કદી વિચાર્યું છે કે આપણા બાપ-દાદાઓ વગર કોઈ ‘વે પ્રોટીન’ના ડબ્બા ખોલીને કેમ ‘ફૌલાદ કી ઔલાદ’ જેવા રહેતા હતા? અને આજે આપણે? જીમમાં પરસેવાની નદીઓ વહાવીને પણ મોંઘા સપ્લીમેન્ટ્સના સહારે કેમ જીવવું પડે છે? આ સવાલનો જવાબ કોઈ ડાયટ ચાર્ટમાં નથી, પણ ઈતિહાસના એ પાનામાં છે જે અંગ્રેજોએ પોતાના ફાયદા માટે લખ્યું અને આપણી ભૂખ માટે ફાડી નાખ્યું. આ કોઈ હેલ્થ-ટિપ નથી, ભાઈ, આ તો એક ‘હિસ્ટોરિકલ હેઇસ્ટ’ (historical heist) ની કહાની છે!
આખી ગેમનું એકાઉન્ટિંગ સમજીએ તો, અંગ્રેજો આવ્યા એ પહેલાં ભારતનું ‘ન્યુટ્રિશનલ બેલેન્સશીટ’ એકદમ ટેલી હતું. આપણા ખેતરોમાં દાળ, જુવાર, બાજરી જેવા પ્રોટીનના ‘અસ્કયામત’ લહેરાતા હતા. દરેક થાળી એક ‘સેલ્ફ-સફિશિયન્ટ’ યુનિટ હતી, જેમાં કાર્બ્સ અને પ્રોટીનનું પરફેક્ટ ‘જોઈન્ટ વેન્ચર’ હતું. ખેતી લોકોનું પેટ ભરવા માટે થતી, અંગ્રેજોની તિજોરી ભરવા માટે નહીં.
પણ પછી આવ્યો ૧૭૫૭નો એ ગોઝારો દિવસ. પ્લાસીના યુદ્ધ પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વેપારીના વેશમાં રહેલા વરુની જેમ ભારત પર શાસનનો પંજો નાખ્યો. એમનો ‘બિઝનેસ પ્લાન’ એકદમ સિમ્પલ હતો: ભારતમાંથી મેક્સિમમ પ્રોફિટ. આ પ્રોફિટની ભૂખે આપણી થાળી પર એવી ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી કે આપણું પ્રોટીનનું આખું માળખું જ ભાંગી પડ્યું.
અંગ્રેજોએ આપણા ખેડૂતોને ‘ફોર્સ્ડ પાર્ટનરશીપ’માં ઉતાર્યા. દાળ-કઠોળ જેવા પૌષ્ટિક પાકોને બદલે કપાસ, ગળી અને અફીણ જેવા ‘કેશ ક્રોપ્સ’ ઉગાડવા મજબૂર કર્યા. આંકડાઓ તો રીતસરના ચોંકાવનારા છે: ૧૮૯૩થી ૧૯૪૬ વચ્ચે, અંગ્રેજોના ફાયદા માટે રોકડિયા પાકોના ઉત્પાદનમાં સીધો ૮૫%નો ઉછાળો આવ્યો, જ્યારે આપણું પેટ ભરનારા ખાદ્ય પાકોનું ઉત્પાદન ૭% ઘટી ગયું! આ તો જાણે આપણા જ ઘરમાંથી અનાજ લૂંટીને આપણને જ ભૂખ્યા મારવાનો ખેલ હતો.
આની સીધી અસર આપણી થાળી પર થઈ. જે ખેતરોમાં પ્રોટીન ઉગતું હતું, ત્યાં હવે ઈંગ્લેન્ડના ઉદ્યોગો માટેનો કાચો માલ ઉગતો હતો. પરિણામે, આપણો આહાર ધીમે ધીમે ‘કાર્બ-બેઝ્ડ’ બની ગયો. દાળ અને દૂધ-દહીં જેવી વસ્તુઓ આમ આદમી માટે ‘લક્ઝરી આઈટમ’ બની ગઈ. ઉપરથી જમીનદારી પ્રથાના નામે એવા તોતિંગ કર નાખ્યા કે ખેડૂત કર ચૂકવવા માટે દેવાના ડુંગર નીચે દબાઈ ગયો. જે દેશ સોનાની ચકલી કહેવાતો હતો, ત્યાં બે ટંકની રોટલી પણ મોંઘી થઈ ગઈ.
આ શોષણનું સૌથી ભયાનક અને શરમજનક પ્રકરણ એટલે ૧૯૪૩નો બંગાળનો દુકાળ. વાચક બિરાદર, આ કોઈ કુદરતી આફત નહોતી, આ એક માનવસર્જિત હત્યાકાંડ હતો. એક તરફ બંગાળમાં ૩૦ લાખથી વધુ લોકો ભૂખથી ટળવળીને મરી રહ્યા હતા, અને બીજી તરફ, વિન્સ્ટન ચર્ચિલ જેવા ‘હીરો’ ગણાતા અંગ્રેજ શાસકો પોતાની સેના માટે ભારતમાંથી જહાજો ભરી-ભરીને અનાજ વિદેશ મોકલી રહ્યા હતા! આનાથી મોટી નૈતિક નાદારી (moral bankruptcy) કઈ હોઈ શકે?
આઝાદી પછી પણ આ ‘હિસ્ટોરિકલ ડેબ્ટ’ (historical debt) આપણો પીછો છોડી શક્યું નહીં. હરિયાળી ક્રાંતિએ ઘઉં અને ચોખાનું ઉત્પાદન તો વધાર્યું, પણ દાળ અને બાજરી જેવા પ્રોટીનના પાવરહાઉસ પાકો હાંસિયામાં જ ધકેલાઈ ગયા. મતલબ, અંગ્રેજોએ જે ‘કાર્બ-હેવી’ ડાયટનો પાયો નાખ્યો હતો, આપણે અજાણતા જ એના પર ‘બાંધકામ’ ચાલુ રાખ્યું.
અને આજે? આજે એ જ ઐતિહાસિક ભૂખમરામાંથી એક નવો ઉદ્યોગ જન્મ્યો છે: પ્રોટીન સપ્લીમેન્ટ્સનો. ૨૦૨૪માં લગભગ ₹૩૮,૨૪૭ કરોડનું આ માર્કેટ એ વાતની સાબિતી છે કે આપણી થાળીમાં હજી પણ પ્રોટીનની ખાલી જગ્યા છે. પણ ટ્રેજેડી તો જુઓ! એક અભ્યાસ કહે છે કે ભારતમાં વેચાતા ૭૦% સપ્લીમેન્ટ્સ તો મિસલેબલ્ડ (mislabelled) હોય છે, જેમાં પ્રોટીન ઓછું અને ભેળસેળ વધુ હોય છે. ૧૪% માં તો હાનિકારક ફંગલ ટોક્સિન અને ૮% માં જંતુનાશકોના અવશેષો પણ મળ્યા! મતલબ, જે ઐતિહાસિક શોષણમાંથી બચવા આપણે ડબ્બા ખોલી રહ્યા છીએ, એ ડબ્બા પણ આપણને છેતરી રહ્યા છે.
ફાસ્ટ ફોરવર્ડ
આપણી થાળીમાં પ્રોટીનની કમી એ કોઈ ડાયટની ભૂલ નથી, પણ ઇતિહાસે આપેલો એવો ઘા છે જે આજે પણ રૂઝાયો નથી. આપણી આજની હેલ્થ-ઇન્ડસ્ટ્રી એ જ ઐતિહાસિક ગુલામીનું વ્યાજ ચૂકવી રહી છે, જેનો મુદ્દલ અંગ્રેજો લઈ ગયા.