાનું કૃત્ય કરવાનું જ. આ માટે બાંધારણમાં કલમ 294 હેઠળ,

  • જો કોઈ, જાહેરમાં તમારું અપમાન કરે
  • જો કોઈ જાહેરમાં તમારું અપમાન કરવાં ગીત પણ ગાય, તો  …. 

આ પ્રકારના ગુનામાં ત્રણ મહિનાની જેલ અને દંડની સજાની જોગવાઈ છે. આ પ્રકારની ઘટનાને સેક્સ્યૂઅલ હૅરસમન્ટની સજા હેઠળ પણ ગણવામાં આવી શકે છે . 

7. સ્ટોકીંગ વુમન, કલમ 354-d 

સ્ટોકીંગ એટલે  ….

  • કોઈ તમારી ના છતાંય તમને વારંવાર અનુસરતું હોય, સંપર્ક કરવાનો પ્રયત્ન કરતુ હોય, તેની પ્રત્યે તમારે કોઈ પ્રકારની લાગણી કે ઈચ્છા નથી તેમ જણાવ્યા છતાંય તમને વારંવાર હેરાન કરતું હોય .
  • કોઈપણ સ્ત્રી પર, ઇન્ટરનેટ દ્વારા, કે અન્ય કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણો જેમ કે મેઈલ, મેસેજિંગ સર્વિસ મારફતે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતુ હોય…
  • સોશિયલ સાઇટ્સ, કે અન્ય માધ્યમો દ્વારા કોઈ પર સ્ત્રી પર નજર કે દેખરેખ રાખતું હોય. 

તો આ પ્રકારના ગુનાને અંજામ આપનારને, કલમ 354-d હેઠળ 3થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.

8. પોલીસ સ્ટેશન અને તે અંગેના તમારા મહત્વનાં અધિકાર 

ઉપર ઍસિડવાળા મુદ્દામાં જોયું તે આંકડા પરથી સમજી શકાય કે સ્ત્રીઓ હજુય પણ પોલીસ સ્ટેશનમાં જતાં ડરે છે, સંકોચ અનુભવે છે. તેને ધ્યાનમાં લઇને બંધારણમાં સ્ત્રીઓને અધિકાર આપ્યાં છે જેમાંના અમુક અહીં જણાવું છું. 

  • કોઈપણ પોલીસ સ્ટેશન માં તમારા વિરુદ્ધ વૉરંટ નીકળે તો પણ તે તમને સૂર્યાસ્તથી સૂર્યોદયના વચ્ચેનાં ગાળામાં તમારી ધરપકડ ના થઇ શકે. અમુક બહુ જ અગત્યના કેસમાં જ આ સમયમાં ધરપકડની મંજૂરી છે, અને તે પણ મહિલા પોલીસ દ્વારા જ ! 
  • તમારી FIR તમે પોલીસ સ્ટેશનમાં ગયા વગર, મેઈલથી પણ નોંધાવી શકો છો . આ માટે તમે અભયમ હેલ્પ લાઇન નંબર ૧૮૧, ૧૦૯૧,૧૦૦ નો ઉપયોગ કરી તે અંગે માહિતી મેળવી શકો છો.
  • FIR નોંધાવતી વખતે તમે, તે કેસમાં તમારું નામ ગુપ્ત પણ રાખી શકો છો. 

નોંધ : ઉપર જણાવેલી મોટાભાગની શરતો સ્ત્રીની સાથે સાથે પુરુષો માટે પણ મહત્વની છે. 


ગુજ્જુગીક વિશેષ !

કોઈપણ ઘટના અંગેની જાગૃતિ એ,જે તે ઘટના સામે લડવાનું સૌથી મોટું હથિયાર છે. ટૂંકમાં, પૂર પહેલાં પાળ બાંધેલી હોય તો સારું ! થોડા દિવસ પહેલાં એક તદ્દન ખોટો મેસેજ વ્હોટ્સએપ પર ફરતો થયો હતો જેમાં એવો ઉલ્લેખ થયેલો હતો કે, ‘સુપ્રીમ કોર્ટ દ્વારા કલમ 233 હેઠળ કોઈપણ સ્ત્રી બળાત્કાર થતો હોય તો તે જે તે અપરાધીને સેલ્ફડિફેન્સમાં તેને મોતને ઘાટ પણ ઉતારી શકે છે. ‘  મેં પણ આ મેસેજ વાંચીને તેને કેટલાંય લોકોને ફોરવર્ડ કર્યો હતો, પણ આજે સવારે મેં ઇન્ટરનેટથી માહિતી મેળવી તે અનુસાર આ એક ફેક મેસેજ હતો. 

ગુજ્જુગીક વિશેષમાં આજે તમને તમારા રોજિંદા જીવનમાં શક્ય ઘટના અને તેને નિવારી શકાય અને લડી શકાય તેનાં વિચારો અને મેં જે માહિતી મેળવી એ અહીં જાણવું છું. 

જો તમે રાત્રે એકલાં હોવ,અને સુમસામ જગ્યા હોય તો…

  • રાત્રે તમે ઓફિસેથી કે ઘરેથી અથવા અન્ય જગ્યાએથી બહાર નીકળો તો મોબાઈલમાં તમારું GPS ચાલું કરી દો. આમ કરવાથી તમારી હલચલ પરથી જો કોઈ ઘટના ઘટેતો તેને નિવારવી શક્ય થઇ શકે. આ ઉપરાંત તમને લાગે કે કોઈ તમને અનુસરી રહ્યું છે, તો તરત જ તમારા નજીક કોઈ ATM કે કોઈ શોપમાં જતાં રહો, ATMમાં કેમેરાથી રેકોર્ડ થતું હોવાથી તે તેના ઈરાદાનું કૃત્ય કરતાં ચોંકી જશે, અને તમને મહિલા હેલ્પલાઈન નંબર 181, 1091 અને 100 પર ફોન કરવાનો સમય મળી જશે.
  • ટેક્નોલોજીની દુનિયામાં મોબાઈલમાં કેટલાંય પ્રકારનાં SOS ટાઈપના એપ્લિકેશન આવે છે, તેનો ઉપયોગ કરો. જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે આ એપને અમુક ખાસ રીતથી એક્ટિવેટ કરવાની સિસ્ટમ હોય છે, જે એક્ટિવેટ થતાંજ તમે સેટ કરેલા નંબર પર તમારી હાલની GPS પોઝિશન અને એલર્ટ મેસેજ તેમનાં મોબાઈલમાં પહોંચી જશે. ( આ પ્રકારની એપ >> ક્લિક કરો 
  • રાત્રે એકલાં હોવ, અને એપાર્ટમેન્ટમાં ઉપરના માળ સુધી જવાનું હોય અને,કોઈ વ્યક્તિ કે ટોળું તમારી સાથે લિફ્ટમાં પ્રવેશે ત્યારે, લિફ્ટનાં બધાં બટન દબાવી દો, આમ કરવાથી લિફ્ટ દરેક માળે ઉભી રહેશે. અને હવેતો લિફ્ટમાં ઇમરજન્સી માટેની સિસ્ટમ પણ હોય જ છે. 
  • રાત્રે રિક્ષા કે ટેક્ષી કરતી વખતે, તમે સૌથી પહેલાં જેતે રિક્ષા કે ટેક્ષીનો નંબર તમારા ઘરે કે મિત્રોને મોકલી ને જાણ કરો ,અને શક્ય હોય તો ફોન કરીને જ જણાવો જેથી જો ડ્રાઇવરનો ખરાબ ઈરાદો હશે તો તે તેમ કરતા અટકશે. 

જયારે ઘરે તમે એકલા હોવ, અને કોઈ હુમલો કરવાનો પ્રયત્ન કરે… 

  • આ પ્રકારની ઘટનાં મોટાભાગે તમે ક્યાંક ભાડેથી, અથવા ઓછી અજાણ જગ્યાએ રહેતા હોવ ત્યારે ઘટવાની શક્યતા છે. આ ઉપરાંત વિઘ્વા બહેનો અને અન્ય લોકો સાથે પણ ઘટી શકે છે . આવા સમયે તમારે સૌથી પહેલો પ્રયત્ન ઘરનાં રસોડામાં પહોંચી મરચું, મીઠું કે અન્ય મસાલો, અને ચપ્પુ હાથમાં લઇ લેવું . અને તેનાંથી પોતાનાં બચાવમાં હુમલો કરવો. 
  • જો ઉપર જણાવેલ ઉપાય શક્ય ન હોય તો…રસોડામાં જઈ વાસણો જોર જોરથી પછાડીને બુમાબુમ કરવી જેથી આજુબાજુના લોકો તમારી મદદ કરવાં પહોંચી જાય. 
  • ઘરે એકલાં હોવ ત્યારે તમારા ઘરના સભ્યો સાથે ફોન કે ઇન્ટરનેટના માધ્યમથી સતત સંપર્કમાં રહેવું. 
  • SOS ટાઈપની એપ્લિકેશનો દરેક પ્રકારની મુશ્કેલીનાં સમયે તમારાં માટે જીવનદાતા બની શકે છે.

બસ અહીંયા આજે ભાગ-1ને પૂર્ણવિરામ આપું છું. તમને જો આ આર્ટિકલમાં કોઈ ભૂલ જણાય, કોઈ નવો વિચાર નિ:સંકોચ થઇને મને જણાવજો, અથવા નીચે કોમેન્ટમાં જણાવજો . મારુ મેઈલ આઈડી urvish@gujjugeek.com ! આ આર્ટિકલ અંગે નીચે કોઈપણ કોમેન્ટ આવકાર્ય છે, તમારી બહેન,પરિવાર માતા, મિત્ર બધા સાથે આ શેર કરજો ! કદાચ કોઈને આ માહિતીની ઓચિંતી જરૂર પડે !

યાદ રાખો,

કોઈપણ ઘટના અંગેની જાગૃતિ એ જ તેનાં સામે લડવા માટેનું મહત્વનું હથિયાર છે.

મહિલા હેલ્પલાઈન નંબર : 181 , 1091 અને 100 

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Ujjval
7 years ago

Very Nice Information Urvish

અનિલ રાઠોડ.અમદાવાદ ચાદલોડિયા
અનિલ રાઠોડ.અમદાવાદ ચાદલોડિયા
6 years ago

પણ આજ કાયદાનો સ્ત્રીઓ ખોટા ઉપયોગ કરતી થઇ છે .જેના ઉપર અત્યાચાર થાયછે એ અલગ પણ હવે પુરુષને હેરાન કરવા પોતાનો ખોટો સંબંધ દબાવી રાખવા જો પુરુષ સ્ત્રીને મારે તો એ સ્ત્રી પુરુષને કાયદાની બીક બતાવી સંબંધ ટકાવી રાખે છે.ઘણીવાર માબાપકે અન્ય સંબંધી દ્વારા પણ છોકરીને ચડાવવામા આવે છે બીક બતાવી પુરુષ પાસે પૈસા પડાવવામા આવે છે.
સ્ત્રી ઉપરાત પુરુષ માટે પણ કાયદા હોવા જોઇએ.હાલમા સ્ત્રીઓના અત્યાચાર પુરુષ ઉપર વધી ગયા છે જેથી પુરુષ આત્મ હત્યા કરતો થઇ ગયો છે