ભાવનગરના પ્રજાવત્સલ રાજવી ‘મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ગોહિલ’

ભાવનગરના પ્રજાવત્સલ રાજવી ‘મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ગોહિલ’

15 ઓગષ્ટ 1947ના દિવસે આપણા દેશે સ્વતંત્રતાનો સુરજ દેખ્યો. જોકે, અંગ્રેજો ભારતને 500થી પણ વધારે રજવાડાઓ સોંપીને ગયા હતા. નામમાત્ર ભારત, પણ હતા તો અલગ અલગ રજવાડા. એ સમયે આઝાદ ભારતના નિષ્ઠાવાન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભારત એક કરવાનું કામ સોંપાયું, જે મોટો પડકાર હતો. કોઈ રાજા શું કામ પોતાનું રજવાડું નવી સરકારના ભરોસે આપી દે ?

ત્યારે ડિસેમ્બર, 1947માં ભાવનગરના મહારાજા દિલ્હી ગઈને બિરલા હાઉસમાં મહાત્મા ગાંધીને મળ્યા. તેમણે તેમના રાજ્યને સ્વતંત્ર ભારતને સમર્પિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આમ, ભાવનગર જાન્યુઆરી 1948માં સ્વતંત્ર ભારતમાં વિલીન થનાર ભારતનું સર્વપ્રથમ રાજ્ય બન્યું. કૃષ્ણકુમાર સિંહજીએ 1800 જેટલા વધારે પાદરો સહીતનું ભાવનગર અને રોકડ સંપત્તિ સહીત સરદાર પટેલને અર્પિત કરેલું ત્યારે કહેલું કે… “હું મારી પ્રજાના હિત માટે આ ભાવનગર અને સંપત્તિ ભારત સરકારને સોંપી રહ્યો છુ.”

ભારત સરકાર સાથે રજવાડાને સમર્પિત કરવા કે ના કરવા તેવા મૂંઝવણમાં મુકાયેલા શાસકોને કૃષ્ણ કુમારસિંહજી એ ઉદાહરણ પૂરું પાડીને અન્ય શાસકોને પ્રેરિત કર્યા, અને સરદાર પટેલના ‘એક ભારત’નું સપનું પૂરું થયું.

તો ચાલો, આવા મહામાનવ પ્રજાપ્રેમી મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ગોહિલનો આજે પરિચય કરીયે.

શરૂઆતનું જીવન !

તેમનો જન્મ, ગોહિલવંશના મહારાજા ભાવસિંહજી અને મહારાણી નંદાનકુંવરબાના ખોળે 19 મે,1912ના રોજ થયો હતો. જોકે, તેઓ માત્ર 7 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાનો સ્વર્ગવાસ થયેલો. ત્યારે ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીએ કૃષ્ણ કુમારસિંહજી ગાદીએ બેઠા ત્યાં સુધી કારોબાર સંભાળ્યો. ભવસિંહજીએ કૃષ્ણ કુમારસિંહજીના શિક્ષણ-ઘડતરની જવાબદારી દીવાન પટ્ટણી સાહેબને આપેલી.

ભાવનગરમાં નીલમબાગમાં ખાનગી શિક્ષણથી શરૂઆતનું શિક્ષણ મેળવ્યુ. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. 16 વર્ષની ઉંમરે અભ્યાસ પૂર્ણ કરીને તેઓ ભાવનગર પરત આવ્યા. ત્યાર બાદ વિવિધ વહીવટી મીટિંગ વગેરેમાં પટ્ટણી સાહેબ સાથે જઈને રાજકીય વહીવટોનો અનુભવ મેળવ્યો.

પ્રજાપ્રેમી ‘મહારાજા કૃષ્ણ કુમારસિંહજી’ તરીકેનું જીવન !

1931માં જયારે તેઓ સક્ષમ થયા ત્યારે સ્વતંત્રરીતે ભાવનગરના રાજ્યની ગાદીએ બેસ્યા. ત્યારે તેમના લગ્ન ગોંડલના મહારાજા ભોજરાજનાં પુત્રી વિજયબા સાથે થયા. મહારાજા કૃષ્ણ કુમારસિંહજીના શાસનકાળના દિવસ શરુ થયા. એક વિઝનરી મહારાજાનો ભવ્ય શાસનકાળ.

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. 1938માં કે.સી.એસ.આઈ. ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું. આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

અમેરિકાની MITમાં વિદેશી વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવેલો. જેમાં જાણવા મળેલું કે 1930થી 1948 સુધીમાં ભારતથી આવેલા વિદ્યાર્થીઓમાંથી 33% વિદ્યાર્થીઓ તો માત્ર ભાવનગર રાજ્યના જ છે. તેનું કારણ હતું મહારાજાનો આ વિદ્યાર્થીઓ માટેનું પ્રોત્સાહન, માર્ગદર્શન અને કરેલી મદદ. મહારાજાએ આ વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે સ્કોલરશીપ આપવામાં આવેલી.

ભાવનગરની પ્રજા માટે મહારાજાએ દરેક ક્ષેત્રમાં સુધારા કર્યા. ગુજરાતનો સૌ પ્રથમ અને એશિયાનો સૌથી મોટો પાણીના શુદ્ધિકરણ માટેનો ઇલેક્ટ્રિક પ્લાન્ટ, ગ્રામ પંચાયતોની વ્યવસ્થા, ભારતમાં સૌ પ્રથમ મ્યુન્સીપાલિટીની વ્યવસ્થાવાળું રાજ્ય, આધુનિક બેન્ક વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, ખેડૂતો માટે દેવાનાબૂદી, ગીર ગાયોની કાળજી, પુસ્તકાલયો, શિષ્યવૃતિ, લેખકોને પ્રોત્સાહન કરવા માટે ફંડ જેવા સેવા કર્યો કરેલા.

બ્રાઝીલની ગીર પ્રજાતિ સાથે સીધો સબંધ.

કેસલો સિડ નામનો બ્રાઝીલીયન ખેડૂત ભાવનગરનો મહેમાન થાય છે. ત્યારે રાજા તેને 2 ગીર ગાયો અને 1 ગીર સાંઢ આપે છે. થોડા સમય પછી તો ખુદ કૃષ્ણકુમાર સિંહજી બ્રાઝીલ જઈને, પશુઓની કાળજી કેવી રીતે થાય છે તે ચેક કરવા ગયેલા.

આ સાંઢના સ્થાનીય ગાયો સાથેના સંવર્ધનની ગાયોની દૂધ આપવાની ક્ષમતા વધી. સાંઢના લીધે બ્રાઝીલને મળેલી નવી ગાયની પ્રજાતિની રોજ દૂધ આપવાની ક્ષમતા 60 લીટરની છે. આ ગાયો 20 વર્ષ સુધી સતત સક્ષમ રહે છે. આજે બ્રાઝીલમાં ગીર ગાયોનો ઉછેર એક મોટો વેપાર છે. સારી સારી ગાયોની કિંમત 9 કરોડથી શરુ થાય છે. બ્રાઝીલમાં ઉત્પાદન થતા દૂધના 80% દૂધ તો માત્ર આ નવી પ્રજાતિની ગીર ગાયોનું હોય છે. આજે બ્રાઝીલની અર્થવ્યવસ્થામાં આ ગીર પ્રજાતિનો મહત્વનો ફાળો છે.

કૃષ્ણ કુમારસિંહજીની ગાય અને સાંઢના લીધે આવેલી ક્રાંતિના કારણે, તેમના સન્માનમાં બ્રાઝીલના સંસદભવન આગળ તેમનું સ્ટેચ્યુ પણ ઉભું કરવામાં આવ્યું છે. ઉપરાંત, બ્રાઝીલના 5 પાઉન્ડના સિક્કામાં ગીર ગાયની કૃતિ કંડારવામાં આવી છે.

ભાવનગર બાદ…

હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું. તેઓએ 15મી જાન્યુઆરી, 1948ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.

ઇ.સ. 1948માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ.

એ દિવસે ભાવનગરના એકેય ઘરમાં ચૂલો નહોતો સળગ્યો.

2 એપ્રિલ, 1965ના રોજ મહારાજાનું હૃદયરોગના કારણે અવસાન થયું. તેમના અવસાનના સમાચાર ભાવનગરની પ્રજાના કાને પડ્યા. શોકાતુર પ્રજાએ રાજાના માનમાં એ વખતે સ્વયંભૂ ‘ભાવનગર બંધ’ રાખેલું. લોકોએ રાજાના માનમાં ઘરે ચૂલા પણ નહોતા સળગાવ્યા.

પ્રજાપ્રેમી રાજા જયારે પ્રાર્થના કરતા, ત્યારે તેઓ ભગવાનને કહેતા કે ‘મારી પ્રજાનું કલ્યાણ થાજો’ . તેમના દેવલોક પામ્યા બાદ તેમની સમાધિ પર પણ કંડારેલું છે, “મારી પ્રજાનું કલ્યાણ થાજો”.

માટે, આજે પણ ભાવનગરના લોકો કૃષ્ણ કુમારસિંહજીને ભગવાન માનીને યાદ કરે છે. આપણે હંમેશા તેમના પરોપકારોના ઋણી રહીશું.


નોંધ. : પ્રજાહિતકારી મહારાજા શ્રી કૃષ્ણ કુમારસિંહજીના પરોપકારના દાખલા એટલા છે કે એક આર્ટિકલમાં લખવા બેસાય એવા નથી. માટે, તમને કોઈ જાણ હોય તો તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments