2020નું વર્ષ તો ખબર નહી ક્યારે જતું પણ રહ્યું, પણ આ કોરોના એ તો ફરી પધરામણા કર્યા છે. એમાય.. છેલ્લા મહિનાથી… ફલાણાભાઈને ઓક્સિજનવાળો બેડ જોઈએ છે. લુકડાભાઈને ઓક્સિજનનું સિલિન્ડર ભરાવવું છે. ઢીકણાભાઈને રેમેડેસિવિર જોઈએ છે. એ બધું તો ઠીક છે. સમજાય એવું છે.
પણ આ પ્લાઝમા ?
પ્લાઝમા એટલે શું ? કઈ રીતે કોરોનાથી લડવામાં સહાયરૂપ ?
પ્લાઝમા એટલે આપણા લોહીમાં રહેલું પીળા રંગનું દ્રવ્ય. જે પ્રોટીનનું બનેલુ હોય છે. જે લોહીમાં 55% પ્લાઝમા હોય છે. સરળ ભાષામાં, આપણા શરીરની સેના પ્લાઝમામાં સમાયેલી હોય છે. જે બહારથી આવતા વાયરસ સામે લડે છે.
પ્લાઝમા થેરાપી… જે વ્યક્તિએ અગાઉ કોરોનામાંથી રિકવર થઇ હોય, તેની રોગપ્રતિકારક શક્તિ હાલના કોરોનાના દર્દીમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ છે. જે દર્દીના શરીરને કોરોના સામે લડવામાં મદદ કરે છે.
કોરોનાનો બીજો તબક્કો આવ્યો. જેમાં પહેલા કરતા પણ વધુ ઝડપથી, વધુ લોકો સપડાઈ રહ્યા છે. હવે જે સપડાયેલા લોકો છે, અને એમાંય જેમની પરિસ્થીતિ થોડીક વધારે ક્રિટિકલ છે, એમના પર રસી એટલી અસરકારક નથી. તેમના માટે, એક આશાનું કિરણ છે… પ્લાઝમા થેરાપી/ઍન્ટિબોડી થેરાપી !
દર્દીના સ્વજનો માટે પ્લાઝમા મેળવવા માટે, આજે ઇન્ટરનેટ વરદાનરૂપી નીવડ્યું છે.
પણ, પ્લાઝમા જ કેમ ?
કોરોનાથી સજા થયેલ વ્યક્તિના શરીરમાં જયારે કોરોના પ્રથમ વખત દાખલ થાય છે, ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વાયરસથી લડવા માટે એન્ટીબૉડીઝ બનાવે છે. જે પ્લાઝમામાં પ્રોટીન સ્વરૂપે હોય છે. આ એન્ટિબોડીઝ કોરોનાને માત આપે છે.
આ સજા થયેલ વ્યક્તિનું લોહી લઇને, તેમાંથી પ્લાઝમાં અલગ કરવામાં આવે છે. તેના સિવાયનું લોહી ડોનરને પાછુ આપી દેવામાં આવે છે. આ પ્લાઝમા અસરગ્રસ્ત દર્દીના શરીરને કોરોનાથી લડવા માટે સક્ષમ બનાવે છે.
કોણ પ્લાઝમા આપી શકે ?
કોરોનાથી સજા થઇ ગયેલ વ્યક્તિ, કે જે…
જેને કોરોનાથી સજા થયાના 28 દિવસ થઇ ગયા, જેમનું વજન 50કિલોથી વધારે છે અને ઉંમર 18થી 60ની વચ્ચે છે.
રક્તદાન વખતે જે રીતે લોહી લેવા આવે છે તે રીતે પ્લાઝમા માટે પણ લેવામાં આવે છે. પ્લાઝમા ડોનેટ કર્યા બાદ પણ વ્યક્તિનું શરીર વાઇરસથી લડવામાં સક્ષમ રહે છે. કેમ કે, તેમાં ડોનરના શરીરના પ્લાઝમાનો થોડોક જ ભાગ લેવામાં આવે છે. જે અસરગ્રસ્ત દર્દીના શરીરને વાઇરસથી લડે તેવા સક્ષમ એન્ટીબોડીઝ બનાવી આપે છે.
જોકે, દરેક સાજો થયેલ વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરી શકે તેવું નથી. માટે, પ્લાઝમા ડોનેટ કરતા પહેલા અંગત ડોક્ટર અને આ ક્ષેત્રના નિષ્ણાંતની અવશ્ય સલાહ લો.
ઉપસંહાર !
ખરેખર, આજે પ્લાઝમાનું દાન કરીને તમે કોઈ કોરોનાથી લડી રહેલા અસરગ્રસ્ત વ્યક્તિનું જીવન બચાવી શકો છો.
એટલે જ તો પીળુ એટલું સોનુ નહી, સોનાથી પણ અમુલ્ય હોઈ શકે.
જો દેશમાં રિકવરી દર આટલો ઉંચો હોવા છતાય, પ્લાઝમાની અછત વર્તાતી હોય તો ક્યાંક ને ક્યાંક આ માણસાઈની પણ હાર છે.