પ્રતાપ સિંહ, મહારાણા પ્રતાપ તરીકે જાણીતા છે. તેઓ મેવાડના 13માં મહારાણા હતા . જેઓ મુગલ સામ્રાજ્ય સામે તેમની બહાદુરી અને ઉત્સાહી સંરક્ષણ માટે જાણીતા છે.
મહારાણા પ્રતાપ મેવાડના રાજપૂતોના સિસોદિયા કુળના હતા. તેમનો જન્મ 9 મે, 1540ના ( જેઠ સુદ – 3 ) રોજ ઉદાઇસિંહ (બીજા) અને જયવંતબાઇના ઘરે થયો હતો. તેમના નાના ભાઈઓ શક્તિસિંહ, વિક્રમસિંહ અને જગમલસિંહ હતા. મહારાણા પ્રતાપે બીજોલીયાના અજબ્દે પૂંવર સાથે લગ્ન કર્યા હતા.
1572 માં ઉદયસિંહના મૃત્યુ પછી મેવાડની ગાદી કોણ સંભાળશે તે અંગે ટૂંકમાં ઝઘડો થયો હતો. મહારાણા પ્રતાપ પાસે અન્ય સાવકા ભાઈઓ પણ હતા જેઓ મેવાડની ગાદી માટે વલખા મારતા હતા. જો કે, તેમના પિતાના દરબારમાં વરિષ્ઠ દરબારીઓ ઈચ્છતા હતા કે પ્રતાપસિંહ જ ઉત્તરાધિકારી થાય. કેમ કે તેઓ ઉદાઇસિંહના પુત્રોમાં સૌથી મોટા હતા. જે મુજબ તેઓ, માર્ચ 1572ના રોજ મેવાડની ગાદીએ બેસ્યા.
પ્રતિરોધક મેવાડ.
રાણાનું મેવાડ ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વનું સ્થાન હતું.દિલ્હીને ભારતના પશ્ચિમી દરિયાઈમાર્ગ સાથે જોડતું હતું. અકબર માટે મેવાડ જીતવું જરૂરી હતું. આ માટે અકબરે તોડરમલ, માનસિંહ, ભગવાનદાસ જેવા હિન્દુ રાજાઓને મહારાણા પ્રતાપને સંધિ કરવા માટે મનાવવા મોકલ્યા. આઠ વખત પ્રસ્તાવ મોકલ્યા.
એક પ્રસ્તાવ તો એવો હતો કે, સંધિના બદલામાં અડધું હિન્દુસ્તાન આપવા તૈયાર છીએ. ત્યારે રાણાએ પ્રત્યુત્તરમાં કીધેલું, “ઘાસની રોટલીઓ ખાવી પડે તો ખાઈ લઈશું, પણ મેવાડને દિલ્હી હસ્તક નહી કરીયે.”
તે મહારાણા પ્રતાપ અરવલ્લીના જંગલોમાં પોતાની સેનાના ભીલ લોકો સાથે રહ્યા. મુઘલોના ઘણી વખત તેમણે રણભૂમિમાં પ્રતિકાર કરેલા. પણ અકબર ક્યારેય પ્રત્યક્ષ રીતે યુદ્ધમાં નહોતો ઉતર્યો.
હલ્દીઘાટીનું યુદ્ધ
1576માં સૌથી ભયંકર યુદ્ધ હલ્દીઘાટીનું યુદ્ધ હતું. જેમાં મહારાણા આશરે 20000ની સેના લઇ,અકબરની 80000ની સેના સામે લડ્યા.
ચેતકની બહાદુરીના હિસાબે, મુઘલોથી ઘેરાયેલા મહારાણાનો જીવ બચ્યો. રાણાની સેના અસ્તવ્યસ્ત થઇ ગઈ. બપોર યુદ્ધ પુરુ થયું. આ યુદ્ધ પછી મુઘલોએ મેવાડ, ચિત્તોડ, ગોગુંડા, કુંભલગઢ અને ઉદયપુર પર કબજો કર્યો. મહારાણાએ પોતાનો આત્મ-સન્માન કદી છોડ્યું નહીં. તેણે મોગલ બાદશાહ અકબરની આધીનતા સ્વીકારી ન હતી.
ફરી એકવાર યુદ્ધ !
1582માં મહારાણાએ ફરી ઉભા થયા. આ વખતે લડવાની નીતિઓ બદલાઈ ગઈ હતી. હવે છાપામાર યુદ્ધ જેવી તકનીકો અજમાવી.1582થી છેક 1585 સુધીના સંઘર્ષના હિસાબે રાણાએ ફરી એકવાર મેવાડ, ચીત્તોડ, કુંભલગઢ વગેરે હારેલા પ્રદેશોને મુઘલોથી જીતી પોતાને હસ્તક કર્યા.
અવસાન !
1596માં શિકાર કરતી વખતે મહારાણા પ્રતાપને ઈજા થઈ હતી, તેમાંથી તેઓ સાજા થઈ શક્યા નહોતા. 1598માં 57 વર્ષની ઉમરે તેમનું અવસાન થયું હતું.
અકબરના દરબારમાં જયારે રાણાના અવસાનના સમાચાર મળ્યા, ત્યારે દરબારમાં હાજર કવિ દુરસા આઢા તરત જ દુહો બોલેલા.
“અસ લેગો અણદાગ પાગ લેગો અણનામી
ગો આડા ગવડાય જીકો બહતો ઘુરવામી”
જેનો અર્થ થાય કે…
તે ક્યારેય તારા ઘોડા પર શાહી દાઘ લાગવા દીધો નહીં, ક્યારેય પોતાની પાઘડી નમાવી નહીં, ક્યારેય શાહી ઝરોખાની નીચે ઊભા રહ્યા નહીં, ક્યારેય નવરોઝમાં બાદશાહને મળવા આવ્યા નહીં.
આજે તારા મોતના ખબર દરબારમાં આવ્યા છે, ત્યારે જુઓ બાદશાહનું માથું પણ નમી ગયું છે. તેમની આંખમાં આંસુ છે અને પોતાની જીભનેતેમણે દાંત નીચે દવાબી દીધી છે. તું જીતી ગયો પ્રતાપ.