મેં આજે ફેસબુકને અલવિદા કહી દીધું!
– ઉર્વીશ પટેલ
મેં તા: 31-07-2017નાં રોજ બપોરે 4 વાગ્યેને 47 મિનિટે ફેસબુકને એક વર્ષ માટે અલવિદા કહી દીધું છે. હવે મને ખબર છે, મારા સગાવહાલાં અને મિત્રો નીચે કોમેન્ટમાં પૂછવાના કે ભાઈ કેમ છોડ્યું ? એમને એ નથી ખબર કે કદાચ જવાબ વર્ષ પછી જ કોમેન્ટમાં મળશે. એમને ખોટી રાહ ના જોવી પડે એટલે મેં અહીં મારી આ વેબસાઈટનાં માધ્યમથી તેમનાં સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ.
કેમ આ પગલું ભર્યું ?
આનું એક દેખીતું અને સૌથી ખતરનાક કારણ છે, સમય. હવે નીચેની વાતોથી તમને એમ થશે કે આવું તો ઘણાં બધાં લોકો કહે છે અને શિખામણ પણ આપે છે. પણ તમે કોઈ દિવસ શું એ વાતો અને શિખામણોને ગંભીરતાથી સ્વીકારી ખરાં ? મેં સ્વીકારી એટલે ફેસબુક છોડ્યું.
- સમયનો બગાડ ! – ‘ટાઈમ ઇઝ મની’ , આ સનાતન સત્ય કહેનારા અને સમજનારા બંને ફેસબૂકની માયાજાળમાં ફસાઈ ચૂક્યા છે. રોજ મારો મોટા ભાગનો સમય ફેસબુક પર નહીં, પણ તેનાં વિડીયો જોવામાં જ જાય છે. મોટાભાગનાં વિડીયો થોડાંક સમય મનોરંજન પૂરું પાડશે,હસાવશે, પણ કામ એકેય નહીં લાગે. મેં મારા સમયનું સાચું રોકાણ કરવાં માટે મેં આ પગલું ભર્યું છે.
બીજું ખતરનાક કારણ ગોપનીયતા (અહીં મેં Privacyનો ડીક્ષનરીમાંથી શોધીને શબ્દ લખ્યો છે). Privacy/ગોપનીયતા એટલે પોતાનાં વિષેની તમામ વાતો કે પરિસ્થિતિઓ, જે મોટાભાગે આપણને જ ખબર હોય. એટલું તો સમજાઈ ગયું કે ફેસબુકમાં આપણી કેટલીયે privacy રહેતી નથી, આપણી કેટલીયે ખાનગી પરિસ્થિતિઓનો ફેસબુક પોતાનાં સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.
- Privacy નું ઉલ્લંઘન – તમે ક્યારેક એવું અનુભવ કર્યું કે, તમે કઈંક વસ્તુ કે સર્વિસ માટે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ પર સર્ચ કરેલું હોય, અને થોડી જ વારમાં એ વસ્તુ તમારી ફેસબુકની વોલ પર દેખાઈ હોય ? મોટાભાગનાં લોકોએ આવી પરિસ્થિતિનો અનુભવવ કર્યો જ હશે. ફેસબૂકનાં કન્સેપટને “માઈક્રો-ટાર્ગેટીંગ એડવર્ટાઇઝમેન્ટ” કહે છે. માઈક્રો-ટાર્ગેટીંગ એડવર્ટાઇઝમેન્ટ એટલે એડવર્ટાઈઝમેન્ટ તો ખરી જ, પણ જે લોકોને તે વસ્તુની જરૂર છે તેને જ એ જાહેરાત દેખાડવી! આપણી Privacyનું ઉલ્લંઘન કરીને ફેસબુક તેનાં આ કન્સેપટને કારણે દિવસેને દિવસે રૂપિયાનાં ઢગલાં કરી રહ્યું છે.
ફેસબુકનાં બીજા ઘણાં બધા આવા કારણો છે, પણ મેં મારો સમય બચાવવા ફેસબુક છોડ્યું છે.
થોડી ઊંડાણ પૂર્વક સમજણ !
ફેસબુક પર સમયનો બગાડ કઈ રીતે થાય છે, એનાથી તમે પોતે પણ પરિચિત જ છો. પણ તમારી Privacy/ગોપનીયતા સાથે કઈ રીતે છેડાં કરવામાં આવે છે,એનાથી આપણું શું નુકશાન, ફેસબૂક તો ફ્રી છે તો તેની આવક કઈ રીતે થાય છે ? તમારી આ બધી બાબતો પર મારે પ્રકાશ પાડવો છે. 2004માં જયારે ફેસબુકની ઝુકેરીયાએ શરૂઆત કરી. ધીમે ધીમે ફેસબુક દરેક ખૂણે પ્રસરાયું અને પછી ધીમે વર્ષેને વર્ષે ફેસબુકની વાર્ષિક આવકનો ગ્રાફ ઉપર જ જવા મંડ્યો. પણ ફેસબુકની આવક અને આપણે શું લેવા-દેવાં ભાઈ ? આપણું શું નુકશાન ?
પહેલાં તો વાત કરીયે સમયની ! ફેસબુક પર દિવસેને દિવસે વિડીયો વધુ જોવા મળે છે. મોટાંભાગનાં લોકોનું ફેસબૂક પર સમય પસાર કરવા પાછળનું કારણ, મનોરંજન પૂરું પાડતાં આવાં વિડીયો જ છે. જેમાંના કેટલાંક કોમેડી, તો કેટલાંક દુઃખદ કે હૃદયસ્પર્શી, કેટલાંક PRANK કે કેટલાંક સત્ય બહાર લાવતાં , કેટલાંક કોઈની આવડત, કૌશલ્ય કે કલાને પ્રમોટ કરતાં હશે, કેટલાંક કામ વગરનાં, કેટલાંક પ્રેરણાત્મક કે કેટલાંક ગેરમાર્ગે દોરતાં. મોટાભાગનાં વિડીયો નકામા જ હશે, 2-3 મિનિટનું મનોરંજન આપશે અને તેને લગતાં અને તેનાં જેવાં જ અન્ય વિડીયો તમારી વૉલ પર આવ્યા કરશે. આજ છે ફેસબૂકનું માયાજાળ. જે તમને ગમે છે તે જ તમને બતાવવું.
હવે ગોપનીયતા/privacyની વાત ! એક હકીકત છે, ફેસબૂક તમારા વિષે તમારાં કરતાં વધુ જાણે છે. જો તમે કોઈ દિવસ બહાર ક્યાંક ફરવા ગયા હશો, તો તમને કદાચ તે દિવસની તારીખ યાદ નહીં હોય, પરંતુ ફેસબુક ને ખબર હશે. તમે કદાચ કોઈંકે દિવસ એવું પણ અનુભવ કર્યું હશે કે તમે કોઈ પ્રોડક્ટનાં શૉ રૂમમાં જોવા ગયા હશો, અને ઘરે આવીને આરામ કરતી વખતે ફેસબૂક ખોલ્યું હોય અથવા રાત્રે સૂતી વખતે ફેસબૂક ખોલ્યું હોય, અને એને લગતી જાહેરાતની પોસ્ટ કે વિડીયો તમારી ફેસબૂક વૉલ પર દેખાય. ફેસબૂકને તમે ક્યાં જાઓ છો તે પણ ખબર જ હોય છે. આપણી Privacy કે અગત્યની માહિતીનો ફેસબૂક કઈરીતે ઉપયોગ કરી શકે ?
- ચેહરા પરથી ટેગ કરવાની બાબત – તમે કોઈને ટેગ કરતાં હો તો તમને ખબર હશે કે તમે એ મિત્ર કે સગાંના ચેહરા પર ટેપ કે ક્લિક કર્યું હશે ને તરત જ સજેશનમાં એનું નામ આવશે. કદી વિચાર્યું આ કઈ રીતે થયું ? ફેસબુકનાં ડેટાબેઝમાં તમારો ચેહરો જ નહીં, તમારી એક એક પ્રવુત્તિઓની માહિતી છે.
- લોકેશન ટ્રેકિંગ – ફેસબૂકની મોબાઈલની મોબાઈલ એપમાં ‘Near by’ નું તમે જોયું હશે. જેમાં તમારી આસપાસ થોડાં અંતરે આવેલાં તમારાં મિત્રોનું લિસ્ટ બતાવે છે. જોકે, ફેસબૂક આ ફીચર ઓન/ઓફ કરવાની સગવડ આપે જ છે, પણ ઓન હોય તો આ યુઝરની એક સંવેદનશીલ માહિતી કહેવાય. આ માહિતીનો ઉપયોગ કોઈ ખોટો ઉપયોગ પણ કરી શકે. શાણપણ આ ફીચર બંધ રાખવામાં જ છે.
- તમારો ડેટાબેઝ – ફેસબૂક પાસે તમારા વિષે કદાચ તમને ખબર હશે એના કરતાં પણ વધુ માહિતી હશે. 2-3 મહિના પહેલાં તમે કયું મુવી જોવા ગયા, કે હોટલમાં ગયા તે તમને કદાચ યાદ ના પણ હોય, પણ ફેસબૂકને ખબર હશે. ફેસબૂક તમે ક્યાં જાઓ છો, કેવાં પ્રકારની દુકાન કે શોપમાં તમે જાઓ છો, તે બધો ડેટા ભેગો કરી અને તેનું વિશ્લેષણ કરી, તમારી વૉલ પર, જે તમે ખરીદવાનું વિચારી રહ્યા હશો એની જ જાહેરાત પ્રદર્શિત કરશે. તમારી સાથે પણ કદાચ આવું થયું હશે, તમે બુટ ખરીદવા માટે વૂડલેન્ડનાં શો રૂમમાં ગયા હો, અને તમને ના ગમ્યા કે પછી ખરીદવાનું વિચાર્યું. પછી થોડાક જ કલાકમાં ઘરે આવીને કે રસ્તામાં તમે ફેસબૂક ઓપન કર્યું હોય, અને વૂડલેન્ડની જ જાહેરાત કે ફોટો કે તેને લગતો વિડીયો તમને તમારી વૉલ પર જોવા મળ્યો હોય.
આ બધું તો સમજ્યા, પણ ફેસબૂક ફ્રી હોવાં છતાં કઈ રીતે આવક ઉભી કરે છે ?
દિવસેને દિવસે ઝુકેરીયાનો ગ્રાફ ઊંચો વધતો જાય છે. ફેસબૂક નાની-મોટી કંપનીઓ પણ ખરીદવામાં લાગ્યું છે. પણ આ બધા માટે તે આવક ક્યાંથી લાવે છે ? તો ફેસબૂકની આવકનો સૌથી મોટો સ્ત્રોત છે, એડવર્ટાઇઝમેન્ટ! હવે આ બધાં સ્ત્રોત સમજીયે.
- એડવર્ટાઇઝમેન્ટ – એડવર્ટાઈઝ વિષે તો તમે ઘણું બધું જાણો જ છો. ગૂગલ, ફોર્ડ, વિઝા, મેકડોનાલ્ડસ, સેમસંગ, નેસ્લે, સ્ટારબક્સ વગેરે જેવી દિગ્ગજ કંપનીઓ ફેસબૂક પર પોતાની પ્રોડક્ટ્સની જાહેરાત માટે જંગી રોકાણ કરી ચૂક્યું છે. સેમસંગે તો ફેસબૂકનું લોગઆઉટ પેજ Galaxy S3ની જાહેરાત કરવાં ખરીદ્યું હતું.
- મોબાઈલ એડવર્ટાઇઝમેન્ટ – ઉપર જે સમજાયું, કે તમારી Privacy નો ઉપયોગ કરી ફેસબૂક કઈ રીતે આવક ઉભી કરે છે.
- સ્ટોકસ – શેરબજારમાંથી.
- ફેસબૂક ગેમ્સ – ફેસબૂક ઓનલાઇન ગેમ્સનું એક માધ્યમ બની ગયું છે, પણ આપણે દ્વારા રમાતી આ ગેમ્સ માટે ડેવલોપર્સે ફેસબૂકને નિર્ધારિત રકમ આપવી પડે છે.
- ફેસબૂક ક્રેડિટ્સ – ફેસબૂક ગેમ્સમાં અમુક ગેમોમાં કોઇન્સ,ચિપ્સ, વગેરે જેવી ક્રેડિટ્સ ખરીદવાં માટે ફેસબૂક ક્રેડિટ્સ નામની વર્ચ્યુઅલ(આભાસી) રકમની સિસ્ટમ છે. યુઝર ફેસબૂક ક્રેડિટ્સ ખરીદીને જે-તે ગેમમાં ચિપ્સ,ક્રેડિટ્સ,જેમ્સ ખરીદી શકે છે.
- સ્પોનસર સ્ટોરી, પેઈડ લાઇક્સ વગેરે – પેજ પર લાઇક્સ વધારવાની, કોઈ ખાસ વિડીયો કે ફોટો પર લાઈક વધારવાની, વગેરે જેવી સગવડો માટે યુઝરે પૈસા ચૂકવવા પડે છે.
બસ હવે, અહીં જ પૂર્ણવિરામ મુકું છું, તમારો કિંમતી સમય આપવા બદલ આભાર !