સફળતા પહેલાની નિષ્ફળતા : જે કે રોઉલિંગ

દરેક સામાન્ય માપદંડોના પરથી કહીએ તો, હું સૌથી મોટી  નિષ્ફળ માણસ હતી. 

આ શબ્દો, જે.કે રોઉલિંગના છે. જોઆન કૅથલિન રોઉલિંગની જીવનગાથા કોઈ પરીઓની વાર્તાઓ કરતા ઓછી રસપ્રદ નથી. તેમની આ ઘણી મોટી સફળતાની પહેલા, તેઓ ભારે દુઃખ અને સખત ગરીબાઈમાં પણ જીવન વિતાવ્યું છે. તો ચાલે આપણે જાણીએ “વિશ્વના પહેલા અબજોપતિ લેખક” ની જીવનસફર ! 

1990માં જોઆનના માન્ચેસ્ટરથી લંડનની ટ્રેન મોડી પડી, ત્યારે તેમના મનમાં હેરી પોટર, રોન વિઝ્લી, અને હર્માઇની ગ્રેન્જર નામના મુખ્ય પાત્રોનો વિચાર આવ્યો હતો. અન્ય મુસાફરો માટે આ માત્ર એક સફર જ હતી, પણ જોઆન માટે ઘણું બધું હતું. તેમણે એ સફર દરમિયાન એક છોકરાની કલ્પના કરી, જેને આજે આખી દુનિયા જાણે છે, હેરી પોટર. આ ઉપરાંત તેમણે હોગવર્ટ્સના ઘણા જાદુગરો અને ચુડેલોના પાત્રોની કલ્પના કરી દીધી હતી, અને તે રીતે બધા પાત્રો તેમની આ નવલકથામાં ધીમે ધીમે બંધ બેસતા ગયા. તે સમયે તેમને એવો ખયાલ પણ નહોતો કે આ તેમની જાદુઈ નવલકથાની શ્રેણી “હેરી પોટર” ના મુખ્ય પાત્રો હશે.

અને આ રીતે, વિશ્વની પ્રસિદ્ધ શ્રેણી “હેરી પોટર” ની સફર શરુ થઇ હતી.

જોઆનની સફળતા

તેમણે તેમના જીવનની ઘટનાથી પ્રેરિત થઇને, તેમની નવલકથાની સિરીઝમાં અમુક ઘટનાઓ અને પાત્રો લખ્યા જ છે.

બાળપણ, શિક્ષણ અને લગ્ન પહેલાનું જીવન.

તેમનો જન્મ 31 જુલાઈ, 1965ના રોજ મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા રોલ્સ-રોય્સમાં એરક્રાફ્ટ એન્જીનીયર હતા અને માતા સાયન્સ ટેક્નિશિયન હતા. જોઆન 4 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર નજીકના ગામમાં સ્થાયી થયો. જ્યાં સૅન્ટ માઈકલ પ્રાયમરી સ્કૂલમાં ભણ્યા. 

અલ્બસ ડમ્બલડોર
અલ્બસ ડમ્બલડોર

આ સ્કૂલના જ પ્રિન્સિપાલ પરથી તેમણે તેમની નવલકથામાં હેરી પોટરના હેડમાસ્ટર અલ્બસ ડમ્બલડોરનું પાત્ર લખ્યું હતું. જોઆનને લખવાનો શોખ બાળપણથી જ હતો. તેઓ તેમની લખેલી વાર્તાઓ તેમની બહેનને સંભળાવતા હતા. 

ત્યારબાદનો અભ્યાસ વાયડીઅન કોલેજમાં કર્યો. આ દરમિયાન તેમના કાકીએ તેમને જેસ્સીકા મિટફોર્ડની બાયોગ્રાફીનું પુસ્તક, “હોન્સ ઍન્ડ રીબલ્સ” આપ્યું. જે તેમણે વાંચ્યું અને જાણે તેઓ, જેસ્સીકાના દોસ્ત બની ગયા. ત્યારબાદ જેસિકા પરના એક પછી એક, બધા પુસ્તક વાંચી કાઢ્યા. 1982માં ઓક્સફર્ડ યુનિવર્સીટીની એન્ટરન્સ પરીક્ષા પણ આપી, પણ ત્યાં તેમની પસંદગી ના થઇ, અને તેથી એક્સેટર યુનિવર્સીટીમાંથી ફ્રેન્ચ ભાષા પર બી.એમાં સ્નાતક થયાસ્નાતક થયા બાદ, ઍમનેસ્ટી ઇન્ટરનેશનલમાં સેક્રેટરી તરીકે કામ કર્યું. ત્યારબાદ માન્ચેસ્ટરમાં ચેમ્બર ઓફ કોમર્સમાં પણ કામ કર્યું. 

તેમની માતાનું અચાનક અવસાન.

1991માં,જયારે તેઓ 25 વર્ષના હતા. તે દિવસોમાં ‘હેરી પોટર’ નું પાત્ર લખાઈ રહ્યું હતું, અને તેઓ તેમની માતા સાથે માન્ચેસ્ટરમાં રહેતા હતા. તે દરમિયાન તેમની માતાનું મલ્ટીપલ સ્કલરોસિસ નામની બીમારીને કારણે અવસાન થયું હતું. આ કારણે જોઆન સંપૂર્ણપણે તૂટી ગયા હતા. 

આ ઘટનાના પરિણામે તેમના લેખન કાર્ય પર પણ અસર પડી હતી. તેમની માતા ગુમાવાની સંવેદના પરથી તેમણે, હેરી પોટર 1 વર્ષનો હતો ત્યારે તેણે તેના માતા પિતા ગુમાવ્યા હતા તે ઘટના લખી હતી.

નિષ્ફળ લગ્નજીવન, અને આત્મહત્યાનો પ્રયાસ.

તેમના માતાના અવસાન બાદ નોકરીની શોધમાં તેઓ પોર્ટુગલ સ્થાયી થઇ ગયા. ત્યાં ઇંગલિશ વિષયના શિક્ષિકા રહ્યા. તે દરમિયાન તેઓ રાત્રે નોકરી અને દિવસના અમુક કલાકોમાં લેખનનું કાર્ય કરતા હતા. 1992માં ત્યાંના એક ટીવી જર્નાલિસ્ટ સાથે લગ્ન કર્યા. 1993માં તેમના ઘરે દીકરીનો જન્મ થયો. તેના એક વર્ષ પછી પતિ સાથે નિયમિત અણબનાવોના કારણોસર, એક સૂટકેસ અને દીકરી સાથે પોતાનું ઘર છોડી એડીનબર્ગ,સ્કૉટલેન્ડમાં તેમની બહેનના ઘરની નજીક, વેલફેર હાઉસ(કલ્યાણઘર)માં રહ્યા, જ્યાં બ્રિટિશ સરકાર ગરીબ અને સિંગલ પેરેન્ટના જીવનવ્યાપન માટે આર્થિક સહાય કરતી હતી. નાણાંની તંગી, બેરોજગાર હોવા છતાં ગમે તેમ કરી એકલા હાથે દીકરીનું ભરણપોષણ કર્યું.

તે સમય દરમિયાન જોઆન માનસિકતણાવોથી પસાર થઇ રહ્યા હતા, ને એટલા માટે જ તેમને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવેલો. સદ્ભાગ્યે આ વિચાર બદલી તેમણે નક્કી કર્યું કે, હવે તેમનામાં જેટલો શોખ અને તાકાત છે, તે બધી હવે એક જ કામમાં લગાવશે, જે કામ તેમના સિવાય અન્ય કોઈ સારી રીતે કરી શકે તેમ નથી, અને તે છે “લખવાનું કામ”. હૅરીપોટરના ત્રીજા પુસ્તકમાં, ડીમેન્ટર્સ જેવા દૈત્ય પાત્રોના સર્જનનું કારણ, આ માનસિક તણાવો જ હતા. તેઓ તેમની દીકરી સુઈ જાય તે દરમિયાન કેફેમાં બેસીને લખતા હતા.

તેમનો પતિ દીકરી અને તેમની શોધમાં સ્કૉટલેન્ડ આવી પહોંચ્યો. 1994માં તેમના કાયદેસર રીતે ડિવોર્સ થયા

પહેલું પુસ્તક પુરુ થતાં 5 વર્ષ થયા. 12 પ્રખ્યાત પબ્લિકેશન હાઉસમાં રિજેક્ટ થયું.

તેમના પતિનું ઘર છોડતી વખતે તેમની સૂટકેસમાં કપડાં સિવાય હૅરી પોટરના પહેલા પુસ્તકના ત્રણ પ્રકરણ હતા.

તેમણે પોતાના પર અને “હેરી પોટર” પર પુરેપુરો વિશ્વાસ જાળવી રાખ્યો. તેમની માનસિક સ્થિતિ પર પુરેપુરી રીતે હેરી પોટરમાં જ ડૂબેલી હતી, અને આજ કારણોસર તેમણે એક નાનામાં નાના પાત્રને પણ ખુબ સારી રીતે રજૂ કરી શક્યા છે. હોગવર્ટ સ્કૂલના દરેક વિદ્યાર્થીના નામ અને તેમની વિશેષ જાદુઈ શક્તિ વગેરે જેવી નાની નાની બાબતો પર તેમણે બારીકાઇથી લખીને રજૂ કર્યું છે.

તેમણે માનસિક તણાવોમાં વિતાવેલો સમય અને અન્ય નિષ્ફળતાઓના કારણે તેઓ વધુ મજબૂત બન્યા. પોતાના પર પુરેપુરો વિશ્વાસ અને 5 વર્ષની સખત મહેનતના પરિણામે તેમણે 5 વર્ષે પહેલું પુસ્તક પૂરું કર્યું. 

1995માં, પુસ્તક તો પૂરું કરી દીધું, પણ તેને બહાર પાડવા માટે હવે પબ્લિકેશન હાઉસના ધક્કા ખાવાના શરુ થયા. તે દરમિયાન તેમણે તે પુસ્તકના પહેલા પ્રકરણને તો લગભગ પંદરેક વખત ફરીથી લખ્યો. તેઓ જાણતા હતા કે પુસ્તક બહાર પાડવું સરળ નથી. બધા પબ્લિકેશન હાઉસમાંથી તેમને જવાબ મળતો હતો કે, “બાળકોને આ પુસ્તક સમજવામાં મુશ્કેલ પડે એવું છે”, “આ પુસ્તક બહુ લાબું છે”, “બાળકોને આમાં રસ નહીં પડે” વગેરે! પહેલું પુસ્તક બહાર પડ્યું એ પહેલા બાર જેટલા પબ્લિશિંગ હાઉસમાંથી રિજેક્ટ થયું હતું.

અને છેવટે, ગ્રીન સિગ્નલ મળ્યું, અને સફળતાની શરૂઆત થઇ ! 

છેવટે લંડનના “બ્લૂમ્સબરી” નામના પબ્લિશિંગ હાઉસે આ પુસ્તકને ગ્રીન સિગ્નલ આપ્યું. ત્યારે જોઆનને તેમના પેન નામ(તખલ્લુસ)માં “K” ઉમેર્યું. માત્ર ચાર હજાર ડોલરમાં બ્લૂમ્સબરીએ પુસ્તકના રાઇટ્સ ખરીદ્યા. 26 જૂન, 1997ના રોજ તેમનું પહેલા પુસ્તકની 1000 નકલો છાપી, અને જેમાંથી 500 લાયબ્રેરીમાં મોકલી, જેની કિંમત આજે સોળ થી પચીસ હજાર યુરો આંકી શકાય. આ પુસ્તકે શરૂઆતમાં જ છાજલીઓ ઓળંગી દીધી. 

1998માં અમેરિકન પબ્લિશિંગ કંપની, સ્કૉલેસ્ટિકએક લાખ પાંચ હજાર ડોલરમાં ખરીદી, બ્લૂમ્સબરી પાસેથી રાઇટ્સ ખરીદી લીધા. આ જ સમય હતો જયારે આખી દુનિયા હેરી પોટરની જાદુઈ સફર પર નીકળી પડી હતી. ત્યારબાદ ઓક્ટોબર 1998માં વોર્નર બ્રધર્સ“એ પહેલા બે ભાગ માટેના રાઇટ્સ 1.5 મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. 

….. થી “દુનિયાના પ્રથમ અબજોપતિ લેખક” બન્યા સુધી !

અને તે સમયથી દુનિયા હેરી પોટરની જાદુઈ સફરમાં ડૂબી ગયું. તેમના ત્રીજા અને ચોથા પુસ્તકોએ બધા જ રેકોર્ડ તોડી દીધા. તેમની આ હેરી પોટર સિરીઝની અત્યાર સુધી 450 મિલિયન કરતા પણ વધુ નકલો વહેંચાઈ ગઈ છે. જે આજે સૌથી વધુ વહેંચાયેલ સિરીઝ છે. આ સિરીઝની સફળતાના પરિણામે, જોઆનનું જીવન બદલાઈ ગયું. 

2011માં ફોર્બ્સ દ્વારા અંકાયેલા આંકડા અનુસાર, તે સમયે તેમની સંપત્તિ એક અબજ ડોલર હતી. જે પરથી તેઓ વિશ્વના સૌ પ્રથમ અબજોપતિ લેખક છે.

…આ લેખનું પૂર્ણવિરામ.

તમને જે ગમે છે તે કરો. તમારા સપના પર સરળતાથી હારના માનો. હું અને તમે, આપણે બધા જાણીએ છીએ કે તે કામ સરળ નહીં હોય. જીવનમાં એવો સમય આવશે, જે તમને ભાંગવાનો પ્રયાસ કરશે, તમારી કસોટી કરશે. જોઆનના જેમ આપણે પણ આગળ વધતા રહેવું પડશે. 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments