ફિલ્મ ‘ટર્મિનેટર’માં એક ડાયલોગ છે જે ભવિષ્યની ડરામણી તસ્વીર બતાવે છે, જ્યાં મશીનો માનવજાત પર હાવી થઈ જાય છે. પણ ધારો કે એ જ મશીનો આપણા ગુલામ બની જાય તો? આપણને દરેક સવાલનો જવાબ આપે, કવિતા લખી આપે, બિઝનેસ પ્લાન બનાવી આપે અને ખેતીથી લઈને મેડિકલ સાયન્સ સુધી ક્રાંતિ લાવી દે તો? આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની પટકથા નથી, બોસ, આ આજના સમયની વાસ્તવિકતા છે.
તાજેતરમાં, આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં એક જોરદાર માંગણી કરી: ChatGPT, Gemini અને Claude જેવા એડવાન્સ્ડ AI ટૂલ્સનું subscription દરેક ભારતીયને મફત મળવું જોઈએ. એમનો તર્ક સીધો અને સટ છે: જો ભારતે આવનારા સમયમાં દુનિયા સાથે કદમ મિલાવવા હોય, તો આ ટેકનોલોજીનો લાભ ૧૪૦ કરોડ લોકો સુધી પહોંચાડવો જ રહ્યો. આ એક એવો વિચાર છે જે ડિજિટલ લોકશાહી (digital democracy) ના દરવાજા ખોલી નાખે છે. પણ સવાલ એ છે કે દરેક હાથમાં બ્રહ્માસ્ત્ર આપી દેવાથી શું ખરેખર યુદ્ધ જીતી શકાય? કે પછી એ ભસ્માસુરના વરદાન જેવું સાબિત થાય, જે ખુદને જ ભસ્મ કરી નાખે?
ચાલો, આ આધુનિક ‘સમુદ્ર મંથન’ને જરા ઊંડાણથી સમજીએ.
વરદાન: અમૃતકુંભ કે જ્ઞાનનો ખજાનો?
રાઘવ ચઢ્ઢાની દલીલને આપણે પૌરાણિક કથાના ‘વરદાન’ના રૂપમાં જોઈએ. દેવોએ અને દાનવોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યું હતું, તેમ આજે માનવજાતે ટેકનોલોજીનું મંથન કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રૂપી રત્ન બહાર કાઢ્યું છે. આ રત્ન અમૃતની જેમ જ પ્રોડક્ટિવિટી અને પ્રગતિના અનંત દરવાજા ખોલી શકે છે.
ચઢ્ઢાનું વિઝન એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે AI એ $15 ટ્રિલિયનની ઇન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે અને UAE કે સિંગાપોર જેવા દેશો આ દિશામાં હરણફાળ ભરી રહ્યા છે, તો આપણે પાછળ કેમ રહીએ? એક સામાન્ય ખેડૂત AI પાસે પાક વિશે સલાહ માંગી શકે, એક વિદ્યાર્થી ગણિતના અઘરા દાખલાનો ઉકેલ મેળવી શકે, અને એક નાનો વેપારી માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી શકે. આ તો સીધો હિસાબ છે. જ્ઞાન જે પહેલાં અમુક લોકોની જાગીર હતું, તે હવે ‘સર્વજન હિતાય’ બની શકે છે. આ ખરેખર એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ગાંધીજીએ જેમ ‘સર્વોદય’ની કલ્પના કરી હતી, તેમ આ ‘ડિજિટલ સર્વોદય’નો વિચાર છે, જ્યાં ટેકનોલોજીનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે.
જો દરેક વ્યક્તિના હાથમાં આવું શક્તિશાળી સાધન હોય, તો પરંપરાગત ઢાંચાઓ તૂટી શકે છે અને નવીનતાને પ્રોત્સાહન મળી શકે છે.
શ્રાપ: બુદ્ધિ પર કાપ અને હકીકતનો માયાવી રાક્ષસ
પણ દરેક સમુદ્રમંથનમાંથી માત્ર અમૃત જ નથી નીકળતું, હળાહળ વિષ પણ નીકળે છે. એ વિષને પીવા માટે શિવ જેવી ક્ષમતા અને પ્રજ્ઞા જોઈએ. AIના આ અમૃતકુંભ સાથે પણ કેટલાક ગંભીર શ્રાપ જોડાયેલા છે, જેની અવગણના કરવી આપણને ભારે પડી શકે છે.
ક્રિએટિવિટી અને ક્રિટિકલ થીંકીંગનું ધોવાણ !
સૌથી મોટો ખતરો આપણી બૌદ્ધિક આળસનો છે. જો દરેક સવાલનો જવાબ, દરેક કવિતા અને દરેક નિબંધ AI એક સેકન્ડમાં તૈયાર કરી આપતું હોય, તો મગજ કસરત કરવાનું જ બંધ કરી દેશે. વિદ્યાર્થીઓ રિસર્ચ અને એનાલિસિસ જેવી મૂળભૂત પ્રક્રિયાઓમાંથી પસાર થયા વગર જ અસાઇનમેન્ટ પૂરા કરી દેશે. આ તો એના જેવું થયું કે કેલ્ક્યુલેટરના ભરોસે આપણે ઘડિયા જ ભૂલી જઈએ. આપણી તર્ક શક્તિ અને સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતા પર કાપ લાગી જશે, જે કોઈ પણ રાષ્ટ્રના ભવિષ્ય માટે ઘાતક છે. આ એક એવો શ્રાપ છે જે આપણને હોશિયાર બનાવવાને બદલે બુદ્ધિના બારદાન બનાવી શકે છે.
પરાધીનતા અને માહિતીનો ભ્રમ:
આ સાધનો પરની અતિશય નિર્ભરતા આપણને માનસિક રીતે પરાધીન બનાવી શકે છે. કોઈ પણ જટિલ મુદ્દા પર જાતે વિચારવાને બદલે “AI ને પૂછી લઈએ” એવો અભિગમ વિકસે છે. વળી, AI મોડેલ્સ ક્યારેક “hallucinate” કરે છે, એટલે કે આત્મવિશ્વાસ સાથે ખોટી માહિતી, ખોટા તથ્યો અને બનાવટી સ્ત્રોત રજૂ કરે છે. જો લોકોમાં પૂરતી ડિજિટલ સાક્ષરતા ન હોય, તો આ ટૂલ્સ અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવાનું સુપર-પ્રચારક-ટૂલ બની શકે છે. આ એક એવો માયાવી રાક્ષસ છે જે સત્યના વેશમાં આવીને આપણને ગેરમાર્ગે દોરી શકે છે.
નોકરીઓ પર સંકટ અને સામાજિક ભેદભાવ:
જે કામ કરવા માટે આજે વ્હાઇટ-કોલર પ્રોફેશનલ્સને વર્ષોની ટ્રેનિંગ લેવી પડે છે, તે કામ AI મિનિટોમાં કરી શકે છે. કન્ટેન્ટ ક્રિએશન, કસ્ટમર સર્વિસ, ડેટા એનાલિસિસ જેવા અનેક ક્ષેત્રોમાં નોકરીઓનું સંકટ ઘેરાઈ શકે છે. જે AIને આપણે વિશ્વકર્માનું આધુનિક સ્વરૂપ માની રહ્યા છીએ, તે જ માનવ કારીગરો અને બુદ્ધિજીવીઓને બેરોજગાર બનાવી શકે છે. આ ઉપરાંત, AI સિસ્ટમ માનવ દ્વારા બનાવેલા ડેટામાંથી શીખે છે, આથી તે સમાજમાં રહેલા જાતિ, લિંગ અને સાંસ્કૃતિક ભેદભાવોને વધુ મજબૂત બનાવી શકે છે.
શબ્દોત્સવ:
આ આખી ચર્ચા મને ફિલ્મ ‘જુરાસિક પાર્ક’નો એક અમર સંવાદ યાદ અપાવે છે. જ્યારે પાર્કના માલિક વૈજ્ઞાનિકોની ડાયનાસોર બનાવવાની ક્ષમતાના ગર્વથી વખાણ કરે છે, ત્યારે ગણિતશાસ્ત્રી ડૉ. ઇયાન માલ્કમ શાંતિથી પણ સણસણતો જવાબ આપે છે:
“Your scientists were so preoccupied with whether or not they could, they didn’t stop to think if they should.”
AIનું વરદાન આપણા હાથમાં છે. આપણે તેને બનાવી શકીએ છીએ, એ નક્કી છે. પણ શું આપણે તેને સમજદારી અને વિવેકબુદ્ધિથી વાપરી શકીશું? આ પ્રશ્નનો જવાબ જ આવનારા સમયમાં નક્કી કરશે કે આ મંથનમાંથી નીકળેલું રત્ન અમૃત સાબિત થશે કે હળાહળ.
