પારલે, નામ તો સૂના હી હોંગા !

આઈ.પી.એલ શરૂ થઇ ત્યારથી એક જોરદાર  જાહેરાત  આવી…

એક ટકલો માણસ ઓફિસ માં આવી કોઈ કર્મચારીનાં ટેબલ પર છાપું પછાડીને તેની સાથે તે કર્મચારીએ દગો કર્યું હોય એમ જણાવે છે. ત્યારે પેલો કર્મચારી પણ તે માણસને જુદા જુદા બિસ્કિટ અંગે કહે છે કે,આ બિસ્કિટ પારલે બનાવે છે. એમાં તમને દર્શક તરીકે, પેલા ભાઈનાં ગુસ્સા અને પેલાનાં બિસ્કિટ વચ્ચે શું તાત્પર્ય છે ? એમ સમજાયું ? 

મને તો કશુંય ના સમજાયુ, પણ એક વસ્તુ જે દિલમાં ઉતરી ગયી,જાહેરાતનાં અંતે આવતું સ્લોગન ! જેનું મેં શીર્ષક જ બનાવી દીધું. આ કંપનીની શરૂઆત બ્રિટિશ સામ્રાજ્યનાં શાસનકાળ દરમિયાન, મહારાષ્ટ્રનાં વિલે પારલેમાં થઇ હતી. ‘પારલે ગ્રુપ‘ તમે વિચારો છો એના કરતાં પણ વધુ પ્રોડક્ટ્સની ઉત્પાદક છે. આ અબજોનાં સામ્રાજ્યનાં જનેતા એટલે, ગુજરાતનાં વલસાડની નજીક આવેલાં પારડી ગામનાં દરજી પરિવારમાં જન્મેલાં  મોહનલાલ ચૌહાણ.

12 વર્ષની ઉંમરે તેઓ ગામ છોડી મુંબઈ, મુઠ્ઠીમાં સપનાંઓ અને ઘણી મહત્વકાંક્ષાઓ સાથે દરજીકામ શીખવા પહોંચ્યા. તેમનાં પાંચ પુત્રો સાથે મળીને પારલેનો પાયો 1939માં નાખ્યો. આજે આ કંપનીને ‘પારલે ગ્રુપ‘ થી ઓળખવામાં આવે છે. મોહનલાલનાં પાંચ પુત્રો બાદ પારલેનો કારોબાર તેમનાં સૌથી મોટા પૂત્ર જયંતિલાલ ચૌહાણ,અને પછી તેમના પુત્રો એ સાંભળ્યો. પણ જેમાંથી પારલે પ્રોડક્ટ્સનો કારોબાર, જયંતિલાલનાં ભત્રીજા એટલે કે કાંતિલાલ ચૌહાણનાં પુત્રો એ સાંભળ્યો. હાલ આ કંપની ત્રણ અલગ અલગ ભાગમાં કામ વહેંચીને કામ કરે છે.

  • પારલે પ્રોડક્ટ્સ : આ ભાગ અજય, વિજય, શરદ અને આનંદ ચૌહાણ( મોહનલાલના પુત્ર, કાંતિલાલના પુત્રો) સાંભળે છે.
  • પારલે બિસલેરી : આ ભાગ, જયંતિલાલનાં બીજા પુત્ર રમેશ ચૌહાણ, તેમની પત્ની ઝૈનાબ અને દીકરી જયંતિ સાંભળે છે.
  • પારલે એગ્રો : આ ભાગ, જયંતિલાલ સૌથી નાનાં પૂત્ર પ્રકાશ ચૌહાણ, તેમની દીકરીઓઓ(શૌનાઅલીશા, અને નાદિયા) સાંભળે છે.

તો ચાલો, હવે આ કંપનીનાં જનેતા મોહનલાલ ચૌહાણથી માંડીને હાલનાં ચૌહાણ પરિવાર સુધીની ગાથા પર એક નજર કરીયે.

આ વાત છે 19મી સદીનાં અંત ની..

જયારે આપણો દેશ બ્રિટિશ સાંકળમાં ફસાયેલો હતો ત્યારે,વલસાડ નજીક આવેલા પારડી ગામનો એક દરજીનો છોકરો ગામ છોડી મુંબઈ  સપનાં લઈને,દરજીકામ શીખવા આવ્યો.

વર્ષો સુધી આ કામમાં નિપૂણ થયાં બાદ 18 વર્ષની ઉંમરે પોતાના દમ પર મુંબઈમાં ગામદેવી વિસ્તારમાં એક દુકાન ખોલી. નસીબે જોર અજમાવતાં થોડાક જ વર્ષો બાદ બે નવી દુકાન શરુ કરી. એક વારતો તેમને સંત થવાનો પણ વિચાર આવ્યો. પણ તેમનાં નસીબને તે મંજૂર નહોતું. તેઓ ફરી ગામ તરફ પાછા વળ્યાં. ભૂલાબાઈ સાથે લગ્ન કરી, ફરી મુંબઈમાં પગ જમાવ્યો. શરૂઆતમાં ઘરમાં માત્ર  કબાટ હતું. જેનો ઉપયોગ કપડાં મૂકવા કરતાં હતાં. ભૂલાબાઈ  1894થી 1911નાં સમય દરમિયાન પાંચ પૂત્રો થયાં. નરોત્તમ, માણેકલાલ, પીતાંબર, કાંતિલાલ અને જયંતિલાલ

મોહનલાલે પોતાનાં પુત્રોને ભણાવામાં કોઈ જ કસર ના છોડી. તેઓએ તેમનાં પુત્રોને ધંધા અંગેનાં બધાંજ પાઠ,કે જે કોઈ વાણિજ્ય શાળામાં શીખવાડવામાં ના આવે, પાઠ પોતાનાં વેપારનાં માધ્યમથી જ શીખવાડ્યા. જે હાવર્ડ જેવી સંસ્થામાં પણ કદાચ ના શીખવા મળે. 

બીજી પેઢી, પારલેની શરૂઆત…

મોહનલાલે તેમનાં પાંચેય પુત્રોને સંપૂર્ણ રીતે સજ્જ કરી દીધાં. તેઓ માણેકલાલને કાપડ ખરીદવાં વિદેશ મોકલતાં. આ ઉપરાંત અન્ય પુત્રોને ધંધાવિષયક કાઇંક કામ હોય તો વિદેશ મોકલતાં. આ જયંતિલાલે ઘરે રહીને પિતાને મદદ કરી. જયારે બીજું વિશ્વયુદ્ધ શરુ થયું ત્યારે પાંચેય ભાઈયોએ પિતાનો આ વ્યવસાય બંધ કરી મીઠાઈ(ચોકલેટ કે કૅન્ડીને લગતી)નો ધંધો શરુ કરવાનો નિર્ણય લીધો. ભારતમાં એક બ્રિટિશ કંપની બ્રિટાનિયા(1929થી) જ હતી કે જે આવી મીઠાઈનું ઉત્પાદન કરતી હોય. ચૌહાણબંધુઓ માટે આ સૌથી મોટો એક પડકાર હતો. આ પરિસ્થિતિમાં નરોત્તમ ને જર્મની આવી મીઠાઈનાં ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ શીખવા મોકલ્યાં. નરોત્તમ ચૌહાણ ત્યાંથી શીખીને,સાથે જરૂરી મશીનરી પણ લઈને આવ્યાં. આ વખતે આ પરિવાર મુંબઈનાં વિલે પારલેમાં રહેતો હતો. ઘરની નજીક ફેક્ટરી શરુ કરી એટલે ગામનાં નામ પરથી નામ આપ્યું ‘પારલે‘ ! 

એન્જીનિયર્સનાં અભાવે પાંચેય ભાઈઓએ કામ અલગ અલગ વહેંચી દીધું. નરોત્તમ અને જયંતિલાલે ટેક્નોલોજિકલ ટિમ તરીકે કામ કર્યું. પિતાંબરે નાણાકીય વિભાગ સાંભળ્યો. માણેકલાલે અનુદાન સંચયી તરીકે કામ કર્યું. જયારે કાંતિલાલે રોજબરોજનાં ખર્ચા અને આવકનાં હિસાબો નોંધ્યા. પણ 1934માં જયારે આ બંધુઓએ કંપનીનું ડુબતા ભવિષ્યનો આભાસ થતાં W.H.Brady નામની કંપનીને વહેંચવાનું વિચાર્યું, એજ સમયે હિસાબનીશ કાંતિલાલે કંપનીનો 3000 રૂપિયાનો ચોખ્ખો નફો જણાવ્યું. બસ ત્યારથી જ તેમણે પારલેને વહેંચવાનું ટાળી દીધું,અને પછી ક્યારેય પાછું વળીને ના જોયું.

જયારે 1939માં પહેલું બિસ્કિટ પારલે ગ્લુકો(હાલનું Parle-G) જાહેર કર્યું. એ વખતે વિશ્વયુદ્ધનાં કારણે ઇંગ્લેન્ડથી બિસ્કિટ આવતાં બંધ થઇ ગયા હોવાથી, પારલેને તેઓનાં બિસ્કિટ બજારમાં મૂકવા પર પ્રતિબંધ લદાયો. પારલેનાં બિસ્કિટ માત્ર આર્મીનાં જવાનો જ ખરીદી શકતાં. પણ આ કારણે ચૌહાણ બંધુઓને નફો પણ સારો એવો થયો. 1947માં દેશે જયારે આઝાદીનો સુરજ દેખ્યો ત્યારે આ બંધુઓનાં બારણે ધંધાને વિસ્તારવાની એજ સોનેરી તક આવીને ઉભી રહી. તેઓએ આ તક નો લાભ ઉઠાવતાં, ‘Freedom From British Campaign’ નાં સ્લોગન સાથે જાહેરાત કરી. ત્યારથી જ પારલે એ પોતાનો ઈજારો ઉભો કરી દીધો.

1959માં સોડાની કંપની ‘Baroda Bottling Company‘ શરુ કરી. જેને આગળ જતાં Parle Agro નામ આપવામાં આવ્યું. સમય જતાં, 1961માં પારલેનાં કોઈ કારણોસર બે ભાગ થયાં, બિસ્કિટને લગતી કંપની પારલે પ્રોડક્ટ્સ અને સોડા અને પીણાંને લગતી કંપની ‘પારલે એગ્રો‘. પારલે પ્રોડક્ટ્સનો કારોબાર હાલ કાંતિલાલનાં પુત્રો અને ‘પારલે એગ્રો‘ નો કારોબાર જયંતિલાલનાં સૌથી નાના પૂત્ર ‘પ્રકાશ ચૌહાણ’ નાં ભાગમાં આવ્યો.

પારલે અને તેનાં ભાગલાં…    

જયંતિલાલનાં સૌથી મોટા પુત્ર મધુકર ચૌહાણને કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટ બનાવાયા, અને અમેરિકાથી પરત ફરેલાં રમેશ ચૌહાણને કંપનીનો પ્લાનિંગ અને બિલ્ડીંગનો ડિપાર્ટમેન્ટ આપ્યો. પરંતુ 1964માં એક દુઃખદ ઘટના ઘટી. વિમાન અકસ્માતમાં મધુકર ચૌહાણ અને તેમનાં પિતરાઈ ભાઈ જીતુ ચૌહાણનું અવસાન થયું. કંપની અને ચૌહાણ પરિવાર શોકમગ્ન થઇ ગયો.

થોડાં દિવસો બાદ કંપનીની બધીજ જવાબદારીઓ રમેશ ચૌહાણને સોંપવામાં આવી. નેતૃત્વ અને મેનેજમેન્ટનાં આ નવા ખેલાડી માટે શરૂઆતનાં દિવસો કઠિન રહ્યાં. વેચાણનો આંકડો નીચે આવ્યો. પરંતુ વારસામાં આવેલી ખમીરતાનાં કારણે,રમેશભાઈએ કંપનીને આ પરિસ્થિતિમાંથી ઉગારી. 

1969માં, રમેશ ચૌહાણે ઇટાલીને બિઝનેસમેન ફીલાઈસ બિસ્લેરી પાસેથી તેની કંપની બિસ્લેરી ખરીદી, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં પેકેજ્ડ મિનરલ પાણી વહેંચવાનો હતો. સમયે પણ રમેશભાઈનો સાથ આપ્યો. ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકાર આવી, એટલે તેમણે કોકાકોલા કંપની પર પ્રતિબંધ લાદયો. આ જ તકનો લાભ લઇ રમેશ ચૌહાણે સોફ્ટડ્રીંક્સનાં ઉત્પાદનમાં ઝંપલાવ્યું ! તેઓ એ દરમિયાન ગોલ્ડ સ્પોટ, લિમ્કા, થમ્સઅપ, સીટ્રા જેવી પ્રોડકસ માર્કેટમાં મૂકી. ૧૪ વર્ષ સુધી માર્કેટમાં તેમનો ઈજારો રહ્યો.

૧૯૯૧માં ભારત સરકારે જયારે અર્થતંત્રનાં આર્થિક સુધારા કર્યા ત્યારે તકનો લાભ લઇ અમેરિકન કંપની પેપ્સીકો એ ભારતમાં પાયા નાંખ્યા. પારલે એ ખૂબ ખાધ વેઠી. બીજી બાજુ થોડાં જ સમયમાં એ સમયનાં રાષ્ટ્રમંત્રી મનમોહનસિંઘ ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતી અમલમાં લાવ્યાં. જેથી કોકાકોલા ફરીથી ભારતમાં આવી. કોકાકોલાએ પારલે સાથે સોદો કરવાં રમેશભાઈને મનાવ્યાં. તેમણે પોતાની રીતે ગણતરીઓ કરીને ભીની આંખે બિસ્લેરી સિવાય તમામ સોફ્ટડ્રિંક્સ પ્રોડક્ટ્સ કોકાકોલાનાં નામે કરી દીધી. જેની સામે તેમણે 4 કરોડ રૂપિયા મળ્યાં. 

બસ ત્યારથી જ પારલેનાં કુલ ૩ ભાગ થયા, પારલે એગ્રો, પારલે પ્રોડક્ટ્સ અને પારલે બિસ્લેરી

1. પારલે એગ્રો

આ કારોબાર જયંતિલાલનાં સૌથી નાના પૂત્ર પ્રકાશ ચૌહાણ અને તેમની દીકરીઓ શૌના(CEO), આલિશા(ડાયરેક્ટર) અને નાદિયા(ડાયરેક્ટર) સંભાળે છે.

આ કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સ સીટ્રા, ફ્રૂટી, એપ્પી, એપ્પી ફીઝ, સેઇન્ટ જ્યુસ, LMN, બેઈલી સોડા, મીન્ટ્રોક્ષ મિન્ટ, બટરકપ, સોફ્ટીઝી મીઠાઈ, હીપો જેવી પ્રોડક્ટ્સ છે.

હાલ પારલે એગ્રો ૨૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે મૂલ્યની કંપની છે. ૨૦થી વધુ દેશોમાં કાર્યરત છે. તેની 6 લાખ આઉટલેટ્સ છે અને 76 ઉત્પાદનનાં પ્લાન્ટ્સ છે.

2. પારલે પ્રોડક્ટ્સ

પારલે પ્રોડક્ટ્સની લગામ કાંતિલાલનાં પૂત્રો શરદ, વિજય, અને અનુપ ચૌહાણનાં હાથમાં છે.

તેની મુખ્ય પ્રોડક્ટ્સ સૌથી પ્રચલિત બિસ્કીટ પારલે-જી, આ ઉપરાંત ક્રેક્જેક, મોનેકો, 2020 વગેરે જેવાં બિસ્કીટ છે. મેલોડી, મેંગો બાઈટ, કિસ મી, ઍકલેઈર્સ  વગેરે જેવી ચોકલેટ્સ પણ પારલે પ્રોડક્સનો ભાગ છે. આ ઉપરાંત પારલે વેફર્સ અને પારલે નમકીન પણ પારલે પ્રોડકસની પ્રોડક્ટ્સ છે.

૨૦૧૨માં પારલે પ્રોડક્ટ્સનું વેચાણ ૫૦૧૦ કરોડ રૂપિયાનું હતું. જે ગોદરેજ પ્રોડક્ટ્સ અને ડાબર કરતાં વધારે,અને મેગી કરતાં તો ત્રણ ઘણું વધારે હતું.

હાલ કંપની તેની પ્રોડક્ટ્સનું વેચાણ 33,00,000 આઉટલેટ્સ દ્વારા કરે છે. મહારાષ્ટ્ર, કચ્છ, બેંગ્લોર, રાજસ્થાન,અને હરિયાણામાં ઉત્પાદનનાં પ્લાન્ટ છે. જે ભારતનાં સૌથી મોટા બિસ્કીટનાં પ્લાન્ટ છે.

3. પારલે બિસ્લેરી 

પારલે બિસ્લેરી કંપનીનો ભાર રમેશ ચૌહાણ, તેમની પત્ની ઝૈનાબ અને દીકરી જયંતિનાં ખભા પર છે. બિસ્લેરીનાં બધાં જ શેર આ પરિવારની માલિકીનાં છે.

આ કંપનીની પ્રોડક્ટ્સ બિસ્લેરી વોટર, બિસ્લેરી સોડા, વેદિકા, ઉર્ઝા છે. બિસ્લેરી વોટર ૮ અલગ અલગ સાઈઝમાં ઉપલબ્ધ છે.

1995થી રમેશ ચૌહાણનું સંપૂર્ણ ધ્યાન બિસ્લેરીમાં રહ્યું. તેમણે નક્કી કરી દીધેલું કે બિસ્લેરી ને એક મજબૂત અને પ્રખ્યાત કંપની બનાવવી. પરિણામે આપણા મતે, પાણીની બોટલ એટલે ભાઈ, બિસ્લેરી જ !

2003માં બિસ્લેરીએ યુરોપમાં પાયા નાંખ્યા. 2012 સુધી આ કંપની પાસે 18 ઉત્પાદનની સગવડો અને, 13 ફ્રેન્ચાઇઝી અને 58 પેકર્સ કંપનીઓનાં કરાર છે.

2015 અનુસાર, ભારતનાં માર્કેટમાં ‘પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટર’નાં 36% શેર પારલે બિસ્લેરીનાં છે. 

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments