જય થડેશ્વર કોણ છે ?

જય થડેશ્વર કોણ છે ?

હજારો વર્ષો પહેલા બૃહદારણ્યક ઉપનિષદમાં (૨.૪.૫) ઋષિ યાજ્ઞવલ્ક્યે પોતાની પત્ની મૈત્રેયીને જીવનનો અલ્ટીમેટ સિક્રેટ સમજાવતા એક ગૂઢ મંત્ર આપ્યો હતો:

न वा अरे पत्युः कामाय पतिः प्रियो भवति, आत्मनस्तु कामाय पतिः प्रियो भवति ।

અર્થાત, જગતમાં આપણને કંઈ પણ પ્રિય લાગે, પછી એ સંબંધ હોય કે સંપત્તિ; તે તેના ગુણોને કારણે નહીં, પણ આપણા ‘આત્મા’(Self) સાથેના તેના જોડાણને કારણે પ્રિય છે.

સરળ શબ્દોમાં, જો તમે સામેવાળી વ્યક્તિના હિતને પોતાનું હિત ન માની શકો, તો તમે માત્ર ‘ટ્રાન્ઝેક્શન’ જ કરી રહ્યા છો, સંબંધ નથી બનાવી રહ્યા.

અને આ જ ફિલોસોફીને ૨૧મી સદીના માર્કેટિંગમાં વણી લેનાર એક યુવાન એટલે : જય થડેશ્વર.


જયનો જન્મ જૂનાગઢમાં થયો, પણ ચોથા ધોરણમાં હતા ત્યારે પરિવાર સુરત શિફ્ટ થયો. આ એ સમય હતો જ્યારે ‘સ્ટ્રગલ’ માત્ર શબ્દ નહોતો, રોજિંદી વાસ્તવિકતા હતી. અત્યંત આર્થિક સંકડામણ વચ્ચે જયે પોતાની માતાને દિવસના ૧૮-૧૮ કલાક કાળી મજૂરી કરતા જોઈ છે. અહીં ઉપનિષદનો પેલો મંત્ર એક અલગ ઊંચાઈ પર સાકાર થાય છે. માતા માટે એ મજૂરી બોજ નહોતી, કારણ કે એમાં એમના પુત્રનું (જે એમનો જ આત્મા છે) ભવિષ્ય સમાયેલું હતું.

બન્ને ભાઈઓ મમ્મીને મદદ કરવા નાના-મોટા કામ કરતા, છતાં મહિને માંડ ૯૦૦-૧૦૦૦ રૂપિયા ભેગા થતા. ભણવામાં પાવરધા હોવા છતાં ગરીબી એવી હતી કે સગા-સંબંધીઓની સહાય વગર આગળ વધવું અશક્ય હતું. પણ કહેવાય છે ને કે ‘Darwin meets divinity’ – જેની અંદર સર્વાઈવલની ભૂખ હોય એને કુદરત રસ્તો કરી આપે છે.

જય આજે પણ ગર્વથી કહે છે, “મને જે કંઈ આવડે છે એ કાંતો મારી માતાએ શીખવ્યું છે અથવા મારી જિજ્ઞાસાએ.”


દસમા ધોરણમાં જયે રાજ્યકક્ષાએ રેન્ક મેળવ્યો. ઈનામમાં ટ્યુશન ક્લાસીસ તરફથી એક એક્ટિવા મળ્યું. ટોપ કોલેજમાં એડમિશન પણ મળ્યું, પણ ત્યાંનો માહોલ હાઈફાઈ હતો. જ્યારે ક્લાસમેટ્સ મોજશોખ અને પાર્ટીઓમાં વ્યસ્ત હતા, ત્યારે જયે એક બોલ્ડ ડિસિઝન લીધું. એમણે પેલું ટ્યુશન ક્લાસીસ તરફથી મળેલું એક્ટિવા વેચી દીધું અને એ રૂપિયામાંથી પોતાનું પહેલું કમ્પ્યુટર ખરીદ્યું.

આ એમના જીવનનો સૌથી મોટો ‘ટર્નિંગ પોઈન્ટ’ હતો. કમ્પ્યુટર મળ્યું એટલે જાણે આખી દુનિયા એમના હાથમાં આવી ગઈ. ફ્રીલાન્સિંગ કરતાં કરતાં જે શીખ્યા, એના આધારે જોબ્સ કરી અને પછી પોતાની એજન્સીનો પાયો નાખ્યો. ૨૦૧૫માં જ્યારે મુંબઈમાં કામ શરૂ કર્યું, ત્યારે વિઝન ક્લિયર હતું:

Be in the Top 3, or find something else.”

પરિણામ? બિઝનેસ શરૂ કર્યાના પ્રથમ ૬ મહિનામાં જ ટર્નઓવર ૮ ફિગર્સ (કરોડોમાં) પર પહોંચી ગયું! ૨૩ વર્ષની ઉંમરે જ્યારે આટલી મોટી આવક થઈ ત્યારે એક ક્ષણ માટે તો જય પોતે પણ સ્તબ્ધ થઈ ગયા કે આટલી બધી રકમનું કરવું શું? પણ પછી ધીરે ધીરે ટીમ મોટી થતી ગઈ અને આજે ૧૨૦થી વધુ લોકોની ટીમ અમદાવાદ, મુંબઈ અને ઇન્દોરમાંથી ગ્લોબલ ઓપરેશન ચલાવે છે.


આજે જય થડેશ્વર ગુજરાતના ‘નંબર ૧ પોડકાસ્ટર’ છે. જ્યારે તેઓ ડેપ્યુટી CM થી માંડીને ગ્લોબલ બિલ્યનેર્સ સાથે વાત કરે છે, ત્યારે સાંભળનારને લાગે છે કે “અરે, આ તો મારો જ સવાલ છે!” આ જ તો છે કનેક્શનની કરામાત. ૫૦ કરોડથી વધુ વ્યુઝ એ માત્ર આંકડો નથી, પણ લોકોના ‘સ્વ’ સાથે જોડાયેલું એક એવું પ્રતિબિંબ છે જ્યાં સામાન્ય માણસને પોતાની વાત સંભળાય છે.

તેમની પહોંચ આજે ૨૭ દેશો સુધી વિસ્તરી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, તાઇવાન અને UAE જેવી ગવર્મેન્ટ્સ માટે તેમણે ‘ક્રાયસિસ મેનેજમેન્ટ’ અને ‘સ્ટ્રેટેજિક કૉમ્યૂનિકેશન’ પર કામ કર્યું છે. છતાં, પગ હજુ પણ જમીન પર છે. પોતે જે આર્થિક સંકડામણમાંથી બહાર આવ્યા એ ભૂલ્યા નથી, એટલે જ આજે આર્થિક રીતે નબળા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓની મદદ માટે તેઓ સતત સક્રિય રહે છે.


ઉપનિષદ કહે છે કે ‘બધું સ્વ માટે પ્રિય છે.’ જય થડેશ્વરે એ સાબિત કર્યું કે તમારો ‘સ્વ’ (Self) ત્યારે જ વિરાટ બને છે જ્યારે તમે બીજાના મનનો સવાલ બનીને એમના જીવનમાં ‘વેલ્યુ’ એડ કરો છો. યાદ રાખજો, જે લોકોના દિલ જીતી શકે છે, તે જ સાચો ‘કોર્પોરેટ વિજેતા’ છે!

મને ગુજરાતી ભાષા અને ગુજરાત પ્રત્યે અખૂટ પ્રેમ છે. બીજી બધી ભાષાઓમાં કામ કરી શકું તેમ હોવા છતાં, હું ગુજરાતીને ક્યારેય નહીં છોડું. ગુજરાતી મારી મા છે અને હું માને છોડી દઉં એવો દીકરો નથી. આજીવન મારી મા, મારી ભાષા ગુજરાતી અને મારી જન્મભૂમિ ગુજરાતની સેવા કરતો રહીશ અને આ ત્રણેયની પ્રતિષ્ઠા વધે એ માટે દિવસ-રાત મહેનત કરતો રહીશ. – જય થડેશ્વર

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *