મહિતલ
ગુજરાતી ભાષામાં એક શબ્દ છે: ‘મહિતલ’. શબ્દકોશ ખોલીને જુઓ તો એનો અર્થ થાય છે: પૃથ્વીનું તળ, જમીનની સપાટી. હવે એક બીજું નામ જુઓ: મિત્તલ.
આ બંને શબ્દોને કદાચ થોડાક બંધબેસતા પ્રાસ સિવાય કાંઈ લેવાદેવા નથી, પણ એક ગજબનો ‘કો-ઈન્સિડન્સ’ છે. કારણ કે ગુજરાતના ઈતિહાસમાં આજે એક એવી વ્યક્તિ છે ; જેનું આખું અસ્તિત્વ આ ‘મહિતલ’ એટલે કે સાવ ગ્રાઉન્ડ લેવલ સાથે આટલું સજ્જડ રીતે જોડાયેલું હોય. જ્યારે મોટાભાગના લોકો ‘સ્કાય-હાઈ’ સફળતાના સપના જોતા હોય છે, ત્યારે આ મહિલાએ પોતાની નજર અને નિયત બંને ‘જમીન’ પર રાખી છે.
આજે વાત કરવી છે એક એવી મહિલાની જેણે અદ્રશ્ય લોકોને દૃશ્યમાન કર્યા. જેણે પવનની જેમ ભટકતા વિચરતા સમુદાયોને લોકશાહીના ચોપડે ‘કાયમી સરનામું’ અપાવ્યું. હા, વાત છે મિત્તલ પટેલની. જેમની ૪૫મા જન્મદિવસ પર, ચાલો એક એવી સફરે જઈએ જે સાબિત કરે છે કે સાચો પાવર ગાંધીનગરની ગાદીમાં નહીં, પણ બનાસકાંઠાના ધૂળિયા રસ્તાઓ પર છે.
2x આઈએએસ (IAS) ઓફિસર નહીં, પણ ‘સિસ્ટમ હેકર’
વાર્તાની શરૂઆત થાય છે ૧૩ જાન્યુઆરી, ૧૯૮૧ના રોજ મહેસાણાના શંખલપુર ગામમાં. મિત્તલબેનનું સપનું હતું કલેક્ટર બનવાનું, આઈએએસ (IAS) ઓફિસર બનીને સિસ્ટમ સુધારવાનું. પણ કહેવાય છે ને કે ક્યારેક જીવન તમને ત્યાં લઈ જાય છે જ્યાં તમારી સૌથી વધુ જરૂર હોય છે.
વર્ષ ૨૦૦૪-૦૫માં ‘ચરખા ફેલોશિપ’ અંતર્ગત તેઓ દક્ષિણ ગુજરાતમાં શેરડી કામદારોની સ્થિતિ જાણવા ગયા. ત્યાં તેમણે જે જોયું, તેણે તેમનું આખું અસ્તિત્વ હચમચાવી નાખ્યું. પ્રસૂતિના કલાકોમાં જ માતાઓ ખેતરમાં મજૂરી કરવા જતી હતી, કેમિકલવાળું પાણી પીતી હતી. મિત્તલબેને જોયું કે બ્યુરોક્રેસી (સરકારી તંત્ર) પાસે પાવર છે, પણ ઈચ્છાશક્તિનો અભાવ છે. બસ, ત્યાંથી જ આઈએએસ બનવાનું સપનું તૂટ્યું અને એક ‘સોશિયલ એન્જિનિયર’નો જન્મ થયો. તેમણે નક્કી કર્યું કે હવે સિસ્ટમનો ભાગ નથી બનવું, પણ બહાર રહીને સિસ્ટમને ‘ફોર્સ’ કરવી છે.
ધ ગ્રેટેસ્ટ મેજિક ટ્રિક: ‘વી ઓલ્સો એક્ઝિસ્ટ’ (અમે પણ છીએ)
તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ઓળખ શું? આધાર કાર્ડ? વોટર આઈડી? વિચરતી વિમુક્ત જાતિઓ (Nomadic & Denotified Tribes) માટે આ એક વિષચક્ર હતું:
- રેશનકાર્ડ, મતદારકા જોઈએ? તો રહેઠાણનો પુરાવો લાવો.
- રહેઠાણનો પુરાવો ક્યાંથી લાવે? તેઓ તો સતત ભટકતા રહે.
આ તો ‘મરઘી પહેલા કે ઈંડું?’ જેવો અટપટો સરકારી કોયડો હતો. મિત્તલ પટેલે અને તેમની સંસ્થા ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ (VSSM) એ માત્ર સેવા ન કરી, પણ સંવિધાનનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો. તેમણે સરકારને કહ્યું કે આ લોકો ‘ગુનેગાર’ નથી (જેવો બ્રિટિશરોનો ૧૮૭૧નો કાયદો માનતો હતો), પણ આ દેશના ભૂલાયેલા નાગરિકો છે.
પરિણામ?
એક જબરદસ્ત ઝુંબેશ ચાલી. જે લોકોના અસ્તિત્વની કોઈ નોંધ નહોતી, તેવા 7.5 લાખ લોકોને ‘વોટર આઈડી’ મળ્યા.. જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં વોટર આઈડી આવે છે ને, મિત્રો, ત્યારે તે માત્ર કાગળનો ટુકડો નથી હોતો, તે સ્ટેટમેન્ટ હોય છે કે “હું પણ આ લોકશાહીનો હિસ્સેદાર છું.” પહેલા જે નેતાઓ આ વાડાઓ (વસાહતો) તરફ જોતા પણ નહોતા, તે વોટ બેંક ઉભી થતા જ ત્યાં પાણી અને રોડની વાતો કરવા લાગ્યા. આને કહેવાય ‘પોલિટિકલ એમ્પાવરમેન્ટ’.
એમના પ્રયત્નોથી ગુજરાતમાં વિચરતી જાતિઓ માટે અનેક કલ્યાણકારી યોજના બની. ભારત સરકારમાં પણ એમણે આ સમુદાયોની સ્થિતિની વાત પહોંચાડી ને ત્યાં પણ કલ્યાણકારી બોર્ડ આ સમુદાયો માટે આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું. (8)
વાડિયાનું પરિવર્તન: જિદ, જોખમ અને જીત
મિત્તલ પટેલની કરિયરનું સૌથી સાહસિક પ્રકરણ એટલે ‘વાડિયા’ ગામ. બનાસકાંઠાનું એક એવું ગામ જેને દુનિયા ‘ગણિકાઓના ગામ’ તરીકે ઓળખતી હતી. અહીં સરાણિયા સમુદાયની દીકરીઓને દેહવ્યાપારમાં ધકેલવી એ પરંપરા બની ગઈ હતી.
અહીં મિત્તલબેને પરંપરાગત NGO વાળી ‘રેડ અને રેસ્ક્યુ’ (Raid and Rescue) સ્ટાઈલ ન અપનાવી. તેમણે સમાજની નાડ પારખી. તેમને ખબર પડી કે જો દીકરીની સગાઈ કે લગ્ન થઈ જાય, તો તેને દેહવ્યાપારમાં નથી ધકેલાતી. બસ, આ ‘અલખિત નિયમ’ (Unwritten Code) ને તેમણે પકડ્યો.
૨૦૧૨માં તેમણે એક ઐતિહાસિક સમૂહલગ્નનું આયોજન કર્યું. આ કોઈ સામાન્ય લગ્ન નહોતા. આ એક યુદ્ધ હતું. દલાલો અને વર્ષો જૂની કુપ્રથા સામે. તે દિવસે ૮ દીકરીઓના લગ્ન અને ૧૨ની સગાઈ કરાવીને તેમણે ૨૦ જિંદગીઓને નરકમાંથી બચાવી લીધી.આ કામ સહેલું નહોતું; તેમને મારી નાખવાની ધમકીઓ મળી, ખુદ મુખ્યમંત્રી શ્રી(નરેન્દ્રમોદી) ના કાર્યાલય સુધી વાત પહોંચી અને સુરક્ષા પૂરી પાડવી પડી.
પણ તે ડગ્યા નહીં. આ ઘટનાએ સાબિત કર્યું કે પરિવર્તન ડંડાથી નહીં, પણ સંવેદના અને સ્ટ્રેટેજીથી આવે છે. હવે તો દર વર્ષે આ ગામની દિકરીઓ પરણે છે. ત્યાંની દીકરીઓ એમના દ્વારા ચાલતી હોસ્ટેલમાં ભણી તેજસ્વી કાર્યકીર્દી ઘડી રહી છે.
વોટર ડિપ્લોમસી: પાણીથી પુલ બાંધવા
વિચરતી જાતિઓને ગામોમાં વસાવવી એ પણ કાયમી ધોરણે મુશ્કેલ લાગતું હતું. ઘણા ગામો આ પરિવારોને પોતાના ગામમાં અપનાવે. મિત્તલ પટેલનો અભિગમ સમાજના સ્ટેક હોલ્ડર એવા ગામોના મુખ્યકર્તા હર્તા આ કાર્યમાં સાથે જોડાય તેવો. એ માટે શું કરવું તે વિચાર ચાલતો હતો ત્યાં બનાસકાંઠા, પાટણમાં પૂર આવ્યું ને એમણે પાણીને વાતચીતનું માધ્યમ બનાવવાનું નક્કી કર્યું.
જો કે એ પછી તો ઉત્તર ગુજરાતની ભૂગર્ભજળની સ્થિતિનો અભ્યાસ કર્યો ને જળસંચયના કાર્યો કરવા પડશેનું એમને લાગ્યું. મિત્તલ પટેલે અહીં ‘વોટર મેનેજમેન્ટ’ને એક સામાજિક હથિયાર બનાવ્યું. અને એના કારણે આજે અનેક ગામોમાં આ પરિવારોનો કાયમી વસવાટ શક્ય બન્યો. આ એક માસ્ટરસ્ટ્રોક હતો.
ગામને પાણી મળ્યું, ખેડૂતોને કાંપ મળ્યો, અને વિચરતી જાતિઓને સન્માન મળ્યું. પર્યાવરણ અને સામાજિક ન્યાયનો આવો સંગમ ભાગ્યે જ જોવા મળે છે. ૨૦૧૫ થી અત્યાર સુધીમાં 385 જેટલા તળાવો જેને તેઓ જલમંદિર કહે તેનું નિર્માણ – તળાવ ઊંડા કર્યા. સાથે જ 20.50 લાખ વૃક્ષો 300 થી વધારે ગ્રામવનમાં તેમની સંસ્થા અને ગ્રામજનોની ભાગીદારીથી ઉછરી રહ્યા છે. આજે જ્યારે મિત્તલ પટેલ ૪૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આપણે કોઈ સેલિબ્રિટીને નહીં, પણ એક જીવંત દંતકથાને વધાવી રહ્યા છીએ. તેમણે આપણને શીખવ્યું છે કે: શિક્ષણ માત્ર ડિગ્રી માટે નથી, પણ અવાજ વગરના લોકોનો અવાજ બનવા માટે છે.
૨૦૧૭માં રાષ્ટ્રપતિ દ્વારા ‘નારી શક્તિ પુરસ્કાર’ મળ્યો એ તો માત્ર એક પ્રસંગ હતો, પણ ખરો એવોર્ડ તો એ હજારો લોકોના આશીર્વાદ છે જેમને આજે રાત્રે પોલીસ પકડી જશેનો ભય નથી.
ગુજરાતના ઈતિહાસમાં મિત્તલ પટેલનું નામ એટલે સુવર્ણ અક્ષરે લખાશે કારણ કે તેમણે ‘વાઈબ્રન્ટ ગુજરાત’ના ચમકતા પડદા પાછળ રહેલા અંધારા ખૂણાઓને રોશન કર્યા છે. જન્મદિવસની મબલક શુબકામનાઓ , મિત્તલબેન! તમારી આ સફર અવિરત રહે, કારણ કે હજુ પણ ઘણા રસ્તાઓ છે જેમને સરનામું મળવાનું બાકી છે.
શબ્દોત્સવ
“રેશનકાર્ડ વગર અનાજ નથી, ઘર વગર પાણી નથી, અને વોટર આઈડી વગર અસ્તિત્વ નથી. લોકશાહીમાં કાગળનો ટુકડો જ માણસનું હોવાપણું સાબિત કરે છે, અને મિત્તલ પટેલે લાખો લોકોને એ સાબિતી આપી છે.”

