ઈસ. 785માં…
ગુજરાતના સંજાણ બંદરે પારસીઓ ભારત દેશના શરણે આવ્યા હતા, જે બાદ તેઓ ગુજરાત અને ભારતના લોકો સાથે દૂધમાં સાકળની જેમ ભળી ગયા, અને આજે પણ દેશ અને ગુજરાતને સતત મીઠાશ બક્ષતા આવ્યા છે. પારસીઓએ શરૂઆતથી જ ગુજરાતી પ્રજા સાથે ભળવાનું શરુ કરી લીધું હતું, ગુજરાતી ભાષા, પારસીઓ સ્ત્રીઓએ ગુજરાતી સાડીઓ પણ અપનાવી લીધી હતી.
શરૂઆતથી જ વ્યાપારમાં અને સામાજિક કાર્યોમાં ધારદાર હોવાને કારણે તેઓ, ગુજરાતમાં તેઓ અનેક ક્ષેત્રે અવ્વલ થઇ ગયા હતા. તેમના વ્યાપારમાં મુખ્યત્વે આયાત-નિકાસ અને કારખાના, ફેકટરીઓ, છાપખાના જેવા ક્ષેત્રો હતા. આજના આ લાગવગના જમાનામાં માત્ર લાયકાતના આધારે, બહુમતીને ઝુકાવનાર જો કોઈ છે તો તે પારસીઓ છે.
આજ ના આ લેખમાં, પારસીઓએ ગુજરાતી ભાષાના પ્રિન્ટિંગ માટે આપેલ યોગદાનનો ઉલ્લેખ કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ પ્રિન્ટિંગ પ્રેસ ગુજરાતમાં ખરીદીને લોકો સમક્ષ મુકનાર ગુજરાતી પારસી, સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં પ્રિન્ટિંગ શરુ કરનાર પણ પારસી, અને ત્યારબાદ તેને ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં પણ પારસીઓ !
1674-75ની એક સાંજે બૉમ્બેના કિનારે જહાજ આવ્યુ…
જહાજ જોઈને કોઈને નવાઈ તો નહોતી, કેમ કે તે સુરતના ભીમજી પારેખનું જહાજ હતું . લોકોમાં ભારે કુતુહલ સર્જાયું, કેમકે રોજ-બરોજની જેમ આ વખતે મરી-મસાલા, કાપડ જેવી વસ્તુઓ જ નહી પણ સાથે બોમ્બે પ્રેસિડેન્સીમાં સૌથી પહેલીવાર પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું હતું. ભીમજીએ સુરતથી જાન્યુઆરી, 1670માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પત્ર લખ્યો હતો.
જેમાં લખ્યું હતું કે,
“ભીમજી પારેખ આપને નમ્ર વિનંતી છે કે આપ એક સક્ષમ પ્રિંટર બોમ્બે મોકલાવશો, કારણકે તેઓ અમુક પ્રાચીન બ્રાહ્મીણી લીપીઓ ને છાપવાને જિજ્ઞાસુ અને આતુર છે. આ પ્રિંટરના ચાલકને માટે તેઓ ત્રણ વર્ષ સુધી દર વર્ષના £.૫૦ તથા ઓજારો આદિનો ખર્ચ પણ ભોગવશે…”
જે પત્રના ચારેક જેટલા વર્ષ બાદ બોમ્બેમાં “પ્રિન્ટિંગ પ્રેસ” આવ્યું. પ્રિન્ટિંગ પ્રેસ જેવી મોંઘેરી વસ્તુ ખરીદવાનો તેમનો ઉદ્દેશ પોતાના ઉપયોગ માટે નહી, પણ તેનો ઉપયોગ લોકો માટે કરવા માંગતા હતા. આ માટે તેમણે પ્રિન્ટિંગ પ્રેસના નીષ્ણાંતને લંડનથી બોલાવીને પગારે રાખેલો. ભીમજી, ભારતીય લીપીને પ્રિન્ટ કરવા માંગતા હતા.
ભીમજી ના પ્રિન્ટિંગ પ્રેસમાં લંડનથી જે નિષ્ણાંત આવ્યો હતો તે, એટલોય પારંગત નહોતો કે કોઈ નવી લીપીના બીબા બનાવી શકે. ભીમજીએ નવા નિષ્ણાંત માટે પણ પત્રો લખ્યા, પણ તેઓ નવો કારીગર લાવવા નિષ્ફળ રહ્યા. છેવટે, ભીમજી પારેખનું ભારતીય લીપી છાપવાનું સપનું તો ભલે અધૂરું રહ્યું, પણ તેમના પ્રયાસોએ, તે સમયના ભારતીય છાપઘરોને એક નવો ઉદ્દેશ આપ્યો, “ભારતીય મૂળની લીપીને પ્રિન્ટ કરવાનો”. ભીમજીએ ખરેખરમાં તો ભારતમાં એક નવા યુગની શરૂઆત કરી હતી.
અંદાજે સોએક વર્ષ પછી, 18મી સદીમાં ચાર્લ્સ વિલ્કીન્સે સૌ પ્રથમ બ્રહ્મી લિપિમાં ‘ભગવદ્દ ગીતા’ છાપી હતી. સૌ પ્રથમ ભગવદ્દ ગીતાનું અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવાનો શ્રેય પણ ચાર્લ્સને જ જાય છે. તેના ચારેક દાયકાઓ બાદ જ ગુજરાતી ભાષામાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત થઇ.
ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ ની શરૂઆત…
ફરદુનજી મર્ઝબાનનો જન્મ સુરતના એક પારસી પરિવારમાં થયો હતો. તેમની શરૂઆતની તાલીમ ચર્ચના પાદરી તરીકે થઇ હતી. પિતા-દાદા પારસી ધર્મ-સાહિત્યમાં વિદ્વાન હોવાથી તેમણે પણ સાહિત્યમાં આગળ વધવાનું પસંદ કર્યું.
- 1805માં, ફરદુનજી પરિવાર સાથે બોમ્બેમાં સ્થાયી થયા. ત્યાં તેમણે મુલ્લા ફિરોઝ પાસેથી અરબી અને પર્સીયન ભાષા શીખી.
- 1808માં, તેમણે બુક-બાઈન્ડરીનો વ્યાપાર શરુ કર્યો. તે જ વખતે, થોડા સમય બાદ ફરદુનજીની મુલાકાત જીજીબાઈ છાપઘર સાથે થઈ.
જ્યાં તેમણે પહેલી વાર, પ્રિન્ટિંગ પ્રેસ જોયું. અને ત્યારથી જ તેમણે ‘ઇન્ડિયન પ્રિન્ટિંગ પ્રેસ’ શરુ કરવાનું સપનું જોયું. - 1812માં છેવટે, ફરદુનજીના પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત થઇ હતી.
પહેલા 2-3 વર્ષ પ્રિન્ટિંગ પ્રેસ પરાણે પરાણે ચાલી રહી હતી.
- 1814માં સૌપ્રથમ ગુજરાતીમાં હિન્દૂ પંચાંગ – વિક્રમ સંવત 1871ના વર્ષનું કેલેન્ડર પ્રકાશિત કર્યું હતું
- 1815માં ગુજરાતી ભાષાનું સૌથી પહેલું પુસ્તક છપાયું હતું,
જેનું નામ હતું, ‘દબેસ્તાન-એ-મજાહેબ’, મૂળ તો આ એક પર્સીયન ભાષાનું પુસ્તક છે.
જે 17મી સદીના એશિયાના ધર્મો પર આધારિત છે. જેનું ફરદુનજીએ ગુજરાતીમાં અનુવાદ કરીને પ્રકાશિત કર્યું હતું.આ પુસ્તકની કિંમત તે જમાનામાં 15રૂપિયા હતા.
- 1818માં ‘ખોરદેહ અવસ્તા‘ નામના પારસી પુસ્તકનો પણ ગુજરાતીમાં અનુવાદ કર્યો.
- 1822માં ‘મદેહનજર’ નામનું મેગેઝીન છાપ્યું.
- 1822માં ફરદુનજીએ સૌથી પહેલું ગુજરાતી સમાચારપત્ર શરુ કર્યું, ‘બોમ્બે સમાચાર’ ( હાલનું, ‘મુંબઈ સમાચાર’)! આ સમાચારપત્ર શરુ થયું તે પહેલા જ તેના 150ગ્રાહકો એ નોંધાવી દીધું હતું .
જે શરૂઆતમાં 2 રૂપિયે, અને અઠવાડિયે પ્રકાશિત થતું હતું.
જેને સમય જતા દ્વિદિવસીય અને 1855માં દૈનિક સમાચારપત્ર કરવામાં આવ્યું.હાલમાં પણ હયાત હોય તેવું આ એશિયાનું સૌથી જૂનું સમાચાર પત્ર છે.
જેને 1833માં હાલના માલિક ‘કામા પરિવારે’ ફરદુનજી પાસેથી ખરીદ્યું હતું, અને આજે પણ તેના માલિક કામા પરિવાર જ છે. - ત્યારબાદ તેમણે, 1833માં શાહનામા, 1838માં ગુલિસ્તાન અને બોસ્ટન નામનાં વિદેશી પુસ્તકો પણ ગુજરાતીમાં અનુવાદ કરીને પ્રકાશિત કર્યા.
23 માર્ચ 1847માં, ગુજરાતી ભાષાના પ્રિન્ટિંગ પ્રેસના પિતા કહી શકાય તેવા ફરદુનજી મર્ઝબાનએ દમણમાં છેલ્લા શ્વાસ લીધા.
…અને ગુજરાતી ભાષાના પ્રિન્ટિંગ પ્રેસે વેગ પકડ્યો !
1812માંથી શરુ થયેલ ગુજરાતી ભાષાના પ્રિન્ટિંગ બાદ ફરદુનજી સિવાય પણ અનેક કૃતિઓ, પુસ્તકો અને પત્રકો છપાયા.
- ફરદુનજીએ સૌ પ્રથમ ગુજરાતી પુસ્તક પ્રિન્ટ કર્યું તે પહેલા, ગણા પારસી પરિવારો દ્વારા ગુજરાતી ભાષામાં સમયપત્રકો છાપવામાં આવેલા, પરંતુ તે ખુબ જ માર્યાદિત વિસ્તારમાં જ ( બોમ્બે ) અને પારસી પરિવારો સુધી જ પહોંચતા હતા.
- 1830માં નવરોજી દોરાબજી ચંદારૂએ ‘મુંબઈ વર્તમાન‘ નામનું સમયપત્રક શરુ કર્યું હતું.
જે સમય જતા ‘મુંબઈના હલકારો અને વર્તમાન‘ ના નામે 1843 સુધી પ્રકાશિત કર્યા. - 1831માં પસ્તોનજી માણેકજીએ ‘જામ-એ-જમશેદ‘ નામનું અઠવાડિક મેગેઝીન શરુ કર્યું જેને 1853માં દૈનિક કરવામાં આવ્યું.
1832થી 1856 દરમિયાન દૂરબીન, મુંબઈના કસુદ, સમાચાર દર્પણ, ચિતરંજન દર્પણ અને ચાબુક જેવા ઘણા સમાચાર પત્રો શરુ થયા.
- 1849માં અમદાવાદમાં ‘ગુજરાત વિદ્યા સભા’ની ગુજરાતી ભાષાના અંગ્રેજ વિદ્વાન ‘એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ’ ના હસ્તે સ્થાપના થઇ. આ સંસ્થા દ્વારા ‘વર્તમાન’ નામનું સમાચારપત્ર શરુ કરવામાં આવ્યું. આ ઉપરાંત દર બુધવારે, ‘બુદ્ધિપ્રકાશ’ નામનું મેગેઝીન પણ પ્રકાશિત કરતા હતા.
- 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સ પ્રયત્નોના પરિણામે, સુરત સમાચાર શરુ થયું.
- 1854માં લલ્લુભાઇ રાયચંદએ અમદાવાદમાં સમશેર બહાદુર શરુ કરેલું.
- 1854માં જ, કોંગ્રેસ પાર્ટીના સહસ્થાપક એવા, ‘દાદાભાઈ નવરોજજી’એ ‘રસ્ટ ગોફટર’ નામનું મેગેઝીન શરુ કર્યું હતું, જે 1921 સુધી પ્રકાશિત થયેલું.
- 1855માં, કરસનદાસ મુળજીભાઈએ બૉમ્બેમાં ‘સત્યપ્રકાશ’ નામનું સામાયિક શરુ કર્યું હતું.
- 1857માં સૌથી પ્રથમ મહિલાઓ માટેનું મેગેઝીન, ‘સ્ત્રીબોધ’ પ્રકાશિત થયું.સ્ત્રી-સશક્તિકરણની આજે ભલે વાતો થતી હોય, પરંતુ તે વખતે પારસી સમાજના સુધારકો ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી અને બેહરામજી ખરશેદજી ગાંધીએ વધુમા વધુ સ્ત્રીઓ સુધી આ પહોંચે તે માટે મંડળીની સ્થાપના કરી હતી.તે વખતે માંડ, દેશમાં એક કે બે ટકા સ્ત્રીઓ વાંચી કે લખી શકતી હતી, દેશમાં વીજળીના પણ ઠેકાણા નહોતા કે કોઈ સંદેશાવ્યવહારની સગવડ નહોતી, અને એવા દિવસોમાં સ્ત્રીઓનું મેગેઝીન ?
મંડળી શરૂઆતમાં જ નુકશાનમાં હતી, એવામાં ડોસાભાઈ ફરામજી કામાજીએ મંડળીના સભ્યોને કહેલું કે, “ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું (મેગેઝિન) ચલાવવા માટે પહેલાં બે વર્ષ હું દર વર્ષે ૧૨૦૦ રૂપિયા ( તે સમયના અંદાજે 12 લાખ) આપીશ.”વધુમાં વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકે એ હેતુથી વર્ષે બાર આવૃત્તિનું લવાજમ રાખ્યું હતું માત્ર એક રૂપિયો! પહેલા અંકની ૧૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. - 1861માં, ‘હિતેચ્છુ’ નામક મેગેઝીન શરુ થયું હતું, જે શરૂઆતમાં દર બે અઠવાડિયે અને ત્યારબાદ 1873થી દૈનિક થયું હતું.
- 1861માં જ, ખેડામાં ખેડા વર્તમાનનામનું સામાચારપત્ર શરૂ થયું હતું. જેણે સો વર્ષ પણ પુરા કર્યા હતા.
- 1863માં દીનશૉ તલયરખાનએ ગુજરાત દર્પણ નામનું મેગેઝીન શરુ કરેલું, જેને 1894માં ગુજરાતમિત્ર નામના મેગેઝીન સાથે મર્જ કરવામાં આવ્યું અને નામ, ગુજરાત મિત્ર દર્પણ કર્યું હતું.
- 1864માં કવિ નર્મદે એક અંગ્રેજી સામાયિક ‘ધ સ્પેક્ટર‘ થી પ્રેરિત થઇને , ‘ડાંડિયો‘ નામનું સામાયિક પ્રકાશિત કરવાનું શરુ કર્યું હતું.
‘ડાંડિયો’ એ 1869 સુધી ચાલ્યું હતું, અને ત્યારબાદ ‘sunday review’ નામની સંસ્થા સાથે મર્જ કરવામાં આવ્યું હતું .
- 1895માં અમદાવાદમાં ‘પ્રજાબંધૂ’ નામનું મેગેઝીન શરુ થયું હતું. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ જાણીતા બેરીસ્ટર જીવણલાલ વ્રજરાય દેસાઈની મદદથી તે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી જેઠાભાઈની પોળમાં તા. ૬ માર્ચ, ૧૮૯૮ના રોજ શરૂ કરેલું.આપણે આજે જે વાંચીએ છીએ તે ‘ગુજરાત સમાચાર’ની માતૃસંસ્થા એટલે પ્રજાબંધુ !
- 1902માં બૉમ્બેમાં સાંજે આવતું સમાચારપત્ર શરુ થયું હતું, જેનું નામ હતું ‘સાંજ વર્તમાન ઓફ બૉમ્બે’ ! જેનું 1950 સુધી અસ્તિત્વ હતું.
- 1911માં બોમ્બેમાં જર્મન પાદરી હર્મનસ ઝરહુસેન દ્વારા ‘દૂત’ નામની મેગેઝીન શરુ થઇ હતી, જે આજે પણ ‘પાવન હૃદય દૂત’ના નામથી પ્રકાશિત થાય છે. થોડાક જ સમયબાદ તેનું સંચાલન આણંદ ખસેડાયું હતું. આજે તેનું સંચાલન આણંદથી થાય છે.
1915 પછી એક નવો યુગ શરુ થયો હતો. વાંચકોની સંખ્યા વધી હતી. વર્તમાનપત્રો નો ઉપયોગ ભારતની સંસ્થાઓ અને આઝાદીના લડવૈયાઓ લોકોને ઉજાગર કરવા માટે કરતા હતા. માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં વર્તમાનપત્રો અને સામાયિકોનું માધ્યમ, આઝાદી નામક આગમાં ઘી હોમવાનું કાર્ય કરતા હતા.
- 1916 થી 1920 સુધી, હાજી અલખારિયા દ્વારા ‘વીસમી સદી’ નામનું સામાયિક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેનું કવર આર્ટ તે સમયના પખયાત ચિત્રકાર, માધવ વિશ્વનાથ ધુરંધરએ તૈયાર કર્યું હતું.
- 1919માં, ગાંધીજીએ ભારતીય સ્વતંત્રતાની ચળવળને વેગ આપતા, ‘નવજીવન’ નામનું સમાચારપત્ર શરુ થયું હતું. જેમાં મુખ્યત્વે ગાંધીજીના આઝાદી આંદોલન અને નહેરુના આધુનિક ભારતના વિચારો પર ધ્યાન આપવમાં આવવામાં આવતું હતું.
જેને, 1932થી 1940નામ બદલીને ‘હરિજન બંધુ’ ના નામથી પ્રકાશિત કરવામાં આવેલું . જેનું પ્રકાશન ફરીથી 1946થી શરુ કરવામાં આવ્યું હતું.
- 1921માં, ઝવેરચંદ મેઘાણી, કક્કલભાઇ કોઠારી અને અમરતલાલ શેઠ જેવા દિગ્ગ્જ્જોએ સાથે મળીને સૌરાષ્ટ્ર નામનું સાપ્તાહિક શરુ કર્યું હતું. જેનું સમય જતા, નામ ‘ફૂલછાબ’ કરવામાં આવેલું. જે આજે પણ ફૂલછાબના નામે પ્રકાશિત થાય છે.
- 1922માં નંદલાલ બોડીવાલા દ્વારા અસહયોગ આંદોલનને વેગ આપવા માટે સંદેશ, શરુ કરવામાં આવ્યું હતું.
- 1931માં, ફૂલછાબના સહસ્થાપક અમરતલાલ શેઠ દ્વારા સૌરાષ્ટ્ર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી, અને આ સંસ્થા દ્વારા 1934માં ‘જન્મભૂમિ’ નામક સાંજે પ્રકાશિત થતું સામાયિક શરુ કરવામાં આવેલું. જેનું સંચાલનગાંધીજીના ભાઈ ‘શામળદાસ ગાંધી’ દ્વારા કરવામાં આવતું હતું. જેઓએ અમુક કારણોસર ‘જન્મભૂમિ’ છોડી પોતાનું ‘વંદેમાતરમ’ નામનું સામાયિક શરુ કરેલું.
આમ, બંને વચ્ચે શરુ થયેલી ટક્કરને ધ્યાનમાં લેતા, અમરતલાલ શેઠએ ‘ઇન્ડિયન લેન્ગ્વેજીસ ન્યુઝપેપર એસોસિયેશન’ ની સ્થાપના કરી હતી. જે સ્થાનિક ભાષાઓ માટે શરુ થતા મીડિયાહાઉસને નાણાકીય સહાય પુરી પાડતું હતું. આ સંસ્થાની સહાયની મદદથી તે સમયે અમુક નોંધપાત્ર સામાયિકો શરૂ થયા હતા. જેમકે, 1948માં ભારતનું સૌથી પ્રથમ સ્થાનિક ભાષામાં પ્રકાશિત થયેલું વ્યાપાર વિષયક મેગેઝીન ‘વ્યાપાર’ , બાબુલાલ શાહ દ્વારા શરુ થયેલ ‘જય હિન્દ‘ (1948) , કચ્છમિત્ર (1855માં ) , પ્રવાસી અને કવિતા નામના સાપ્તાહિકો, તથા લોકસત્તા-જનસત્તા (1953).
1950માં, મુંબઈમાં હરકિશન મહેતા દ્વારા ‘ચિત્રલેખા’ મેગેઝીનની શરૂઆત, વજુભાઇ કોટકની દેખરેખ હેઠળ થઇ હતી. ત્યારબાદ તેમાં ચંદ્રકાન્ત બક્ષી, કાંતિલાલ ભટ્ટ, તારક મહેતા જેવા નામચીન સાહિત્યકારો જોડાયા. એટલું જ નહી, ભારતીય ટપાલ દ્વારા 2011માં ચિત્રલેખાના સન્માન માટે સ્ટેમ્પ પણ ડિઝાઇન કર્યો હતો.
1960 પછીનું ગુજરાતી પ્રકાશન…
1950 પછી હવે ભારત દેશ સ્વતંત્ર થઇ, પ્રજાસત્તાક પણ થઇ ચુક્યો હતો, વ્યાપાર-વાણિજ્યના માટેના નવીન માર્ગો ખુલી ગયા હતા. દાયકાને અંતે, 1960માં મહાગુજરાતના આંદોલનોએ બૉમ્બે સ્ટેટના મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે પ્રદેશો કરી દીધા હતા. ગુજરાતી પ્રકાશનો બહાર પાડતા મીડિયા હાઉસ અને પ્રિન્ટિંગ પ્રેસ પોતાની અનુકૂળ જગ્યાઓએ સ્થળાંતર કરવું પડ્યું. ઘણા બધાય નવા પ્રિન્ટિંગ પ્રેસ, પ્રકાશન ઘરો શરુ થઇ ગયા હતા.
1958માં જયારે સંદેશનું સંચાલન, ચીમનભાઈ પટેલના હાથમાં આવ્યું ત્યારે, તેમણે સામાચારપત્રની સાથે રોજ અલગ-અલગ સાપ્તાહિકો ની પ્રથા શરુ કરી. માત્ર ગુજરાત કે મહારાષ્ટ્રમાં જ નહી, પણ 1977માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદ્યુમ્ન મહેતાએ ત્યાંના શિકાગોના ગુજરાતીઓ માટે ‘હિન્દુસ્તાન પત્રિકા’ નામનું માસિક શરુ કયું હતું . જેનું પ્રકાશન 1981 સુધી કરવામાં આવ્યું હતું. 1980ના દાયકામાં શિકાગોમાં જ ભારત સંદેશ અને વર્તમાન શરુ થયા હતા, જેનું પ્રકાશન અમુક સમય સુધી જ કરવામાં આવેલું.
1978માં રાજકોટથી અકીલા ડેઇલીની શરૂઆત થઇ હતી . 1980માં લોકોનું સૌથી પ્રિય મેગેઝીન ‘સફારી’ શરુ થયું હતું. જયારે 1986માં, ભુપત વડોદરિયા દ્વારા સમભાવગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતથી આજે પણ ‘સમભાવ મેટ્રો’ ના નામે અઠવાડિયામાં છ દિવસની ઢળતી સાંજે મેગેઝીન પ્રકાશિત કરવામાં આવે છે.
21મી સદી…
21મી સદીએ ટેક્નોલોજીની સદી છે. ઘર ઘર સુધી કોમ્પ્યુટરતો ઠીક, પણ હવે ઘર ઘર સુધી પ્રિન્ટર્સ પણ પહોંચવા લાગ્યા છે. 21મી સદી શરુ થતા જ, 2003માં ભારતમાં દૈનિકભાસ્કર ગ્રુપ દ્વારા ગુજરાતીમાં ‘દિવ્યભાસ્કર‘ શરુ થયું હતું. આ ઉપરાંત નાના-મોટા અઢળક વર્તમાનપત્રો અને મેગેઝીન શરુ થઇ હતી .
જોત જોતામાં ટાઈમ્સ ગ્રુપ, દ્વારા નવગુજરાત સમય, અમદાવાદ ટાઈમ્સ જેવા સમાચાર પત્રો પણ શરુ થયા હતા !
ઉપસંહાર !
ભારતની શરણે, સંજાણના કિનારે આવેલા એ વહાણને ગુજરાતી રાજા અને પ્રજાઓએ બહિષ્કાર કર્યો હોત તો ?
ટૂંકમાં કહું તો ગુજરાતી ભાષાના પ્રિન્ટિંગ પ્રેસ નામના આ વૃક્ષનું રોપણ પારસીઓએ 19મી સદીમાં કર્યું હતું. 20મી સદીમાં તેને અમરતલાલ શેઠ, હરકિશન મહેતા જેવા દિગ્ગ્જ્જોએ તેને સીંચીને મોટું કર્યું, અને તેની છત્રછાયામાં આપણે આજે આપણે બેસીને ફળરૂપે, ગુજરાતી ભાષામાં પ્રકાશનો, પુસ્તકો અને ન્યુઝપેપર વાંચીયે છીએ.
ગુજરાત ના પ્રિન્ટિંગ પ્રેસ યુગ વિશે વિસ્તૃત , ક્રમાનુસાર , માહિતી પૂર્ણ લેખ બદલ આભાર !
તમારો આભાર !