આજના જમાનામાં તબીબી સારવાર એટલી આધુનિક થઈ ગઈ છે, કે હવે કેન્સર જેવી જીવલેણ બીમારીની પણ સારવાર શક્ય છે. ઓગણીસમી સદીમાં, ભારતમાં આટલી અત્યાધુનિક સેવાઓ શક્ય નહોતી. એનું ઉદાહરણ, જે સુરતમાં પ્લેગ રોગ ફાટી નીકળેલો તે જ જોઈ લો.
વધુમાં, એ વખતે મહિલાઓના શિક્ષણને પણ કાઇ ખાસ મહત્વ નહોતું અપાતું. એવા સમયમાં બોમ્બે પ્રેસિડેંસીના આનંદીબાઈ જોષીએ ભણી ગણીને, સખત પરિશ્રમથી ભારતના સૌ પ્રથમ મહિલા ડોક્ટર બન્યા. મહદઅંશે એવું માનવામાં આવે છે અમેરિકાની ધરતી પર પગ મૂકનાર તે પ્રથમ ભારતીય/હિંદુ મહિલા હતા.
ભારતના સૌ પ્રથમ મહિલા ડોક્ટર : ડો. આનંદીબાઈ જોષી
શરૂઆતનું જીવન.
જન્મ સમયે યમુના નામથી ઓળખાતા આનંદીબાઈનો જન્મ 31 માર્ચ, 1865ના રોજ મહારાષ્ટ્રના થાણા જીલ્લામાં કલ્યાણ ખાતે રૂઢિચુસ્ત અને સુખી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તત્કાલીન સમાજ વ્યવસ્થા અને પરિવારના દબાણ હેઠળ ફક્ત ૯ વર્ષની કુમળી વયે તેમના લગ્ન તેમનાથી વીસેક વર્ષ મોટા અને વિધુર એવા ગોપાલરાવ જોષી સાથે કરવામાં આવ્યા. તેમના પતિએ લગ્ન બાદ તેમનું નામ આનંદી રાખ્યું.
ગોપાલરાવ કલ્યાણમાં ટપાલ (પોસ્ટ) ખાતામાં ક્લાર્ક તરીકે કામ કરતાં હતા. ત્યારબાદ તેમની બદલી અલીબાગ ખાતે અને છેલ્લે કલકત્તા ખાતે થઇ હતી. તેઓ સુધારાવાદી વિચારસરણી ધરાવતા હતા અને સ્ત્રી-શિક્ષણના હિમાયતી હતા.
માત્ર 14 વર્ષની ઉંમરે આનંદીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો. કમનસીબે તે માત્ર માંડ દસેક દિવસ જીવ્યો. આ ઘટનાથી તેમને ભારતની તબીબી સારવારની નબળાઈનો ખયાલ આવ્યો. એક ગર્ભવતી મહિલાને, પુરુષ ડોક્ટરને પોતાની તકલીફ જણાવતા અનુભવાતો સંકોચનો પણ તેમને ખયાલ થયો. આ ઘટનાના કારણે, તેમણે ડોક્ટર બનવાનો દ્રઢ નિર્ણય કર્યો.
અભ્યાસ, ગોપાલરાવનો ટેકો !
ઓગણીસમી સદીના ભારતમાં એવું ભાગ્યે જ જોવા મળતું કે પત્નીના ભણતર માટે પતિ સહાય કરે. આનંદીબાઈ ભણીને પોતાના પગ પર ઊભા રહી શકે, અને પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે તે માટે ગોપાલરાવે આનંદીબાઈને ડાક્ટરી અભ્યાસ માટે ટેકો આપ્યો. તે વખતે આનંદીબાઈની તબિયત ધીમે ધીમે નાદુરસ્ત થવા લાગેલી.
ગોપાલરાવે 1880માં તેમણે અમેરિકાના એક પ્રસિદ્ધ સેવાભાવી રોયલ વાઈલ્ડરને એક પત્ર મોકલ્યો, જેમાં તેમણે આનંદીબાઈની અમેરિકામાં ચિકિત્સાનો અભ્યાસ કરવાની પ્રબળ ઈચ્છા જણાવી, તથા પોતાના માટે અમેરિકામાં નોકરી વિશે પૂછતાછ કરી. વાઇલ્ડરે તેની પ્રિન્સટન’ઝ મિશનરી રિવ્યુમાં અહેવાલ પ્રકાશિત કર્યો.
થિયોડિસીયા કારપેન્ટર, જેઓ ન્યુ જર્સીના રોઝેલની રહેવાસી હતી. દાંતની સારવાર માટે ડોક્ટરની રાહ જોતી વખતે, નજર ટેબલ પરના આ અહેવાલ પર પડી. તેણે આ અહેવાલ વાંચ્યો. આનંદીબાઈની તબીબી અભ્યાસ કરવાની ઇચ્છા અને પત્ની માટે ગોપાલરાવના સમર્થન બંનેથી પ્રભાવિત થતાં, તેમણે આનંદીબાઈને પત્ર લખ્યો. જેમાં આનંદીબાઈને મદદ કરવા માટે પોતાની તૈયારી જણાવી. આનંદીબાઈની તબિયત નાદુરસ્ત હોવા છતાં ગોપાલરાવે આનંદીબાઈને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. તેણે આનંદીબાઈને ભારતીય મહિલાઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા અને પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું. ત્યારે, આનંદીબાઈ પણ અમેરિકા જવા તૈયાર થયા.
પશ્ચિમમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટેની આનંદીબાઈની યોજનાઓ વિશે જાણતાં રૂઢિચુસ્ત ભારતીય સમાજે તેમનો ખૂબ જ વિરોધ કર્યો.
અમેરિકા ગયા તે પહેલા, 1883માં એક જાહેરસભાને સંબોધન કરતાં આનંદીબાઈએ કહેલું કે…
ભારતમાં મહિલા ડોક્ટરોનો આભાવ એક ગંભીર સમસ્યા છે. તે વિષય પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે… મિડવાઈફરી શીખવતા તબીબી શિક્ષકો હજુય પણ પોતાના રૂઢિચુસ્ત મંતવ્યો ધરાવે છે.
તેમનો અમેરિકામાં અભ્યાસ !
આનંદીબાઈએ કલકત્તાથી જળમાર્ગે ન્યૂયોર્ક સુધીની મુસાફરી કરી. ન્યુ યોર્કમાં, થિયોડિસીયા કારપેન્ટરે જૂન 1883માં તેમનું સ્વાગત કર્યું. આનંદીબાઈએ પેન્સિલવેનિયાની વુમન મેડિકલ કોલેજને અગાઉથી જ પત્ર લખીને તેમના તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા અંગે જણાવ્યું હતું.
આનંદીબાઈએ 19 વર્ષની ઉંમરે તબીબી તાલીમ શરૂ કરી. અમેરિકામાં ઠંડા વાતાવરણ અને અપરિચિત આહારને લીધે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમને ક્ષય રોગ થયો. તેમ છતાં, તેમણે માર્ચ 1886માં એમ.ડી. સાથે સ્નાતક થયા. તેમના મહાનિબંધનો (thesis) વિષય હતો આર્યન હિન્દુઓમાં પ્રસૂતિશાસ્ત્ર! આ મહાનિબંધમાં આયુર્વેદિક ગ્રંથો અને અમેરિકન તબીબી પુસ્તકો બંનેનાં સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આનંદીબાઈના સ્નાતક થવા બદલ બ્રિટેનના રાણી વિક્ટોરિયાએ તેમને અભિનંદનપત્ર મોકલ્યો હતો.
1886માં વુમન્સ મેડિકલ કોલેજ ઓફ પેન્સિલ્વેનિયામાંથી સ્નાતક થનારા આનંદીબાઈ જોષી (ડાબે), કેઇ ઓકમી (મધ્યમાં) અને સબત ઇસ્લામ્બુલી (જમણે). ત્રણેય મહિલાઓએ તબીબી અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમાંથી દરેક તેમના દેશના પશ્ચિમી ચિકિત્સાની ડિગ્રી મેળવનારી પહેલી મહિલા હતી.
સિદ્ધિઓ અને સન્માન.
તેઓ જ્યારે સ્નાતક થયા, ત્યારે ત્યાના અખબાર પત્રની હેડ લાઇન્સમાં આનંદીબાઈ છવાયા. ફિલેપેન્ડિયા પોસ્ટ નામના અખબારમાં હેડલાઇન હતી…
ઈ.સ. 1886ના અંતમાં તેઓ ભારત પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે વખતના કોલ્હાપુરના રજવાડાએ તેમને આલ્બર્ટ એડવર્ડ હોસ્પીટલના સ્ત્રી-વિભાગના પ્રભારી ચિકિત્સક તરીકે નિયુક્ત કર્યા. કમનસીબે આનંદીબાઈ ક્ષય રોગમાં સપડાયા અને ભારત પરત આવ્યાના વર્ષની અંદર જ ૨૬મી ફેબ્રુઆરી ૧૮૮૭માં માત્ર એકવીસ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
- 1888માં કેરોલિન ડોલે, આનંદીબાઈની બાયોગ્રાફી લખી.
- દૂરદર્શન પર કમલકર સારંગ વડે દિગ્દર્શિત “આનંદી ગોપાલ” નામની હિંદી ધારાવાહિક પ્રસારિત થઇ હતી.
- શ્રીકૃષ્ના જનાર્દન જોષી એ આનંદીબાઇના જીવન પરથી મરાઠી નવલકથા આનંદી ગોપાલ લખી છે. તેનું અંગ્રેજી ભાષાંતર આશા દામલે અને નાટ્ય રૂપાંતર રામ જોગલેકર દ્વારા કરવામાં આવ્યું છે.
- 31 માર્ચ 2018 પર, તેમના જન્મદિવસે ગૂગલે આનંદીબાઈના સન્માનમાં ગૂગલ ઈન્ડિયાના હોમપેજ પર આનંદીબાઈનું ડૂડલ પ્રદર્શિત કર્યું હતું.
- આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ દ્વારા, 1994માં શુક્ર ગ્રહ પરના એક ક્રેટરનું નામ જોષી અપાયું હતું. આ ઉપરાંત અન્ય ૨ ભારતીય મહિલાઓને પણ આ સન્માન મળ્યું છે. ( જેરુષા ઝીરદના નામ પરથી – ઝીરદ ક્રેટર, અને રામબાઈ મેધાવીના નામ પરથી મેધાવી ક્રેટર)
- આ ઉપરાંત, 2019માં આનંદી ગોપાલ નામની મરાઠી ફિલ્મ બની.
શબ્દોત્સવ.
આનંદીબાઈના જ શબ્દોમાં કહીયે તો…