“જ્યાં સંતોષ છે, ત્યાં કોઈ જ ક્રાંતિ નથી.”
– કન્ફ્યુશિયસ
( ચીનના ‘કન્ફ્યુશિયસ‘ ધર્મના સ્થાપક )
ઝેરોક્સ એક ઇનોવેટિવ કંપની છે.
ઝેરોક્સ એક એવી કંપની, જેણે ફોટોકોપીયર્સ બનાવ્યા, અને 1960 ના દાયકામાં તેણે 914 ફોટોકોપીયર બનાવ્યા. બિઝનેસ ઇન્સાઇડરમાં એ વખતે છપાયેલું કે…
“રોકાણ સામે સૌથી સારું વળતર હોય એ બાબતે, અમેરિકાના માર્કેટમાં મુકાયેલી સૌથી સફળ પ્રોડક્ટ !”
ઝેરોક્સ કંપની પાસે પાલો અલ્ટો રિસર્ચ સેન્ટર (પીએઆરસી) છે. જેમાં વિજ્ઞાન-ટેક્નોલોજી વિષયક વિચારને પ્રોડક્ટનું સ્વરૂપ આપવાનું કામ થાય. ટૂંકમાં કહીયે તો, અહીંયા જ લેઝર પ્રિન્ટર, ઈથરનેટ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જેવા ક્રાંતિકારી વિચારો ઉદ્દ્ભવેલાં.
આવા વિચારોમાંનો જ એક હતો, ઝેરોક્સ અલ્ટો !
દુનિયાનું સૌથી પહેલું ‘પર્સનલ કમ્પ્યુટર’ !
ડિઝાઇન એક માસ્ટરપીસ હતી. જમાનાથી પણ આગળ, એક ઇનોવેટિવ પ્રોડક્ટ. તેમાં દરેક ક્લિક એકદમ ‘ફ્લોલેસ’ ચાલતી હતી. એ એ જમાનામાં કદાચ, પાલો અલ્ટો રિસર્ચ સેન્ટરની બહાર કોઈને આવી પ્રોડક્ટનો વિચાર પણ નહી આવ્યો હોય.
1960ના દાયકામાં એવું કમ્પ્યુટર જેમાં કીબોર્ડ-માઉસ હોય, જેમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હોય, બીટમેપ ઇમેજ, ઈથરનેટ નેટવર્કિંગની સુવિધા હોય.
સમયથી પણ ઘણું આગળનું ઇનોવેશન !
તો પછી ઝેરોક્સે પ્રથમ-પર્સનલ કમ્પ્યુટર સાથે શું કર્યું?
કશુંજ નહિ ! ( પ્રોડક્શન તો થયું, પણ 10 વર્ષના સમયગાળામાં માંડ, 2100 યુનિટ બનાવેલા. )
ઝેરોક્સના સંચાલકોએ વિચાર્યું કે તેઓ 914 ફોટોકોપીયર્સથી પૂરતા પૈસા કમાઇ રહ્યા છે. આ ‘ઝેરોક્સ અલ્ટો’ ની કિંમત કરતા તેને રિલીઝ કરવામાં વધારે ખર્ચ થશે. જોકે, સંચાલકોની દુરોગામી દ્રષ્ટિએ એ પણ જોઈ લીધું કે ભવિષ્યમાં આ પ્રોડક્ટના લીધે બધી ઓફિસો ‘પેપરલેસ ઓફિસ’ થઇ જશે તો ?
‘સંતોષના હિસાબે ખર્ચની ગણતરીઓ’ અને ‘પેપરલેસ ઓફિસનો ડર’ ; આ બે હલેસા સાથે ઝેરોક્સ કંપનીએ નાવડી ચલાવવાનું તો ચાલુ કર્યું, પણ માંડ દસેક વર્ષ ચાલી. દસ વર્ષમાં પ્રોડક્સનના નામે માત્ર 2100 જેટલા ઝેરોક્સ અલ્ટોનું ઉત્પાદન થયેલું. એમાં મોટાભાગના યુનિટ ‘ઝેરોક્સ’ કંપનીની લેબમાં અને સેન્ટરોમાં જ આપ્યા.
ઝેરોક્સ કંપની, એક ઇનોવેટિવ આઈડિયાને ‘ક્રાંતિકારી પ્રોડક્ટ’નું રૂપ આપવામાં નિષ્ફળ જ રહી કહેવાય.
1970ના દાયકાના અંતમાં, સ્ટીવ જોબ્સએ પાલો અલ્ટો રિસર્ચ સેન્ટરની વ્યક્તિગત મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેમણે અમુક વાતો ડાયરીમાં પણ નોંધી. થોડા વર્ષોમાં એપ્પલ કંપનીએ તેનું પ્રથમ પર્સનલ કમ્પ્યુટર ‘લિસા’ રિલીઝ કર્યું, અને ત્યારબાદ તે પરથી ‘મેકિનટોશ’ !
શબ્દોત્સવ !
સુખ એ સંતોષમાં રહેલું છે, પણ સુખ થી સમૃદ્ધિ સુધી માટે ‘અસંતોષી’ પણ થવું અનિવાર્ય છે.
– દર્શિલ ચૌહાણ
( ‘કાગળના ફૂલ’ માંથી )