બધી નિષ્ફળ કંપનીઓની એક જ સમસ્યા છે,તેઓ સ્પર્ધામાંથી ભાગવામાં નિષ્ફળ રહી !
આવું હું નથી કહેતો ! આવું પીટર થેલ નામનાં એક બિઝનેસમેન કહે છે. જેઓ આજે એક બિલિયન ડોલર અમેરિકન કંપનીનાં માલિક છે. જેમણે એક પ્રચલિત યુનિવર્સીટીમાં પોતાનાં ભાષણમાં પોતાનાં અનુભવ પ્રમાણે બિઝનેસ માટે સિદ્ધાંતો જણાવ્યા હતાં. જેમાંથી થોડાંક સૌથી મુખ્ય 3 પાયાનાં સિદ્ધાંતો અહીં જણાવું છું. તો ચાલો શરુ કરીયે !
1. શૂન્યથી એક તરફ જાઓ !
શરૂઆત શૂન્યથી જ થાય , એ વાત તો હવે સ્વાભાવિક છે. પણ મોટાભાગનાં લોકો બિઝનેસની શરૂઆત એકડાથી પણ કરે છે. કેવી રીતે ? પહેલાનાં જમાનામાં જયારે ગાડીઓ અને વિમાનો નહોતાં, એ સમયે તમે ઘોડા, અને ઘોડાગાડીઓ નો બીઝનેસ કરતા હોવ,તો તમે તમારાં બીઝનેસ માટે 1 to N(એક થી અનંત) ની નીતિ અપનાવી ગણાય,મતલબ કે એક થી શરૂઆત કરી ગણાય ! જો તેનાં બદલે તમે કઈંક નવી જ રીત શોધીને જેમ કે કાર શોધીને (જેમ હેનરી ફોર્ડે કર્યું) પોતાનો બિઝનેસ કર્યો હોય તો તમે બીઝનેસ માટે 0 to 1ની રણનીતિ અપનાવી ગણાય, મતલબ કે શૂન્યથી શરૂઆત કરી કહેવાય.
જયારે તમારે સફળ થવું હોય તો કઈંક નવું કરો. 0 થી 1 જાઓ. જેને “વર્ટિકલ પ્રોગ્રેસ” પણ કહે છે. કઈંક એવું કરો કે જે પહેલા ક્યારેય નથી થયું. જો કોઈ ચીજનું અસ્તિત્વ પહેલેથી છે જ,અને તેનાં પાર તમે પૈસા રોકી તેમાં સુધારા વધારા કરીને તે વસ્તુનો બિઝનેસ કરો છો તો તેને 1 to Nની રણનીતિ,જેને “હોરિઝોન્ટલ પ્રોગ્રેસ” પણ કહેવાય ! પણ આમ કરવાથી સફળતાનાં માર્ગ ઓછાં થઇ જશે, સફળતા મળશે તો પણ મોટી નહીં હોય.
દુનિયામાં કોઈ પણ મોટી ઘટના એક જ વખત ઘટે છે. દુનિયાનો ભાવિ બિલ ગેટ્સ ફરીથી ઓપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે, ભાવિ લેરી પેજ ફરીથી સર્ચ એન્જીન નહી બનાવે, અને ભાવિ ઝુકરબર્ગ ફરીથી સોશિયલ નેટવર્કિંગ સાઈટ નહીં બનાવે ! જો તમે તેમનાં જ પગલાં પર ચાલશો તો તમે 1 to N જઈ રહ્યા છો !
2. ઈજારો ઉભો કરો, સ્પર્ધાથી બચો !
આજની આ સોસાયટીમાં દરેક ક્ષેત્રે સ્પર્ધાઓને પ્રાધાન્ય આપવા મંડાયું છે. બાળક સ્કૂલમાં હોય ત્યારથી જ રિઝલ્ટ માટે સ્પર્ધા, મોટું થાય એટલે નોકરી માટે સ્પર્ધા ! વેપાર ક્ષેત્રે જો સ્પર્ધાની વાત કરીએ તો તે ઝેર સમાન છે. તેનાંથી તમારાં બિઝનેસમાં લોસ્ટ જ જવાનો. પીટર જણાવે છે કે , મૂડીવાદ અને સ્પર્ધા બંને એકબીજાનાં વિરોધી છે. મૂડીવાદ નફામાં વધારો કરે છે, અને સ્પર્ધા ઘટાડે છે.
એનું એક જીવંત ઉદાહરણ…
અમેરિકાની એરલાઇન્સ કંપનીઓ કરોડો-અબજો ડોલર રૂપિયા કમાય છે. પણ 2012માં આ કંપનીઓ એ 160 બિલિયન બનાવ્યા. પણ પેસેન્જર દીઠ 37 સેન્ટનો જ નફો કરી શકી હતી. બીજી તરફ વાત કરીયે ગૂગલની, ગૂગલે એ જ વર્ષે 50 બિલિયન ડોલર કમાવ્યા. જેમાંથી 21% નો ચોખ્ખો નફો હતો. જે એરલાઇન્સ કંપનીઓ કરતાં 100 ગણો વધારે હતો.
આવું કેમ થયું ?
કેમ કે, એરલાઇન્સ કંપનીઓ હરીફાઈમાં ઉતરી ગઈ હતી. ટિકિટોનાં ભાવ ઘટાડી દીધાં હતાં. બીજી તરફ ગૂગલ, માર્કેટમાં ઈજારો હોવાથી ધૂમ મચાવતું હતું. આજની તારીખમાં જો અમેરિકાની બઘી એરલાઇન્સ કંપનીઓને ભેગી કરીએ તો પણ તેમનાં કરતાં ગૂગલનો નફો 3 ગણો વધારે છે. કેમ કે,તેની હરીફાઈમાં કોઈ જ આવી શકે તેમ નથી. તેનો ઈજારો છે.
ઇજારાનું ઉદાહરણ,
જો તમને કોઈ ,કઈંક ઇન્ટરનેટ પર સર્ચ કરવાં કહે તો તમે કઈ સાઈટ ખોલવાનાં ? દુકાનમાં જઈને એમ કહો છો કે , ટૂથપેસ્ટ આપો. તો દુકાનદાર કઈ ટૂથપેસ્ટ હાથમાં આપશે ? આ સવાલનો જે તમારો જવાબ છે,તે કંપનીઓ એ માર્કેટમાં ઈજારો જમાવ્યો છે. તેનું આ પરિણામ છે. તમારે તમારી પ્રોડક્ટ્સ કે સર્વિસ માટે ઈજારો કરવો પડશે. કોઈ સ્પર્ધા કરવી નહી. એ જ પ્રોડક્ટ્સ કે સર્વિસમાં સુધારા કરીને પણ તેને યોગ્ય ગુણવત્તા વાળી કરી શકાય, એનાં માટે ભાવ ઘટાડીને હરીફાઈ કરવાની જરૂર ખરી ?
3. નાની અનુકૂળ જગ્યાએથી શરૂઆત કરો, પછી તેનાં પર સંપૂર્ણ અંકુશ મેળવો !
ઍમેઝોન દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ વેબસાઈટ ! જ્યાં લગભગ દરેક વસ્તુ ઓનલાઇન મળી રહે છે. પણ શું એમેઝોને શરૂઆતથી જ દરેક વસ્તુઓનાં વેચાણ સાથે કર દીધી હશે ? ના, શરૂઆતમાં એમેઝોને એક નાનકડી અનુકૂળ જગ્યા/માર્કેટમાં ધ્યાન આપ્યું. “પુસ્તક વાંચનારાઓનું માર્કેટ” ! પહેલાં પુસ્તકો બુકસ્ટોરમાં મળતાં હતાં. જેનાં લીધે કેટલાંક પુસ્તકો માટે તો આમ તેમ ભટકવું પડતું હતું. બુક જે પ્રકાશિત કરતું હતું તેને ખોટનો સામનો કરવો પડતો હતો. પણ પછી એમેઝોને 0 થી 1 ની રણનીતિ અપનાવી. ઓનલાઇન બુકસ્ટોરની શરૂઆત કરી. તેમાં સફળતા મળ્યાં પછી પુસ્તકોને રિલેટેડ વસ્તુઓ જેમ કે, CD-DVD, વગેરેનું ઓનલાઇન વેચાણ શરુ કર્યું. અને હવે બધું તમારી સમક્ષ જ છે.
આજ વાતને બીજાં ઉદાહરણથી સમજીયે તો, ખૂદ પીટર થેલની PayPal કંપનીથી !
શરૂઆતમાં પીટરે એમ નહોતું વિચાર્યું કે, દુનિયાનાં બધાં લોકો તેમની ઓનલાઇન પેમેન્ટ સર્વિસનો યુઝ કરશે. આ માટે તેમણે એક નાનકડી અનુકૂળ જગ્યા પર ધ્યાન આપી શરુઆત કરી, તે “ebay કંપનીનાં યુઝર્સનું માર્કેટ” ! ઈબે કંપનીના યુઝર્સ રોજ જાતભાતની વસ્તુઓ ખરીદતાં-વેચતાં, અને ચુકવણી માટે ચેકનો ઉપયોગ કરતાં. પીટરે આ યુઝર્સ માટે એક ઓનલાઇન પેમેન્ટ સર્વિસ શરુ કરી, PayPal ! જેનાંથી યુઝર્સનું કામ ખુબ જ સરળ થઇ ગયું . રકમ પણ તરત જ મળી જતી. હવે, તેનાં માટે 1-2 દિવસની રાહ નહોતી જોવી પડતી. અને પછી ધીમે ધીમે નાનકડી અનુકૂળ જગ્યાએથી શરૂઆત કરી પીટરે તેનાં પર પોતાનો અંકુશ મેળવ્યો. આજે PayPal બિલિયન ડોલર્સની કંપની છે.
જો તમારે શરૂઆત કરવી હોય તો એક નાનકડી જગ્યાએ થી કરો,0 to 1 જાઓ, અને પછી તે માર્કેટમાં પોતાનો અંકુશ જમાવો. ઈજારો ઉભો કરો, સ્પર્ધા નહીં!
મોટાં તળાવની નાની માછલી,જેને તેનાંથી મોટી માછલીઓ ખાઈ જાય, તે બનવું તેનાં કરતાં નાના તળાવની મોટી માછલી બનવું સારું,અને ત્યાર બાદ મોટા તળાવ તરફ જાઓ એ સારું !
પૂર્ણવિરામ.
પીટર થેલ, PayPal કંપનીનાં સ્થાપક અને CEO ! 2014માં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે, કરોડોનાં બિઝનેસ ની શરૂઆત માટે પાયાનાં સિદ્ધાંતો જણાવ્યાં હતાં. આ દરમિયાન બ્લેક માસ્ટર્સ નામનાં એક વિદ્યાર્થીએ આ ભાષણને સાંભળતા સાંભળતા ભાષણની મસ્ત એક નોટ્સ બનાવી. આ નોટ્સ લોકોને એટલી ગમી,અને કામે લાગી કે તે કોલેજની બહાર પણ ફેલાવા માંડી. થોડાંક જ દિવસો બાદ પીટરે બ્લેક માસ્ટર્સ સાથે મળીને આ નોટ્સમાં સુધારા કરીને એક બુક રૂપે પ્રકાશિત કરી, જેનું નામ “Zero to One: Notes on Startups, or How to Build the Future“. ( આ લિંક પર જઈ તમે ડાયરેક્ટ આ બુક એમેઝોન પરથી ખરીદી શકો છો .)
Very helpful think