” ખિસ્સામાં જો 100 રૂપિયા હોય તો તેમાંથી 75 રૂપિયા સુધીનું જ રોકાણ કરવું જોઈએ.”
– ઓધવજી રાઘવજી પટેલ
એક શિક્ષકે વર્ગમાં સવાલ કર્યો…
“કોલંબસ કઈ જ્ઞાતિનો હતો ?”
તો એક છોકરાએ ઉભા થઇ કહ્યું ..
“પટેલ”
શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું, “કેમ ?”
છોકરાએ વટથી કહી દીધું,
“વિઝા વગર પટેલો જ અમેરિકા જઈ શક્યા છે.”
ગુજરાતનાં ૧૮૦૦૦ ગામડાં પૈકી ભાગ્યે જ દસ ટકા એવાં ગામો હશે કે જયાં પટેલોનો પરિવાર ના હોય. ધરતીને ફાડીને કાચું સોનું પેદા કરનારા, અન્ય નાની મોટી કોમોને ગુજરાન ચલાવી આપનાર,જગતના આ તાતને ગુજરાતની ધરતી નાની પડી ત્યારે તેમણે દેશ-પરદેશ ખેડાણ કરી લીધું છે. આજે તો આફ્રિકા, યુરોપ તથા અમેરિકામાં બધાં જ મોટાં શહેરોમાં પાટીદારોની મોટી વસાહતો છે. સાહસ, સફરથી તેઓ કદી થાક્યા નથી.
પરંતુ…
આજે આ લેખમાં એવા કણબીપુત્રની ગાથા લખી છે કે જેણે પોતાનાં વતનની જ માટીને તેની કર્મભૂમિ બનાવી અને એમાં જ ભળી ગયા. અજંતા-ઓરેવા ગ્રુપનાં સ્થાપક, અને દુનિયામાં “ફાધર ઓફ વૉલ કલોક્સ” તરીકે નવાજાયેલા, ઓધવજી રાઘવજી પટેલ.
’50નાં દાયકાની મધ્યમાં મોરબીના ચાચાપર ગામના ખેડૂતના પુત્ર ઓધવજીનું નામ મોરબીના આસપાસનાં ગામડાઓમાં લોકોનાં કાને પડ્યું. કારણકે વિજ્ઞાનમાં એ વિસ્તારમાં ઓધવજી સૌથી પહેલા સ્નાતક થયા હતા. પછી તેમણે “બી.ઍડ” પણ કર્યું. નોકરી માટે સારી કંપનીઓનાં તેડાં પણ આવ્યા. પરંતુ ઓધવજીની મહત્વકાંક્ષા પાઇલોટ બનવાની હતી. તે સમયે તેમનાં આસપાસનાં વાતાવરણમાં રૂઢિગત માનસિકતા એવી હતી કે, કોઈ ભલેને ઓછું કમાતું હોય, પરંતુ તેણે પોતાની માતૃભૂમિ ના છોડવી જોઈએ. આ કારણે ઓધવજીએ પાઇલોટ બનવાનું ટાળી પિતાજીની ઈચ્છાને માન આપી, ગામની નજીક મોરબીની VC Highschool માં વિજ્ઞાનનાં માસ્તર તરીકે ફરજ બજાવી.
વતનથી દૂર મકાન ભાડે રાખી રહેતાં ઓધવજીભાઈ 150 રૂપિયાના પગારમાં ચાર દિકરા અને બે દિકરીઓની જરૂરિયાતો પણ પુરી કરવી પડતી. રોજની ચાર કલાકની નોકરી બાદ તેઓએ કેટલાય ધંધાઓમાં હાથ અજમાવી જોયા. દીકરા જયારે કોલેજોમાં આવ્યા ત્યારે તેમની વધતી જતી માંગોને પહોંચી વળવા, ઓધવજીએ કાપડની દુકાન પણ શરુ કરી. ત્યારબાદ એન્જિન ઓઈલનો બિઝનેસ શરૂ કર્યો જે ચાર-પાંચ વર્ષ જેટલો ચાલ્યો. ભલે પાઇલોટનું સપનું ભૂંસાઈ ગયું હતું, કઈંક મોટું કરવાની મહત્વકાંક્ષાને કારણે કાપડની દુકાન, એન્જીન ઓઇલ જેવા નાના-મોટા ધંધા પર હાથ અજમાવી જોયા.
20 વર્ષ બાદ, 1971માં મોરબીની 3 મહિના પહેલાં બનેલી કંપની અજંતા ટ્રાન્ઝિસ્ટર કલોક મૅન્યુફેક્ચરર નામની કંપનીને એક શિક્ષિત ભાગીદારની જરૂર પડી. જેની શોધમાં તેમની મુલાકાત ઓધવજી સાથે થઇ. ઓધવજીએ પોતાની રીતે બધી ગણતરી કરી આવેલી આ તકને સ્વીકારી, 45 વર્ષની ઉંમરે રૂપિયા એક લાખની મૂડીમાં 15000નું રોકાણ કરી ચોથા ભાગીદાર બન્યા. થોડા જ દિવસોમાં શિક્ષકની નોકરી છોડી દીધી. અજંતા નામનાં આ રથને તેનું ચોથું પૈડું મળી ગયું.
મોરબી આજે ભારતનાં સીરામીક અને ઘડિયાળના ઉદ્યોગ માટે ‘કેપિટલ’ બની ગયું છે. જો ઘડિયાળ પણ સત્યયુગમાં કે તેનાં પહેલા શોધાઈ હોત તો મહાભારત-રામાયણમાં મોરબીનો પણ ઉલ્લેખ થયો હોત. આતો જસ્ટ વાત છે. પણ અજંતા નામનો આ રથ, વધતી જતી હરીફાઈ અને અનુભવની અછતના કારણે મોરબી જેવા ઘડિયાળની કંપનીઓના કુરુક્ષેત્રમાં બહુ દોડી ના શક્યો. 1981 સુધીમાં 3 ભાગીદારો અજંતા છોડી છટકી ગયા. અજંતા કંપની ઓધવજીના નામે થઇ ગઈ. ખરેખર અજંતાની શરૂઆત જ અહીંથી થઇ. 10 વર્ષ પહેલા જે થયું એ તો કુદરતે આ કણબીપુત્રને ભાવિમાં આવનારી તમામ મુશ્કેલીઓથી વાકેફ કરવા બધા ખેલ રચ્યા હતા. કણબીના આ દીકરાએ બીજા ભાગીદારોની જેમ નાસીપાસ થયા વગર મોરબીના કુરુક્ષેત્રમાં લડવાનું પસંદ કર્યું. તેમણે તેમના મોટા પુત્ર પ્રવિણ, ભાઈઓ અને ભત્રીજાઓને જ કંપનીમાં જોડ્યા. ધીમે ધીમે કંપની ઉભી થઇ.
’80ના દાયકામાં, ઓધવજીના કાને ઘડિયાળોની એક નવી ટેક્નોલોજીનું નામ પડ્યું, ‘કવાર્ટઝ ટેક્નોલોજી’.
તમે પણ આ નામ આજે કેટલીયે ઘડિયાળોમાં જોતા હશો. ખરેખર ક્વાર્ટઝ એ એક ખનીજ છે, જેની શોધ 1880માં જૅકક્વીસ અને પાઈરી કુરીએ હતી. સમય જતાં 1927માં વૉરેન મૅરિસન અને જે.ડબ્લ્યુ. હોર્ટોને કૅનેડામાં બેલ ટેલિફોન લૅબોરેટરિઝ ખાતે પ્રથમ ક્વાર્ટઝ ઘડિયાળ બનાવી હતી. એ પછીના દાયકાઓમાં ચોક્કસ સમય માપન સાધન તરીકે પ્રયોગશાળાની વ્યવસ્થાઓમાં- ભારેખમ અને નાજુક કાઉન્ટિંગ ઈલેક્ટ્રોનિક્સ, નિર્વાત નળીઓ સાથેની ક્વાર્ટઝ ઘડિયાળોનો વિકાસ થયો, જે અન્ય જગ્યાઓએ તેમના વપરાશને મર્યાદિત બનાવતો હતો. 1932માં, પૃથ્વીના પરિભ્રમણ દરમાં આવતા નાનકડા અઠવાડિક બદલાવોને માપી શકવા સક્ષમ એવી એક ક્વાર્ટઝ ઘડિયાળ બનાવવામાં આવી. નેશનલ બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સે (હવે એનઓઈએસટી-NIST) 1929ના ઉત્તરાર્ધથી છેક 1960ના દશક સુધી, યુનાઈટેડ સ્ટેટ્સનો પ્રમાણભૂત સમય ક્વાર્ટઝ ઘડિયાળો પર ગોઠવ્યો હતો, એ પછી તેને અણુ ઘડિયાળો અનુસાર બદલવામાં આવ્યો હતો. 1969માં, સેઈકોએ વિશ્વની સૌથી પહેલી ક્વાર્ટઝ કાંડા ઘડિયાળ, ઍસ્ટ્રોન, ઉત્પાદિત કરી. તેની અંતર્ગત ચોક્સાઈ અને નીચા ઉત્પાદન ખર્ચના પરિણામે તેના પછી ક્વાર્ટઝ ઘડિયાળો અને કાંડા-ઘડિયાળોના વિપુલ ઉત્પાદન થયું.
ઘડિયાળના ઉદ્યોગમાં આવેલ આ પરિવર્તનને વહેલી તકે પારખી, ઓધવજીએ આ નવી ટેક્નોલોજીને ભારત લઇ આવવા માટે, પુત્ર પ્રવિણ સાથે જાપાનનો પ્રવાસ ખેડ્યો. ત્યાં તેમને જાણવા મળ્યું કે, આ ટેક્નોલોજી જૂની મિકેનિકલ ઘડિયાળ( ચાવી વાળી ઘડિયાળ આવતી તે) કરતાં તો ઘણી બધી રીતે ચઢિયાતી છે. જાપાનમાં એક કંપની સાથે હાથ મિલાવી, ક્વાર્ટઝ ટેક્નોલોજીને સૌથી પહેલા ભારતમાં લાવ્યા. ઘરનાં 15-17 સભ્યોની ટિમ કંપની ચલાવા લાગી. દરેક સભ્યોએ કામ વહેંચી દીધું. કોઈએ હિસાબો સાચવ્યા, તો કોઈએ દેશ-વિદેશમાં જઈ પિતાની કંપની માટે ઓર્ડર લઇ આવ્યું. અને કંપની મોટી થઇ. 1991માં, માત્ર આ 17 સભ્યોની ટિમે, દિવસે 1,20,000 ઘડિયાળોનું ઉત્પાદન કરતી. જેમાંથી રોજની ત્રીસથી ચાલીસ હજાર ઘડિયાળોનો 45 જેટલાં દેશોમાં નિકાસ કરતી હતી. આ રીતે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળોની ઉત્પાદન કરતી કંપની બની. એટલું જ નહી, ઇલેક્ટ્રોનિક કોન્ઝ્યુમર કેટેગરીમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ભારત સરકાર દ્વારા, અજંતા ગ્રુપને સતત 12 વર્ષ સુધી હાઈએસ્ટ એક્સપોર્ટરનો એવૉર્ડ મળ્યો.
અજંતા ગ્રુપનું અલગ અલગ ઉદ્યોગોમાં વિસ્તરણ, અજંતાની નવી પેઢીની શરૂઆત !
मयाध्यक्षेण प्रकृति: सूयते सचराचरम् |
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ||
ખબર છે, તમે આ શ્લોક નથી જ વાંચ્યો. આ શ્રીમદ ભગવદગીતા ના અધ્યાય 9 નો 10મો શ્લોક છે. જેનો ટૂંકમાં અર્થ, “પરિવર્તન એ સંસારનો નિયમ છે” થાય છે. 1971થી ઘડિયાળના ઉત્પાદક તરીકે શરુ થયેલી કંપનીનો આલેખ 90ના દાયકામાં ધીમે ધીમે નીચો જવા લાગ્યો. તેનું કારણ, મોબાઈલ ! અજંતાની પ્રોડક્ટ્સ કેલ્ક્યુલેટર, ટેલિફોન, એલાર્મ ક્લોક જેવી સુવિધાઓ હવે નાનકડાં મોબાઈલમાં જ મળી રહેતી. જેના કારણે અજંતાની ઘડિયાળ, અને બીજી પ્રોડક્ટ્સની માંગ ઘટવા લાગી. 1996માં અજંતાએ આ પરિવર્તનને સ્વીકારી લીધું, અને હોમ એપ્લાયન્સમાં શ્રીફળ વધેર્યું. હોમ એપ્લાયન્સ જેવા કે, ઈસ્ત્રી, ઇલેકટ્રીક સગડી, વૉટર કૂલર, એર કૂલર, રૂમ હીટર વગેરે જેવા ઉત્પાદનો બજારમાં મુક્યા. અજંતાનું ટર્નઓવર તો જળવાતું હતું, પરંતુ વધતું નહોતું, કારણકે એક બાજુ ભલેને હોમ એપ્લાયન્સની માંગ વધતી હોય, પરંતુ બીજી બાજુ ઘડિયાળની માંગ ઘટતી હતી.
2000ની આસપાસ…
જયસુખભાઈ (હાલ, અજંતાગ્રુપના MD અને ચેઈરમેન) ચીનમાં અજંતાના ફેલાયેલા સામ્રાજ્યની મુલાકાતે ગયા ત્યારે બલ્બની નવી ટેક્નોલોજી CFL (કોમ્પએકટ ફ્લોરિસન્ટ લૅમ્પ )નું નામ તેમણે સાંભળ્યું. તેમણે જાણ્યું કે CFL, બીજી કોઈ ટેક્નોલોજી ( એ વખતેની) કરતાં 80 ટકા ઓછી વીજળી ગ્રહણ કરી ચાલે છે. આ સાંભળી તેમને આ નવી ટેક્નોલોજીમાં દિલચસ્પી થઇ, અને 2-3 ફેક્ટરીમાં પણ મુલાકાતે ગયાં. તેમણે વિચાર્યું કે ભારતનાં મધ્યમ વર્ગના પરિવારો માટે આ વરદાનરૂપ સાબિત થશે. એટલે ત્યાંથી સેમ્પલ લઇ ભારત આવ્યાં.
જયસુખભાઈનું સપનું ભારતના દરેક ઘર અને ઝુંપડીઓમાં અજંતાની CFL લાઈટથી જળહળી ઉઠે તેવું હતું. અજંતાએ CFL શરુ કરી ત્યારે તે સમયે, ભારતમાં બે મહારથીઓ, બજાજ અને ફિલિપ્સ એ CFL લાઇટ્સ શરુ કરી દીધી હતી. પરંતુ જયસુખભાઈ એ આ મહારથીઓને ટક્કર આપવા માટે રણનીતિઓ પહેલેથી જ ઘડી દીધી હતી. આ મહારથીઓ એ ભૂલી ગયા હતા કે ભારત ગામડાઓનો બનેલો દેશ છે. તેઓ ભારતને ‘સીમંતોનો દેશ’ ગણીને તેમની CFLની પ્રોડક્ટ્સનું બ્રાન્ડિંગ ‘લક્ઝુરિયસ લેમ્પ’ તરીકે કરતાં હતાં. જયારે બીજી તરફ, દેશના તમામ ઘર અને ઝુંપડીઓમાં પહોંચવાના સપનાને ધ્યાનમાં રાખીને ‘એનર્જી સેવિંગ ટેક્નોલોજી’ તરીકે, ઓરેવા ( ઓ એટલે ઓધવજી, અને રેવા એટલે ઓધવજીના પત્ની) નામની કંપનીથી બ્રાન્ડિંગ કર્યું, જેના પરિણામે CFL માર્કેટમાં ઓરેવાનું નામ લોકોના ઘર ઘર સુધી પહોંચી ગયું. ઓરેવાની CFL પ્રોડક્ટ્સ, ફિલિપ્સ કરતા ખુબ જ ઓછા ભાવમાં મળી રહેતી. ફિલિપ્સ જેવી કંપની જયારે વૉરંટી પણ નહોતી આપતી, ત્યારે ઓરેવા CFLની તમામ પ્રોડક્ટ્સ પર, ગેરંટી આપતું હતું. બલ્બ તૂટી ગયો જે બગડી ગયો હોય તો પણ બદલી આપતા.
બસ ત્યારબાદ, અજંતા ગ્રુપનું સામ્રાજ્ય આજે ઘડિયાળ ઉપરાંત સીરામીક, કન્ઝ્યુમર ઈલેકટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, કેમિકલ્સ, FMCG, ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ, સ્ટીલ વગેરે જેવા ઉધોગોમાં વિસ્તરી ચૂક્યું છે. ઉદ્યોગ ઉપરાંત આ કંપની સામાજિક જવાબદારીઓમાં પણ અગ્રેસર છે.
મહિલા સશક્તિકરણ, એટલે અજંતા !
2013ના આંકડા પ્રમાણે, અજંતાના 4500ના સ્ટાફમાં 600-700 જ પુરુષો છે. અજંતા ગ્રુપમાં અંદાજે 90% મહિલા કર્મચારીઓ છે. કંપનીની પ્રોડક્ટ્સ મહિલાઓને ભેટ તરીકે આપવામાં આવે છે. બહેનોને આવા-જવા માટે નજીકથી આવતી બહેનોને સાઈકલ આપી અને દૂરથી આવતી બહેનો માટે બસની વ્યવસ્થા કરી. એ જ બહેનોને બસ-ડ્રાઈવિંગ પણ શીખવ્યું. બહેનોની બસ અને બહેન જ ડ્રાઈવર.
કંપનીમાં કામ કરતી બહેનોને ટેક્નિકલ અને કોમર્શિયલ એમ બંનેની ટ્રેનિંગ આપવામાં આવે . અલ્ટ્રાસોનિક આઈ.સી. બાઈન્ડિંગ ઑપરેશનથી લઈને સોફેસ્ટિકેટેડ ટુલ્સના ઑપરેશનની ટ્રેનિંગ વગેરે જેવા તમામ કામ બહેનો બખૂબી સંભાળે છે. ‘છોકરીઓને કઈ ખબર ના પડે’ એવી માનસિકતા વાળાની આ કંપનીએ બોલતી બંધ કરી દીધી છે. કૉમ્પ્યુટર તાલિમ, વિદેશી ભાષાઓ,વ્યક્તિત્વનો વિકાસ, હૉસ્પિટાલિટી… વગેરે જેવી તાલીમ આ કંપનીમાં અપાય છે.
આ કંપનીમાં કામ કરતી મહિલાઓ કંપનીની વર્કર નહીં, પરંતુ અજંતા પરિવારની દીકરી છે, એ જ પ્રકારનું વર્તન કંપની દ્વારા કરવામાં આવે છે. કોઈ કારણોસર કંપની છોડી ગયેલી મહિલાને કોઈ કામે મદદ જોઈતી હોય તો પણ કંપની મદદ કરે છે. જયારે કોઈ મહિલા કર્મચારીના લગ્ન હોય ત્યારે રૂપિયા 11,000નો ચાંદલો પણ કંપનીના નામે કરવામાં આવે છે, જેથી દીકરીના માતા-પિતાને આર્થિક મદદ પણ થઇ જાય. કચ્છના પ્લાન્ટ નજીક, મહિલાઓ માટે કંપનીએ હોસ્ટેલની સુવિધા પણ ઉભી કરી છે. અજંતામાં કામ કરતા દરેક કર્મચારીઓના પરિવારનો મેડિકલ ખર્ચ કંપની ચૂકવે છે.
ભારત જેવા દેશમાં, આજે હજુય મહિલા સશક્તિકરણની માત્ર વાતો જ થાય છે, ત્યારે અજંતા છેલ્લા લગભગ ત્રણેક દાયકાથી અજંતાએ મહિલાઓને સ્વાભિમાનથી જીવતા શીખવાડી દીધું છે.
પિતાનો પુત્રને વારસો.
ઓધવજીએ તેમના ચારેય પુત્રોને વારસામાં સામ્રાજ્ય આપ્યું તો દીકરાઓએ, ઘડિયાળથી થયેલા સામ્રાજ્યને મોટાભાગના ક્ષેત્રોમાં પ્રસરાઈ દીધું. તેઓ તેમના પુત્રોને હંમેશા કહેતા કે, જો ખિસ્સામાં સો રૂપિયા હોય તો હંમેશા 75 રૂપિયાનું જ રોકાણ કરવું, તો રોવાના દિવસો ના આવે. અને એવું પણ કહેતા કે ઉધાર આપવાનું પણ નહી કે લેવાનું પણ નહીં. અજંતા ગ્રુપ કંપની પણ આજે ઓધવજીની આ વાતોને ધ્યાનમાં રાખીને જ ચાલે છે.
વાહ પટેલ